વીક એન્ડ

અળવીતરી આંગળીઓનું આડા-અવળું…

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

એક આંગળી શું કરી શકે?
પથારી ફેરવી શકે અને ટોચ પર પણ બેસાડી શકે. કોઈપણને પૂછો તો આ જવાબ આપી શકે, પણ આટલું અઘરું મારા માટે ખરેખર કલેકટરની પરીક્ષા પાસ કરવા જેવું છે. કોઈપણને તમે આંગળી અંગે પ્રશ્ર્ન પૂછી અને આંગળી આપો એટલે ‘પોચો પકડે’ … પણ આજે આપણે આંગળી શું શું કરી શકે તે જોઈએ તો ઇવીએમ બટન પર આંગળી પડે એટલે ખરેખર કોઈનું ભવિષ્ય બને ને કોઈનું બગડે પણ ખરું… લાઈટની સ્વીચ ઉપર પડે તો પ્રકાશ આવે અથવા જાય. ચુનિયાએ તો તરત જ કહ્યું કે ‘કોઈની સામે આંગળી ચીંધો તો સામેવાળી વ્યક્તિ કેટલી મજબૂત છે તેની ઉપર તમારી આંગળી સાબૂત છે કે નહીં તે નક્કી થાય.’

આજકાલ કોઈની સામે આંગળી ચીંધવાનું પરિણામ સારું જ આવે એવું નથી. કહેવત હતી કે આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે એટલે કે કોઈની ભલામણ કરવાથી તેનું કામ પૂરું થાય એટલે તેનું પુણ્ય મળે, પણ કોઈ ખોટી રીતે આંગળી ચિંધાઈ ગઇ હોય તો કામ અને ચીંધનારની તબિયત બેય બગડે.

આવી અઘરી અઘરી વાતો નથી કરવી. હું તો મારી આંગળી ક્યાંક દબાઈ ગઈ તેની વાત કરવા આવ્યો છું. આજકાલ સોશિયલ મીડિયા ઉપર લોકો અંગૂઠાનો ઉપયોગ વધારે કરે છે.કદાચ એટલા માટે હશે કે સોશિયલ મીડિયાનું આ રમકડું હાથમાં આવતા જ લોકોની સમજશક્તિ બેહેર મારી જાય છે અને અંગૂઠાછાપ થઈ જાય છે.અભણ માણસોને ભગવાને આઠ આંગળી અને બે અંગૂઠા શું કામ આપ્યા તે પહેલેથી ખબર હતી, પરંતુ ભણેલ માણસો આ અંગૂઠાને નકામો ગણતા હતા. પરંતુ જ્યારથી આ એડવાન્સ રમકડું આવ્યું ત્યારથી ભગવાનનો આભાર માને છે કે ખરેખર અંગૂઠા ન આપ્યા હોત તો અમે અમારો સમય કઈ રીતે વ્યર્થ કરી શક્યા હોત.

મારાથી અચાનક આવેલી એક પોસ્ટ ઉપર અંગૂઠો દબાઈ ગયો પછી જોયું કે આ તો વજન ઘટાડવાની પોસ્ટ છે.બસ, ગૂગલને થયું કે આ ભાઈ માટે આ અત્યંત જરૂરી છે. અંગૂઠા રૂપી આંગળી થઈ ગઈ અને હવે દર બે પોસ્ટે એક પોસ્ટ વજન કઈ રીતે ઘટાડશો તેની આવે છે.મને તો એવું લાગે છે કે હવે એની ઉપર ધ્યાન નહીં દઉં તો મોબાઇલમાંથી બહાર નીકળી બાવડું જાલી અને મને આ દવા ખવડાવે છૂટકો કરશે. તે લોકોની સાવ સાદી રજૂઆત પણ હવે મને વઢતા હોય તેવી લાગે છે. શરૂઆતમાં આ
દવાવાળાઓએ મારી વિદેશની ટૂરની પોસ્ટ જોઈ અને મને મોંઘા ભાવની દવા પાવડરવાળી જાહેરાતો મોકલી, કારણકે એમને થયું કે આ વિદેશમાં જાજો ફરે છે તો કેપેસિટીવાળો હશે. પણ એને ક્યાં ખબર છે કે પારકા ઘરે ઉત્તમ ભોજન અને ઘરે ડાયટિંગ કરવાવાળી પ્રજાતિ એટલે કલાકાર. દરેક જાહેરાતને પૂરતું પ્રાધાન્ય આપી અને નિરાંતે વાંચી લઉં છું એટલે તેને પણ એવું લાગે છે કે આ મારી દવા લેશે જ, પરંતુ જેમ જેમ સમય વ્યતીત થતો ગયો તેમ તેમ જાહેરાતોએ પણ વિચારી લીધું કે ‘આ ખર્ચ કરે એવું લાગતું નથી…. એટલે છેલ્લે તો ખાલી કુરિયર ખર્ચમાં દવા પહોંચાડીશું’ ત્યાં લગીની જાહેરાત આવી ગઈ છે. એમાં પણ બે- ત્રણ દિવસ ધ્યાન નહીં આપું તો કદાચ કંપનીવાળો એના ખર્ચે રૂબરૂ માણસ ઘરે મોકલશે એવું લાગે છે.

આમ તો ઝેરના પારખા ન હોય,છતાં કરવા જ હોય તો તમે જો તમારા રસની એકાદ જાહેરાતમાં આંગળી દાબી દો પછી લજ્ઞજ્ઞલહય દેવતાને એવું થાય છે કે આ વ્યક્તિને આ જ બાબતમાં રસ છે એટલે સતત તમને એવી જાહેરાતોનો મારો ચાલુ કરશે. ભાઈબંધ-દોસ્તારના મોબાઈલ લઈ અને એકાદ એવી જાહેરાત જોઈ તેના પર આંગળી કરી લેવી પછી જો તેના ઘરવાળાના હાથમાં ફોન આવે તો પછી ‘ઠાકુર તો ગયો’….

વજન ઉતારવાની બાબતમાં ગમે તેવી દવા બનાવતા હોય આપણી બાબતમાં એ કેમ પણ પરિણામ લક્ષી ન બને, કારણ કે હું મનનો ખૂબ જ મોળો છું. જમીને નીકળ્યો હોઉં છતાં કોઈ આગ્રહ કરે તો પાછો જમવા બેસી જાઉં છું. હજી એક- બે વાર આવી જાહેરાતમાં અંગૂઠા મારવા છે.એટલે લગભગ બધી કંપની આપણા સંપર્કમાં આવી જાય. મારું તો હજી પણ સમજ્યા કે ક્યારેક પીગળી જાઉં, પણ ચુનિયાની બાબતમાં તો એવું થશે કે તમામના પ્રયત્નો નિષ્ફળ જાય પછી બધી કંપનીઓ એક થઈ અને એને કઈ રીતે સાણસામાં લેવો તે નક્કી કરશે ને તેમાં પણ ઇનામ નક્કી થશે, પરંતુ ચુનિયાએ નક્કી કર્યું છે કે દવા જેટલા જ પૈસા સામે આપે પછી આપણે આપણું શરીર ઘટાડવું.

અમુક દવાની કંપનીઓ સાથે બહારના કસ્ટમરો હવે મગજમારી કરે છે ત્યારે દવાની કંપનીઓવાળા જ કહે છે કે ‘તમે ચુનિક્યા જેવું કરોમાં’ એટલે ચુનિયાનો અંગુઠો ટ્રેડમાર્ક થઈ ગયો છે.
આંગળી કે અંગૂઠાનું કાર્ય સારું કે ખરાબ તે હજુ સુધી નક્કી થયું નથી હમણાં એક જગ્યાએ સરસ છોકરી દેખાડી એટલે છોકરાવાળાએ કહ્યું કે ‘બહુ સારું કર્યું.. આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે…’ અને છ મહિના પછી સમાચાર મળ્યા કે છુટાછેડા થઈ ગયા છે.પેલા લોકો મને ભરપૂર ગાળો દે છે. મેં કહ્યું ‘એમાં મારો શું વાંક?’ તો કહે તેં આંગળી ચિંધી હતી..!
હવે આમાં ઓલી પુણ્યવાળી વાત ક્યાં ગઈ?

હું આમ જનરલી કોઈની સાથે ઓછું બોલું છું.એક દિ’ સોસાયટીમાં રહેતા રજુભાઈએ મારી જ ચા પી અને મને ખૂબ ભાષણ આપ્યું કે ‘લોકોમાં હળતા મળતા રહો, લોકો સાથે ઓળખાણ રાખો.’…અને ખરેખર મને એવું થયું કે આ ભાઈનું માનવું જોઈએ. એક દિવસ કોઈ હટ્ટા કટ્ટા માણસે મને રજુભાઈના ઘરનું સરનામું પૂછ્યું.હવે આ રાજુભાઈ મને એટલા મગજમાં બેસી ગયેલા કે હું સારું લગાડવા માટે રૂબરૂ પેલા ભાઈને એને ઘેર લઈ ગયો અને બારણું ખખડાવી રાજુભાઈ ને પેલા માણસની સામે રજૂ કર્યા કે આ રાજુભાઈ.પેલા ભાઈએ કશું જ બોલ્યા વગર અડધી કલાક સુધી મુક્કા અને લાત દ્વારા રાજુભાઈની કરોડરજ્જુ અસ્તવ્યસ્ત કરી નાખી. સાલુ, મને પણ એકવાર એમ થયું કે આ ખોટી આંગળી ચીંધાણી. ભલે રાજુભાઈ તો બોલી શકે એવી સ્થિતિમાં જ ન હતા, પણ એની આંખો મને એવું કહેતી હતી કે ‘તે દિવસના મારા ભાષણ બદલ દિલગીર છું.’
ખરેખર તમને સમજાય જ નહીં કે આંગળી ચિંધવી કે નહીં?

હા, આંગળી ચિંધી શકાય પરંતુ આંગળીનું કનેક્શન મગજ સાથે લીંક થયેલું હોવું જોઈએ.

મારી જેમ સમજણશક્તિનો મંદગતિએ પ્રવાહ ચાલતો હોય તો હું સાચું કરું છું કે નહીં તે વિચાર મગજ સુધી પહોંચતા સુધીમાં તો આંગળી ચિંધાઈ ગઈ હોય અને ધડાકા ભડાકા શરૂ થઈ ગયા હોય છે શું કરવું?

વિચારવાયુ
“અરે, મારા આ હાથ છે જડભરત અને ઉપર આંગળીઓ અભણ એક બે… આ જાણીતા કવિની પંક્તિઓ…. હવે સમજાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…