ઊડતી વાત: શું કહ્યું… ચૂંટણીમાં હારી ગયા? ચાલો, સારું થયું…!

ભરત વૈષ્ણવ
વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી ચૂંટણી પરિણામની સમીક્ષા કરવા શુદ્ધ ખાબોચિયા પક્ષ એટલે કે ‘એસકેપી’ પાર્ટીના પ્રમુખ કાદવકુમાર યાદવે આપાતકાલીન બેઠક બોલાવેલી. તમામ પક્ષ આવી કવાયત કરીને પાણી વલોવતા હોય છે. હું અને રાજુ રદી ‘બખડજંતર’ ચેનલ તરફથી બેઠકનું કવરેજ કરવા હાજર રહ્યા હતા.
પ્રસ્તુત છે ચૂંટણી પરિણામનું મનોમંથન એટલે કે બ્રેન સ્ટ્રોમીંગ મીટિંગનો એકસકલુઝિવ રિપોર્ટ ઓન્લી ફ્રોમ ‘બખડજંતર’ ચેનલ….
કાદવકુમાર સમીક્ષા બેઠક સ્થળે પહોંચ્યા. બેઠકમાં દસ-બાર ખડુસ જેવા ખાટસવાદિયા હશે તેવું કાદવકુમારનું અનુમાન હતું. બેઠકના સ્થળે તો હકડેઠઠ ભીડ હતી. કાદવકુમાર તો તાજુબ થઇ ગયો..
આપણ વાચો: ઊડતી વાત: ખબરદાર, આવાં ફાલતુ કામ માટે મને ફોન કર્યો છે તો!
‘અણીનો ચૂક્યો સો વરસ જીવે. જીવતો નર ભદ્રા પામે. આપણી પાર્ટીની હાર એ પહેલી નથી અને આખરી નથી.’ કાદવકુમારના ખાસમખાસ ચમચા ચંદુએ ડહાપણ ડહોળ્યું.
‘મને લાગે છે કે ચૂંટણી જીતવા માટે ચૂંટણી પંચ સાથે એમઓયુ એટલે કે મેમોરેન્ડમ ઓફ અંડરટેઇકિંગ કરવાની તાતી જરૂરિયાત છે. ચૂંટણી પંચ મહેરબાન તો સુશાસનબાબુ પહેલવાન.’ પાર્ટીના ઉપ પ્રમુખે કોમેન્ટ કરી.
‘રાજ્યની જનતાએ આપણા ખાબોચિયા પક્ષને પ્રચંડ જનસમર્થ આપેલ છે. એના માટે જનતા જનાર્દનનો આભાર માનતો પ્રસ્તાવ પસાર કરીએ.’ ચૂંટણીમાં ભૂંડા મોંએ હારીને ડિપોઝિટ ગુમાવેલા ઉમેદવાર પપ્પુ યાદવે પ્રસ્તાવ મુકયો.
પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો.
‘અગાઉની ચૂંટણી કરતાં આપણો નિરાધાર જનાધારમાં વધારો થયો છે. આપણને કુલ મતદાનના એકવીસ ટકા મતો મળ્યા છે, જે હરીફ પણ કરતાં એક, બે નહીં પરંતુ, સાડા ત્રણ ટકા વધારે છે. છતાં, આપણી પાર્ટીને માત્ર પચીસ સીટ મળી છે, જે આપણી અપેક્ષા કરતાં સો સીટ ઓછી છે.’ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં ગોટાળા કરનાર સમિતિના ચેરમેન ગોટાળા ચોધરીએ તારણ કાઢ્યું.
‘ચૂંટણીમાં વધુ મત મળવા છતાં આપણી સીટો કેમ ઘટી એનું તો કાંઇક કહો.’ છેલ્લી પાટલીએ બેસેલા કાર્યકરે મમરો મુકયો.
‘ભાઇઓ, શાંતિ રાખો. ચૂંટણીમાં એકમેક સામે ઘણો કાદવ ઉછાળ્યો છે. હવે, કોઠી ધોઇને કાદવ કાઢવાનો છે.’ શિસ્ત સમિતિના ચેરમેન શિસ્તના લીરા ન ઉડાડવા અનુરોધ કર્યો.
આપણ વાચો: ઊડતી વાત : મોટી લૂંટની મહા મોટી મોંકાણ
‘ચૂંટણી પ્રચાર દરમિયાન આપણા લોકલાડીલા નેતા કાદવકુમારના હેલિકોપ્ટરને ઊતરવાની ચૂંટણી તંત્રે મંજૂરી ન આપી એટલે આપણને પરાજય મળ્યો છે.’ કાદવકુમારના ખાસમખાસ સંજયે હારનું ઠીકરું ચૂંટણી તંત્ર પર ફોડ્યું .
‘સાથીઓ, આપણે પરાજિત થયા નથી, પરંતુ, સામેના પક્ષ એટલે સરકારે ષડયંત્ર રચી હરાવવામાં આવેલ છે.’ કાદવકુમારના પિતાજી ફારસકુમારે અધવચ્ચે દરમિયાનગીરી કરી.
‘આપણે ચૂંટણી જીતવા આપણી ભાષા સુધારવી પડશે. આપણા ભાષણમાં મંગળસૂત્ર ચોરી, મુજરા, ભેંસચોરી, કટ્ટા , ઘૂસપેઠિયા છર્રા શબ્દોનો ભરચક ઉપયોગ કરવાની જરૂર છે. કોઇને ગાલી ગલોચ કે હિન્દુ- મુસ્લિમ કર્યા વગર ચૂંટણી જીતવી મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ.’ એક કાર્યકરે વ્યંગ કર્યો. પાર્ટીના સેક્રેટરી પોતાના લેપટોપમાં બધાના સૂચન લખતા જતા હતા.
તમામ સભ્યોના સૂચનો પછી એનાઉન્સરે પાર્ટીના આજીવન પ્રમુખ, ભારત દેશના તારણહાર, ઉજ્જવળ આવતી કાલના સૂર્ય સમાન માનનીય કાદવકુમાર કાર્યક્રમને સમાપન સંબોધન કરવા પ્રાર્થના કરી.
‘નવ કરશો કોઇ શોક રસિકડા નવ કરશો કોઇ શોક.’ શુદ્ધ ખાબોચિયા પાર્ટી એટલે કે એસકેપી પાર્ટી પ્રમુખ કાદવકુમારે કોઇ કવિની પંક્તિથી સંબોધનની શરૂઆત કરી. પાર્ટીના પ્રમુખ સ્વસ્થ અને સંયમ જણાતા હતા. હારનું વિષ પચાવીને નીલકંઠવર્ણી થઇ ગયા હશે કે શું?
આપણ વાચો: ઊડતી વાત: બોલો, તમે શું કહો છો? કેનાલના ઉદ્ઘાટન સમયે શું થયું?
‘કોઇએ દુખી થવાની જરૂર નથી.’ શુદ્ધ ખાબોચિયા પક્ષ એટલે કે ‘એસકેપી’ પાર્ટીના પ્રમુખ કાદવકુમાર યાદવે કહ્યું. કાર્યકરો હકકાબકકા રહી ગયા.
‘કાદવકુમાર ઝિંદાબાદ.’ કાર્યકરોએ પ્રચંડ બોદો સૂત્રોચ્ચાર કર્યો. કાદવકુમારે હાથ હલાવી કાર્યકરોનું અભિવાદન કર્યું.
‘અભૂતપૂર્વ હાર માટે પાર્ટીના કાર્યકરો નેતાઓએ ખભેખભા મિલાવી મહેનત કરી હતી. ચૂંટણી પંચની મહેરબાનીથી આપણી મહેનત એળે ગઇ નથી.’ કાદવકુમાર સંબોધન આગળ વધાર્યું. પાર્ટીના ડોકટર સેલના હોદ્દેદારોએ કાદવકુમારનું બીપી માપ્યું. કાદવકુમારનું બ્લડપ્રેશર બરાબર હતું.
‘હમારા નેતા કઇસા હો? કાદવકુમાર જેઇસા બા.’ આવું બોલી કાદવકુમારને પાનો ચડાવ્યો. પરાજિત નેતા પર આટલો પ્રેમ જોઇ કાદવકુમાર પાણી પાણી થઇ ગયા. ક્યાંય શોક, આઘાત, ટાંટિયાખેંચનું નામોનિશાન નહીં…વાહ !
‘આપણી પાર્ટીએ ચૂંટણી જીત્યા બાદ દરેક જન્મ લેનાર બાળકને સોના ચાંદીનો ચમચો આપવાનું વચન આપેલ. એટલે બિચારું બિહાર રાજ્યનું દરેક બાળક સોનાચાંદીના ચમચા સાથે જન્મે છે તેવું ગૌરવપૂર્કવ કહી શકાય. લગ્ન કરનાર યુવતીને સોનાની ચૂંક આપવાની જાહેરાત પણ કરેલ. મરણ પામનારના મુખમાં સોના કણી મુકી સદ્ગતનો મોક્ષ થાય તેવી જાહેરાત કરેલ. સવા ત્રણ કરોડ ઘરના એક સભ્યને સરકારી નોકરી આપવા, દરેક મતદારને સોનાનો સિક્કો આપવા, દરેકને રોજ બે બાટલી વિદેશી શરાબ , કબાબ અને શબાબ આપવા, કુંવારાના લગ્ન કરાવી આપવાના વચનો આપેલાં હતા.કમબખ્ત મતદારો આપણા ચૂંટણી પ્રણથી લોભાયા નહીં. જે થયું તે સારું થયું.ભલું થયું ભાંગી જંજાળ… .જો ભૂલેચૂકે આપણી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી હોત તો ચૂંટણી વચન પૂરા કરવા રાજ્યને કોઇ શેઠિયાને ત્યાં ગિરવે મુકવા સિવાય કોઇ આરોઆવોરો ન રહેત. ભલું થજો ભગવાનનું કે આપણને ચૂંટણીમાં કારમો પરાજય મળ્યો. હારી ગયા તો પતી ગયા એવું નથી. જીતીને પતી જવા કરતાં હારીને જીવી જવું બહેતર છે.બહુ બહુ તો રડીને સ્વસ્થ થવાય. જીતી જઇને માથાના વાળ ખેંચવા કરતાં તો.’ કાદવકુમારે વાક્ય અધ્યાહાર રાખ્યું.
હારના કારણોની સમીક્ષા બેઠક એ બેસણા જેવી જ કહેવાય. કાદવકુમારે માતમના પ્રસંગને મહેફિલમાં તબદીલ કર્યો. બેઠકમાં હાજર તમામ કાર્યકરો માટે સ્વાદિષ્દ દાલ પિઠાને,ખાજા, ચણા ઘુઘની,થેકુઆ, ઢુસ્કા છોલે,બાલુશાહી, ચૂડા ભૂજાની સાથે લીટીચોખાની વ્યવસ્થા કરેલ. તમામે પેટ દબાવીને ઝાપટયું.!
સોરી…
સ્થળ સંકોચને કારણે…
આજની આ ‘ઉત્સવ’ પૂર્તિમાં
મહેશ્ર્વરી બહેન – આશુ પટેલ – અભિમન્યુ મોદી – સમીર જોશી- કૌશિક ઘેલાણી – જુઈ પાર્થ અને ભરત ઘેલાણીની નિયમિત કોલમ્સનો સમાવેશ નથી કરી શક્યા તો વાચકો દરગુજર કરે.
તંત્રી



