ભાત ભાત કે લોગઃ પત્ની માટે આઠસો વખત ડૂબકી… આ બુઢ્ઢો પ્રેમી ગણાય કે પાગલ?

જ્વલંત નાયક
જાપાનના મિયાગી પ્રદેશમાં ઓનાગાવા નામનું નાનકડું ટાઉન છે. સવારે સૂર્યનાં સોનેરી કિરણો રેલાવા માંડે એ સાથે જ એક 67 વર્ષનો ડોસો સમુદ્રના ઠંડા પાણીમાં ડૂબકી લગાવવા તૈયાર બેઠો છે. દર અઠવાડિયે બે-એક વાર આ ડોસો આ રીતે દરિયાના પેટમાં ઉતરતો રહે છે. આમ તો પાણીમાં ડૂબકી લગાવનારે શરીર પર વધારાનો બોજો રાખવો જોઈએ નહિં, પણ બોજો હૃદય પર હોય તો શું કરવું?
ડોસો દર વખતે દુ:ખદ ઇતિહાસ અને ઠગારી આશાઓ વચ્ચે લોલકની જેમ ઝૂલતા અસ્તિત્વનો બોજો લઈને ડૂબકી મારે છે. ઘણા માને છે કે એકાદ દિવસ આમ જ ડૂબકી મારીને દરિયામાં ઊતરેલો ડોસો બહાર નહિ નીકળી શકે-સમુદ્રના તળિયે જ દફન થઇ જશે. આ માણસ છેલ્લાં બાર-તેર વર્ષથી આવું ગાંડપણ કરી રહ્યો છે. કશુંક શોધવાની લ્હાયમાં એ સમુદ્રમાં જોખમી ડૂબકીઓ મારતો રહે છે અને દર વખતે ખાલી હાથે પાછો ફરે છે, પણ જીવ જોખમમાં મૂકીને એ શોધે છે શું?
જેન ઝી' તરીકે ઓળખાતી પેઢીએ એક જબરો વિકલ્પ આપ્યો છે.
મુવ ઓન’ થઇ જવું એટલે કે પાછલું બધું ભૂલીને જીવનમાં આગળ વધતા જવું. જ્યારે લાગે કે પરિસ્થિતિ અથવા સંબંધોમાં બધું ધાર્યા મુજબનું નથી થઇ રહ્યું કે પછી સંબંધોમાં પહેલા જેવો ચાર્મ નથી રહ્યો ત્યારે આ પેઢી તરત મુવ ઓન થઈને બીજી સિચ્યુએશન તરફ-બીજા સંબંધ તરફ આગળ વધી જાય છે.
બીજી બાજુ `બૂમર્સ’ તરીકે ઓળખાતા જૂની પેઢીના લોકો બ્રેક-અપ તો ઠીક, સ્વજનના મૃત્યુ પછી ય મુવ ઓન નથી થઇ શકતા. ખાસ કરીને દાયકાઓ સુધી એક જ પાર્ટનર સાથે દામ્પત્યજીવન નિભાવવામાં માનતા જૂનવાણી લોકોના સોશ્યલ મોરલ્સ ઘણા અલગ છે. શરૂઆતમાં જેની વાત કરી એ બુઢ્ઢો આવી જ પેઢીનો છે. એનું નામ યાસુઓ તાકામાત્સુ.
યાસુઓ એની જુવાનીમાં એક સોલ્જર હતો. જાપાનની ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સમાં એની નોકરી.
ભૂમિદળનો સિપાહી હોવાને કારણે શરીર એકદમ ચુસ્ત. એક દિવસ કંઈક કામ અર્થે એ બૅંકમાં ગયો હશે. અહીં પચ્ચીસ વર્ષની ફૂટડી કર્મચારી સાથે મુલાકાત થઇ. યુવતીનો વિનમ્ર સ્વભાવ અને મોઢા પર રમતું મીઠડું સ્માઈલ યાસુઓના દિલમાં વસી ગયું. ક્નયાનું નામ હતું યુકો. બસ, પછી તો યુકો અને યાસુઓ પ્રેમમાં પડ્યા અને પરણી ય ગયા. વર્ષ હતું 1988.
સંસાર બરાબર ચાલતો રહ્યો. દંપતીને એક દીકરો અને એક દીકરી અવતર્યા. જીવન બહુ શાંતિથી પસાર થતું હોય ત્યાં અચાનક મોટું તોફાન આવી જવું એ કુદરતની ક્રૂર મોડસ ઓપરેન્ડી છે.
ઓવર ટુ 11 માર્ચ, 2011. બપોરે પોણા ત્રણની આસપાસ જાપાનના પૂર્વીય પ્રદેશોમાં મોટો ભૂકંપ આવ્યો.
લગભગ 6 મિનિટ સુધી ધરા જબરદસ્ત ધ્રૂજતી રહી, પણ કુદરતને મન આટલું નુકસાન કાફી નહોતું એટલે ભૂકંપને પગલે દરિયામાં ત્સુનામી આવી ગયું. આફત એવડી મોટી હતી કે એનો ઉલ્લેખ `ગ્રેટેસ્ટ જાપાન અર્થક્વેક’ તરીકે કરવામાં આવે છે. ભૂકંપમાપક યંત્રની શોધ થયા પછીનો જાપાનમાં આવેલો સૌથી મહાવિનાશક ભૂકંપ હતો આ! ભૂકંપને પગલે જે ત્સુનામી આવ્યું એ તો વળી ઓર ભયંકર હતું.
રેકોર્ડેડ માહિતી મુજબ દરિયાનાં તોફાની મોજાં 40 મીટર જેટલાં ઊંચા ઉછળ્યાં અને વીસેક હજાર માણસોને ભરખી ગયા. બીજા અઢી હજાર જેટલા લોકો હંમેશ માટે કયાં ખોવાઈ ગયા જેમનો કોઈ અત્તોપત્તો આજદિન સુધી મળ્યો નથી. આ ખોવાયેલા લોકોમાં એક નામ હતું યુકો તાકામાત્સુ એટલે કે યાસુઓની પત્ની.
ભૂકંપ આવ્યો એ સમયે યુકો પોતાની જોબ પર એટલે કે બેંકમાં હતી. કુદરતી આપદાઓથી ટેવાઈ ગયેલા જાપાનીઓને દુર્ઘટનાની તીવ્રતાનો ઝડપથી અંદાજ આવી જતો હોય છે. યુકો સહિતના બેન્ક કર્મચારીઓને પણ એ દિવસે બનાવની ગંભીરતાનો ખ્યાલ આવી ગયેલો. યુકોએ પોતાના પતિ યાસુઓને ઈમેલ કર્યો `તુ ઠીક છે ને? હું ઘરે જવા માગું છું’
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ પીએમ નહેરુને મળી એક અનોખી ભેટ…
બસ, એ પછી યુકો ક્યાં ખોવાઈ ગઈ એનો કોઈ અત્તોપત્તો ન મળ્યો. યાસુઓએ પાગલની જેમ પત્નીની શોધ કરી પણ એનો મૃતદેહ ન મળ્યો. બીજા હજારો લોકોના મૃતદેહ પણ દરિયો તાણી ગયેલો. દુર્ઘટનાના આશરે એકાદ મહિના બાદ યુકો જ્યાંથી તણાઈ ગયેલી એ સ્થળેથી એની પત્નીનો મોબાઈલ જડ્યો. મોબાઈલમાં યુકોએ મેસેજ ટાઈપ કરી રાખેલો કે `આ ત્સુનામી બહુ બિહામણું લાગે છે…’ પણ એ મેસેજ સેન્ડ કરવા એ બટન દબાવે એ પહેલા જ દરિયાનું વિશાળ મોજું આવ્યું અને…
પત્નીએ મોકલેલો છેલ્લો મેસેજ જે ક્યારેય ડિલિવર ન થઇ શક્યો એ વાંચીને યાસુઓના મન પર શું વીતી હશે? કદાચ આ અનસેન્ડ મેસેજની અસરમાંથી યાસુઓ બહાર આવી ગયો, પણ પત્ની દ્વારા સેન્ડ થવા પામેલો છેલ્લો મેસેજ એને શાંતિથી ઊંઘવા નહોતો દેતો `મારે ઘરે જવું છે.’
યાસુઓ જાણતો હતો કે દરિયામાં ગયેલી પત્ની પાછી નથી આવવાની, પણ આ માણસ મુવ ઓન થવા તૈયાર નહોતો. પત્ની પ્રત્યેની ચાહત એવી બળવત્તર હતી કે એણે કુદરત સામે શીંગડા ભેરવવાનું નક્કી કર્યું. પોતાના દોસ્તની મદદથી યાસુઓ ખાસ્સી મોટી ઉંમરે સ્કુબા ડાઈવિંગ શીખ્યો. અને પછી દર અઠવાડિયે ઓનાગાવા ટાઉનના દરિયામાં ડૂબકી મારવાનું શરૂ કર્યું.
ક્યારેક સ્વચ્છ પાણીમાં તો ક્યારેક કચરાથી ભરેલા ગંદા પાણીમાં. આશય એટલો જ કે ક્યારેક ત્સુનામીમાં તણાઈ ગયેલો પત્નીનો મૃતદેહ અથવા એના અવશેષો દરિયાના પેટમાં જડી આવે! પણ કેમ? કારણકે પત્નીએ છેલ્લે ઘરે પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરેલી. આ ઈચ્છા પૂરી કરવા માટે આ એક જ રસ્તો હતો.
તમને આ માણસ પાગલ લાગશે,પણ પ્રેમ અને પાગલપન વચ્ચેની ભેદરેખા અત્યંત ધૂંધળી હોય છે. યાસુઓને આજદિન સુધી પત્નીની એંધાણી મળી નથી. છેલ્લાં બાર-તેર વર્ષ દરમિયાન એણે લગભગ આઠસો વખત સ્કુબા ડાઈવિંગ કર્યું છે. ભવિષ્યમાં ય એને કશું હાથ નહિ લાગે તેમ છતાં આ બુઢ્ઢો હાર માનવા તૈયાર નથી.
તમે એને શું કહેશો સાચો પ્રેમી કે પાગલ? આંખ બંધ કરીને વિચારી જુઓ. તમાં જીવનસાથી આમ અચાનક કાળની ગર્તામાં ધકેલાઈ જાય તો તમે શું કરો?
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ જાદુગરી કરતી કામણગારી કન્યાઓ ક્યારેય ફરિયાદ કેમ નથી કરતી?