વાર-તહેવારઃ …ત્યારથી અત્યાર સુધી જુગાર | મુંબઈ સમાચાર
વીક એન્ડ

વાર-તહેવારઃ …ત્યારથી અત્યાર સુધી જુગાર

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

આ પુરાતન રમત જુગાર એટલે જૂગટું, કૈતવ, દ્યૂત, સટ્ટો, વગેરે એમ અલગ અલગ નામથી ઓળખાય છે. કોઈ શોખ ખાતર તો કોઈ ઉત્તેજના માટે તો કોઈ ટૂંકા સમયમાં જથ્થાબંધ કમાઈ જવા માત્ર લાલચને વશ થઈને રમે છે. આ રમતનું નામ ગમે તે હોય, પણ એનો અતિરેક એટલે બરબાદીનો હાઈ-વે !

પાનાની રમત વર્ષોથી ચાલતી આવી છે. જ્યારે કરન્સી-નોટ ચલણમાં નહોતી ત્યારે પણ કિમતી ચીજ-વસ્તુઓ દાવમાં મૂકીને એની હાર-જીત થતી. જુગાર એટલે એક્ રીતે નસીબની રમત, જેમાં વ્યક્તિ પોતાની સંપત્તિ, મિલકત અથવા અન્ય કોઈ મૂલ્યવાન વસ્તુ પર દાવ લગાવે છે.જો એ જીતે તો મૂલ્ય વધે છે અને હારે તો બધું ગુમાવવાનું હોય છે.

આ રમત જૂની છે, પણ સમય સાથે તેનું રૂપ બદલાયું છે. હવે જુગારની ગેમ માત્ર કસિનોમાં નહીં, પણ તમારા મોબાઈલ અને લેપટોપ સુધી પણ એ પહોંચી ગઈ છે.

પાનાં પત્તામાં તીન પત્તી અને રમી ખૂબ કોમન છે. આ એક બેઝ- પ્રારંભિક રમત કહેવાય પછી એ વિવિધ રીતે રમાય. દરેક ગ્રૂપ પોત પોતાની રીતે નવાં નવા નામ આપે, જેમ કે, 1,2,3,4 સિક્વન્સ, અ ઊં 47, ખાંચા, 9-2-11, ચટાઈ, રાજા રાની ઝીરો, કાનો બાડો, 2-3-5, મેરી ગો રાઉન્ડ, આકાશ-પાતાળ, ઉડતા પંજાબ, પંખા અને ડોક્ટર ગેમ વગેરે વગેરે.

ગેમ્બલિંગનો ઇતિહાસ

ગેમ્બલિંગ-જૂગટું તો પૌરાણિક સમયથી ચાલતું આવ્યું છે, જેમકે શંકર-પાર્વતી પણ ચોપાટ રમતાં હતાં અને શિવજી પોતાનો ચન્દ્રમા, નાગ અને નંદીને દાવ પર લગાવી હારી ગયા હતા. દ્વાપરયુગ-મહાભારતમાં પણ ચોપાટ રમાતી. આવી એક રમતમાં પાંડવો પોતાનું સર્વસ્વ હારી બેઠા હતા. આ તો થઇ 5000 વર્ષ પહેલાંની વાત.

આમ તો ગેમ્બલિંગ ચીનથી ચાલુ થયું હતું. ચીનાઓ બે વાતથી બહુ બદનામ હતા. એક તો અફીણના નશા માટે અને બે: જુગાર માટે.. પહેલાં તો ચીનાઓ વુડન બ્લોક્સ લાાડાના ટુકડાથી જુગાર રમતા. જ્યારથી કરન્સી ચલણમાં આવી છે ત્યારથી લેવડદેવડ રોકડમાં થવા લાગી… જુગાર એક એવો નશો છે, જેનો આખો ખેલ તમારા નસીબ પર ચાલે છે. એક પળમાં જીતાડે તો બીજી જ પળમાં હરાવી દે.

જુગાર માત્ર પુરુષો જ નથી રમતા. મહિલાઓ એમનાં નસીબ આ રમતમાં અજમાવે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં સાતમ આઠમના દિવસે અને રાતે ઘરના પરિવારના મિત્રો સૌ સાથે પાનાં રમે છે.

મધ્યકાલીન સમયમાં જુગાર રાજવીઓની અને બજારના વ્યાવસાયિકોની રમત હતી. પછી ટેક્નોલોજી અને ઈન્ટરનેટના યુગમાં જુગારે એક નવી દિશા લીધી, જે ઓનલાઈન ગેમ્બલિંગ તરીકે ઓળખાય છે.
ક્યાં સૌથી વધુ રમાય ?

ગેમ્બલિંગની સૌથી મોટી માર્કેટ છે ચીનનું મકાઉ. અહીં 1850ના દાયકામાં જ્યારે તે પોર્ટુગીઝ વસાહત હતું, તે સમયથી અહીં ગેમ્બલિંગ કાયદેસર છે. આ પ્રદેશમાં પરંપરાગત ચાઇનીઝ રમતો પર જુગાર રમવાનો ઇતિહાસ છે. મકાઉમાં જુગાર હવે મુખ્યત્વે પશ્ચિમી શૈલીના કસિનોમાં રમાય છે.

મકાઉએ ગેમિંગ આવકમાં લાસ વેગાસના સંખ્યાબંધ કસિનોને પણ પછાડી દીધું છે. મકાઉમાં આજે 41થી વધુ કસિનો કાર્યરત છે અને કોવિડ પછી આ જુગારખાનાઓની આજે આવક વધીને 2.6 બિલિયન યુ.એસ ડૉલર સુધી પહોંચી ગઈ છે! (આજે 1 ડૉલર= 88 રૂપિયા !)

ઓનલાઈન ગેમ્બલિંગનું દૂષણ…

ઓનલાઈન જુગારના શોખિનો છેતરપિંડીના વધુ ભોગ બને એવી શકયતા ભારોભાર રહે છે. `ચપટી વગાડતા લખોપતિ થઈ જાવ!’ એવી અમુક તમુક સેલિબ્રિટીઓની ભ્રામક જાહેરખબરોથી ભરમાઈને અનેક લોકો મોટી રકમના દાવ લગાડીને પૈસા ગુમાવે છે. ઓનલાઈન પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયતા સાથે ઓનલાઈન ઓફ્ફ લાઈન જુગાર રમાડતા અનેક લે-ભાગુ પ્લેટફોર્મ્સ- નકલી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ ફૂટી નીકળી છે.

ભારતમાં કુલ જુગાર બજાર એટલે કે જેમાં લોટરી, કસિનો ગેમ , સ્પોર્ટ્સ બેટિગ અને અન્ય પ્રકાર સામેલ છે એ બધાની આવક મળીને લગભગ રૂપિયા 18,000 કરોડ સુધી પહોંચી છે. આથી ભારત સરકારને ઓનલાઇન જુગાર પર 28% જી.એસ.ટી દ્વારા છેલ્લા છ મહિનામાં લગભગ રૂ.6909 કરોડની આવક રળી છે!

અહીં જન્માષ્ટમીમાં જુગારનો જબરો જુગાડ થાય છે …

સૌરાષ્ટ્રમાં જુગાર રમવો એ સામાન્ય વાત છે. એમાં ય જન્માષ્ટમી આવે એટલે જુગારની મોસમ બરાબરની ખીલે. આમે ય સૌરાષ્ટ્રના લોકો જુગાડુ છે. અહી વાહનોનાં નંબર પર અને ક્રિકેટમાં બોલ-રન ને વિકેટ પર જુગાર ખેલાય છે, પણ જન્માષ્ટમીના તહેવારોમાં તીન પત્તીનો જુગાર જ રમાય છે. આ દિવસોમાં ઘેર ઘેર જુગાર રમાય છે અને જુગારની ક્લબ પૂર બહારમાં જામે છે.

તીન પત્તીનાં જુગારમાં કેટલાક નિયમો હોય છે. ઘરમાં ડબો રાખવામાં આવે છે. એમાં નક્કી કરેલી અમુક રકમ દરેકે વારાફરતી ભરવી પડે છે. મોટા પાયે જુગાર રમાય ત્યાં આ ડબો મોટો હોય છે એટલે કે રકમ વધી જાય છે. મોટી જુગાર ક્લબમાં તો બેંક પદ્ધતિ હોય છે. રમવા આવનારે અમુક હજાર કે લાખ જમા કરાવવા પડે છે અને હવે તો જુગારમાં ટેકનોલોજી પણ આવી ગઈ છે.

હમણાં રાજકોટમાં એક હોટેલમાં પોલીસનો દરોડો પડ્યો તો ચીપવાળાં પત્તાં મળ્યાં, જે બ્લુટુથથી કનેક્ટ થાય, જે જુગાર રમાડે એને ખ્યાલ આવી જાય કે કોની પાસે ક્યાં પત્તાં છે. અગાઉ પત્તાં પર નિશાન રખાતાં અને એ પ્રમાણે સામેવાળા પાસે ક્યાં પત્તાં છે એની ખબર રખાતી. સૌરાષ્ટ્રમાં તો મહિલાઓ પણ ધૂમ જુગાર રમે છે. ગામડામાં પાટલા મંડાય છે. પાટલા પર પત્તા બટાય!

આવા જુગારમાં ક્યારેક ડખો પણ થાય છે. રાજકોટમાં બે રાજકારણી વચ્ચે આવો ડખો થયો હતો, એક નેતાજી બે કરોડથી વધુ રકમ હારી ગયા ત્યારે સામેવાળાએ તાત્કાલિક ચુકવણી માટે આગ્રહ રાખ્યો એમાંથી બોલાચાલી થઇ હતી. જો કે, પાછળથી સામેવાળો પણ મોટી રકમ હારી ગયો એમાં હિસાબ ચૂકતે !

અહીં જન્માષ્ટમી-જુગારની સાઈડ ઈફેકટ પણ હોય છે. આ તહેવાર પૂરો થાય એ પછી સૌરાષ્ટ્રમાં મારામારીના કિસ્સામાં ઉછાળો આવે ,જેમાં મોટાભાગે જુગારના અધૂરા હિસાબ-કિતાબ જવાબદાર હોય છે. આ તહેવારોમાં પોલીસના દરોડા પણ બહુ પડે છે અને પોલીસને `કમાણી’ પણ સારી થઇ જાય !

અરે હા, જુગારને લોકો કૃષ્ણ અને મહાભારતનાં જૂગટા સાથે સરખાવે છે. આ સાવ ખોટી વાત છે. મૂળ તો લોકોને જુગાર રમવો હોય છે અને આવા તહેવાર વખતે એક સામટા બે-ત્રણ દિવસની સળંગ નવરાશ મળતા એ ગમે ત્યાંથી આવા આધાર કે બહાના શોધી કાઢે ને બેસી જાય જૂગટું રમયા… બોલો, જય કનૈયાલાલ કી ! રશ્મિકાન્ત શુકલ

આપણ વાંચો : મસ્તરામની મસ્તીઃ થાય તે કરી લ્યો, સારા ફોટો નહીં પાડીએ…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button