વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ એલા, મને કોઈક તો પરણાવો…

મિલન ત્રિવેદી

ચુનીલાલનો છોકરો જીગો(જીગ્નેશ) અમસ્તો પણ મોઢું સૂજી ગયું હોય તેવો લાગે.એમાં આજે સવારથી જ મોટું ફુલાવી ઘરમાં આંટાફેરા મારતો હતો.

આજે સવારની ચા મારે ચૂનિયાને ત્યાં હતી એટલે મેં જોયું કે મારા ધ્યાનમાં આવે તે માટે તે ચાર-પાંચ વાર મારી સામેથી ધૂઆંફૂઆં થતો નીકળ્યો.

કોઈ પણ વ્યક્તિને આવા સંજોગોમાં એમ હોય કે મને કોઈક પૂછે કે `શું થયું છે?’ મેં પણ પૂછી નાખ્યું અને ભ્રષ્ટાચારી નેતાએ બનાવેલા બંધમાં ઉપરવાસમાંથી થોડું પાણી આવે તો પણ બંધની દીવાલ તરત તૂટી જાય અને નીચાણવાળા વિસ્તારમાં તારાજી સરજે તેવી હાલત થઈ પૂછતાની સાથે જ એ વરસી પડ્યો. તાત્કાલિક ટેબલ ખેંચી અમારી સામે બેઠો :

મિલન કાકા, તમારા લગ્ન કેટલા વર્ષે થયા હતા?' મેં કહ્યું27 મા વર્ષે.’
`મારા પપ્પાના લગ્ન 25મા વર્ષે થયા હતા. અને તમારા બંનેની જાણ ખાતર મને અત્યારે 32 થયા.’
હું કંઈ બોલું તે પહેલા ચુનિયો બોલ્યો: અમારા કરતાં સાત વર્ષ સુખની જિંદગી વધારે મળી.

`મારે તાત્કાલિક દુ:ખી થવું છે, બોલો તમારે એ સંદર્ભે કાંઈ કરવાનું છે?’
તેના આ સીધા આક્રમણથી હું સમજી ગયો કે પ્રશ્ન શું છે.
લગ્ન છે એ એક તાળું મારેલા બારણા જેવું છે. તેની બંને બાજુ પુષો ઊભા છે.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃમારે જો નેતા બનવું હોય તો…

એક બાજુ પરિણીત પુરૂષો અને બીજી બાજુ કુંવારા છોકરાઓ. બંને લોકો બારણું ખોલતા જ સામેની બાજુએ જવા ઉતાવળા હોય છે. બારણું ખૂલતાં જ પરણેલા પુષો બહાર નીકળી ખુલ્લો શ્વાસ લેવા ઉતાવળા હોય છે. ત્યારે બારણું ખોલતા જ કુંવારા છોકરાઓ પરિણીત વિભાગ બાજુએ ધસી જવા ઇચ્છતા હોય છે.

તમે એક વાત ધ્યાનમાં લીધી છે કે નહીં મને ખબર નથી, પરંતુ હવે લેજો. જ્યારે કોઈનો વરઘોડો નીકળતો હોય ત્યારે વરઘોડા પાછળ ચાલતા પરિણીત પુરૂષોના ચહેરા પર કોઈ ભાવ હોતો નથી. વરઘોડાની પાછળ પાછળ નિસ્તેજ અને એક્સપ્રેશનલેસ ટોળું જતું હોય એ પરિણીત પુરૂષોનું હોય. કહેવાય છે ને કે મૌન ઘણું કહી જતું હોય છે.

વરઘોડામાં બહેનો વધારે આનંદમાં હોય છે, કારણ કે વધુ એક પુરૂષ મહિલા મંડળના તાબે થવા જઈ રહ્યો છે.
લગ્નના પ્રથમ બે વર્ષ તો એટલાં સરસ ક્યાંય જાય કે કોઈપણ શોરૂમમાં ડિસ્પ્લેમાં સારામાં સારી વસ્તુઓ મૂકી હોય તે જોઈ અને ગ્રાહકો અંદર પડેલો ભંગાર પણ હોંશે હોંશે ખરીદી લેશે તેમ કુંવારા યુવકો પોતાના નજીકના મિત્રને ખુશખુશાલ જોઈ અને હસીખુશી પરણી જાય છે.

વોરંટી ગેરંટી પિરિયડ પૂરો થયા પછી જેમ કંપની દાદ દેતી નથી. તેવું જ લગ્નનું છે. જોકે કુંવારી છોકરીઓની પણ એ જ ફરિયાદ હોય છે. શરૂઆતના બે વર્ષ અમે અમારા ધણીને ગમે તેમ કહી લેતા તો પણ તે હસી નાખતો. હવે કેમ ગમતું નથી?

આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ ત્રિભોવનકાકાનો મનિયો નવી ગાડી લાયો…

લગ્નનાં 10 વર્ષ પછી તો આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય છે. ગરમ ગરમ રોટલી ઊતરતી જાય અને બે પેટ કરી અને ખાતો યુવાન ડિનરમાં લંચ કરતો હોય છે.

મારા ઘરની જ વાત કં તો આજે પણ રીંગણા-બટેટાનું શાક થાળીમાં આવ્યું એટલે મેં કહ્યું કે “ગઈકાલે પણ આ જ શાક હતું આજે ફરી રીંગણા-બટેટા?

મને કહે ગઈકાલે બટેટા-રીંગણા હતા. આજે રીંગણા-બટેટા છે.' મારા ચહેરા પરનો પ્રશ્નાર્થ જોઈ અને મને કહે: ગઈકાલે ત્રણ રીંગણા અને બે બટેટા હતા. આજે બે રીંગણા અને ત્રણ બટેટા છે. આવતીકાલે રીંગટાનું શાક છે.’
મારા ચહેરા પર હાસ્ય આવ્યું કે ચાલો. કાલે કંઈક નવું આવશે.

`બસ આમ જ તમે હસતા રહો કાલે બે રીંગણા અને બે બટેટા સરખા ભાગે એટલે રીંગટા (રીંગણા+બટેટા).’
આવા સમયે એમ થાય કે થાળીમાં પણ શું કામ પીરસો છો? જ્યાં રીંગણા અને બટેટા વાવ્યા હોય તે વાડીમાં જ અમને છુટા મૂકી દો ને, અમે અમારી જાતે ચરી લેશું.

જીગા ને મેં શાંતિથી પૂછ્યું કે તને આ પરણવાનું આટલું બધું મન શુ કામ છે?' મને કહે:બધા પરણિત મિત્રો પોતાની પત્ની સાથે ભેગા થાય ત્યારે મને એકલું એકલું લાગે છે. સવારના પોરમાં તેમને તેમના પત્ની જગાડવા જાય ત્યારે ભીના વાળ છંટકોરી, થોડું વ્હાલ કરી જગાડે, ગરમા ગરમ ચા પથારીમાં જ મળે, રોજ નિતનવા નાસ્તા અને ભોજનમાં સ્વાદિષ્ટ વ્યંજનો ગરમાગરમ પીરસાય, જિંદગી જલસાઘર લાગે.’

મેં ચુનિયા સામે જોયું અમે બંને હસવાનું માંડ રોકી શક્યા અને મનોમન સમજી ગયા કે આ એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને પ્રોડક્ટ ખરીદવાવાળા વર્ગમાંથી આવે છે.

આમ જુઓ તો લગ્ન જરૂરી છે. ખુલ્લા ફરતા સાંઢને ખીલે બાંધવા માટે લીલા ઘાસના પૂળા આખા રસ્તે છેક ખૂંટા સુધી પાથરતા આવવા પડે. જેથી કરીને તે ખાતો ખાતો ખૂંટા સુધી આવે અને માલિક તેને બાંધે.

ચાલો, ત્યારે હવે જીગા માટે ગોતીએ છોકરી…. જે પણ છોકરી વગર કારણે વઢવા માગતી હોય તે તાત્કાલિક સંપર્ક કરે.

વિચારવાયુ:

તમારા લગ્ન થઈ ગયા છે?
હા


તમે શું કરો છો?
જલસા

પતિ શું કરે છે?
પસ્તાવો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button