‘ઇડી’ એ મારા ઘેર રેડ પાડવાનું માંડી વાળ્યું, કારણ કે…
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
‘ગિરધરભાઇ. તમારી પાસે કેટલા રૂપિયા છે?’ રાજુએ પહેલીવાર મળસ્કે મારા ઘરમાં એન્ટ્રી લીધી.
‘શોલે’ ફિલ્મમાં ગબ્બરસિંહ એના આદમીને કરડાકીથી ‘કિતને આદમી થે’ એવો જગમશહૂર સવાલ દાગે છે તેમ મને રાજુએ થરથરાવી નાખે તેવો પ્રશ્ર્ન પૂછયો.
અલબત, રાજુના ચહેરા પર ‘કલાપી’ ના કાવ્યની પંક્તિ ‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો.’ જેવો પસ્તાવાના વિપુલ ઝરણા જેવો ભાવ હતો …
‘રાજુ, એક નંબરી પૈસા કે બે નંબરી પૈસા?’ મેં રાજુને ચીડવવા સવાલ કર્યો.
‘ગિરધરભાઇ, એક નંબર, બે નંબર , ત્રણ નંબર, ચાર કે પાંચ નંબરના… જે નંબરના હોય તે. ઓફ કોર્સ, જે પૈસા હોય તે બોલોને કેટલા પૈસા છે?’ રાજુએ પ્રશ્ર્ન દોહરાવ્યો.
‘રાજુ. મારા પૈસા અંગે તારે માહિતી લઇને શું કરવું છે? બંધારણે મને પૈસા રાખવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે!’ મેં કડક ભાષામાં લાલ આંખ કરી મારી નારાજગી વ્યક્ત કરી.
પગાર હમણા થયો છે. અલબત, ચાર મહિનાનો સામટો. ‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ બે- ચાર મહિનાનો પગાર સામટો આપી પગારની ખુશી બેવડા જેવી બેવડી કરવાના પક્ષધર છે! જો કે પગાર વિના વ્યવહારો સાચવનારની મુશ્કેલી વિશે બાબુલાલ બબુચક લગીરે વિચારતા નથી. જો કે તેમાં એનો દોષ નથી. મારા સહિત માને છે કે બાબુલાલનો ઉપલો માળ ખાલી છે…
‘ગિરધરભાઇ. હું તમે માનો અને ધારો એવો કડકો નથી. તમે મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ક્રિએટર છો. તમને કોઇ તકલીફ ન થાય, સરકારી લફરાંમાં અટવાઈ ન જાવ તેવા નેક ઇરાદાથી પૈસા વિશે પૂછું છું. બાકી, તમે મચ્છરચૂસ છો એ હું નથી જાણતો? મારે ઉછીના પૈસા લેવા હોય તો તમારા જેવા મુનિમ પાસે જવા કરતાં
રાધારાણીભાભી જેવી ઉદાર મહિલા પાસે ન જઉં? કોઇ લપ કર્યા વિના પૈસા ઉછીના આપે અને લટકામાં આદુંવાળી કડક મીઠી ચા અને ગરમ નાસ્તો આગ્રહ કરીને કરાવે!’ રાજુએ મને લપલપિયો કાચબો કહી દીધો.
‘રાજુ. તારા મનમાં મારા માટે આટલું અમૃત ભરેલું હશે તેની મને આજે જ ખબર પડી!’
‘ગિરધરભાઇ, તમને ઇડી શું છે તેની ખબર છે?’ રાજુએ કેબીસીના અમિતાભની માફક સવાલ કર્યો.જો કે ‘દેવીઓ અને સજ્જનો’ જેવું કંઇ ન બોલ્યો.
‘રાજુ , ઇડી એટલે અર્નેસ્ટ ડિપોઝિટ . ટેન્ડર ભરનાર બિડર આ રકમ ભરે તો જ તેનું ટેન્ડર ક્વોલિફાય થાય!’ મેં ટેકનિકલ પ્રત્યુત્તર આપ્યો.
‘અરે, મારા બુદ્ધુ દોસ્ત ! હું એ ઇડી બીડી સીડી ફીડીની વાત કરતો નથી!’
‘તો ? કઇ ઇડીની વાત કરે છે?’
‘ગિરધરભાઇ, હું ઇડી એટલે ‘એનફોર્સમેન્ટ ડિરેકટોરેટ’ની વાત કરૂં છું. ઇડી ગબ્બર કરતાં પણ વધુ ખતરનાક છે. ગબ્બરનું નામ સાંભળીને તો રામગઢની આજુબાજુ પચાસ કિલોમીટર ગામના રડતા છોકરા પરાણે સૂઇ જતા હતા. આ બાપડા ગરીબ ઇડીનું નામ સાંભળતા ભલભલાની ફેં ફાટી જાય છે. જેવી રીતે ચોમાસામાં પાંખાળા મંકોડા , દેડકા , જીવડા સક્રિય થાય છે તે જ પેટર્ન પર ઇડી જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય ત્યા વિપક્ષી કીડી પર ઇડીના કટક તૂટી પડે છે.ઇડી કાગડાની જેમ એક આંખથી જુવે છે.ઇડી વિપક્ષી નેતાને દરમાંથી ઉંદરની જેમ ખોળી કાઢી બિનહિસાબી નાણાં, અપરિમાણસર સંપત્તિના કેસ કરે છે. માત્ર હવાના આધારે હરિકેન ઊભા કરી કરોડોની સંપત્તિ એટેચ કરે છે. ઇડી જુલિયસ સિઝરની પત્નીની જેમ શંકાથી પર હોવી જોઇએ, પરંતુ શંકાથી પર હોતી નથી. ઇડી શાસક પક્ષના નેતાને સતી સીતા માની અગ્નિપરીક્ષા કરતી નથી…’ રાજુએ ઇડીની બ્લેક બાજુ છતી કરી!
‘રાજુ, ઇડીએ છેલ્લા ત્રણ વરસમાં ફેમા અને પીએમએલએ ( મની લોન્ડરિંગ ) હેઠળ સોળ હજાર કેસ નોંધ્યા. ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન ઇડી દ્વારા નિશાન બનાવવામાં આવેલા ૧૧૫ નેતાઓ વિપક્ષના હતા, છતાં, સુપ્રીમ કોર્ટ ઇડીને સીબીઆઈની જેમ પીંજરાનો પોપટ કહેતું નથી. ઇડીએ લગભગ સોળ હજાર કેસો કરવાની કાર્યવાહી કરી પરંતુ, પોઇન્ટ ચાર ટકા કેસોમાં નક્કર કામગીરી થઇ છે. બાકી હવામાં બાચકા જ ભર્યા છે!’
‘ગિરધરભાઇ., હમણા ઇડીને ભારત રત્ન મળે એવી અપ્રતિમ કામ કરી નાખ્યું . હલકું લોહી હવાલદારનું એમ કહેવાય છે. ઇડી શુભેન્દુ અધિકારી, હેમંત શર્મા, અજીતદાદા પવાર, નારાયણ રાણે , છગન ભૂજબળ જેવા સમરથ સામે ઘૂંટણિયે પડી ગઇ છે. એમના કેસો પર પલાંઠી વાળીને બેસી ગઇ છે!’ રાજુએ વધારાની માહિતી આપી.
‘રાજુ, આખરે તું હરીફરીને કહેવા શું માગે છે?’ મેં અકળાઇને પૂછ્યું
‘ટૂંકમાં, ગિરધરભાઇ….ઇડી તમારા પર કેસ કરી શકે . તમારા બેંક ખાતામાં બે રૂપિયા જમા હશે તો પણ મની લોન્ડરિંગ કેસ કરી શકે છે!’રાજુએ મને ઇડીની રેડની ભપકી આપી.
‘રાજુ. હું તો પત્રકાર- લેખક છું મારા ઘરમાં ઇડી રેડ પાડવા આવશે અને મારા ઘરની કંગાલિયત જોઇને દ્રવી ઊઠશે . મારા પાસે તો કવિતા, લેખ, પ્રેસ કટિંગ, વાચકોની દાદરૂપી બિનહિસાબી- કાળી કમાણી છે. ગોટાળા ષડયંત્ર , ગબન નામના ઉપન્યાસ છે. આવી કુબેર કમાણી તો અંબાણી,અદાણી, ટાટા બિરલા પાસે પણ નહીં હોય…એટલે ઇડી સામે ચાલીને પાંચેક લાખ રૂપિયા સામેથી મુકી જશે.’ મેં જુસ્સાભેર કહ્યું .
લાગે છે કે ઇડીને અમારી સદરહુ સંપત્તિની શનાખ્ત થઇ ગઇ છે એટલે ઇડીએ મારા ઘરે રેડ પાડવાનું માંડી વાળ્યું છે તેમ બેજવાબદાર અને બિન- આધારભૂત સોર્સથી જાણવા મળ્યું છે!