વીક એન્ડ

માવતર કમાવતર થયા. હળાહળ કળજુગ તે આનું નામ!

વ્યંગ -બી. એચ. વૈષ્ણવ

રાજકારણમાં સાર પણ છે.રાજકારણમાં અસાર પણ છે. અરે, આવું કેવી રીતે હોઇ શકે એવો સવાલ થાય. આવો સવાલ થાય કે નહીં? જે લોકોનું કિસ્મત પ્રબળ હોય તેને ચૂંટણી લડવા માટે ટિકિટ મળે ,તેના માટે સબ ચંગાસી. તેમને માટે લાઇફ બલ્લે બલ્લે બની રહે છે. ચૂંટણી જીતો એટલે એક પેઢી નહીં પણ સાત પેઢીનું દળદર ફીટી જાય. બધી આંગળી ઘીમાં. સત્તા, સંપત્તિ, સિદ્ધિ એના ચરણોમાં લોટપોટ થાય.જો કે, કોઇ હોબાળા કે આંતરિક વિરોધના કારણે પાર્ટી ટિકિટ પરત લઇ લે એટલે એનું કિસ્મત ફૂટી જાય.વિરોધ કે હાઇ કમાન્ડના ઓર્ડરથી ચૂંટણી ન લડનારો અંગત કે તબિયતના કારણે ચૂંટણી લડવા ઇચ્છતો નથી તેવા નિવેદન કકળતા કલેજે કરે છે!

રાજકારણમાં આખા રૂપિયાને પાર્ટી ટિકિટ આપે તે વાત સમજી શકાય. પરંતુ, હવે ચવન્ની કે અઠન્નીને ટિકિટ મળે એ કોઇ પણ એંગલથી સમજી શકાય નહીં તેવી ઘટના છે. લોકસભાની આ ચૂંટણી એ છેલ્લી ચૂંટણી છે અને હવે બંધારણ બદલવામાં આવશે અને રશિયાના પુતિનની જેમ આપખુદ કે સરમુખત્યારશાહીના મંડાણ થશે એવા ગપગોળા ચાલે છે.જો કે, શાસકપક્ષના વીએચપી એટલે વેરી હરખપદૂડા સંસદસભ્યો અબ કી બાર ચારસો પાર થાય એટલે બંધારણ બદલી નાંખવામાં આવશે તેવું ગાઇ વગાડીને કહે છે!

આ ચૂંટણી બાપબેટા માટે ભારે છે તેમ અમારો રાજુ રદી કહે છે. યશવંતસિંહા નામના નાણામંત્રી હતા. તેમની ઉંમર એસી પ્લસ છે. સિનિયર સિંહા સાહેબ રિટાયર થવાના મૂડમાં નથી. એમનો બાંસઠ વર્ષીય પુત્ર જયંતસિંહા રાજકારણથી વાજ આવી ગયો છે. જયંતસિંહાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. જો કે જયંતસિંહા પિતાજીનો ચૂંટણી પ્રચાર કરશે કે કેમ તે સ્પષ્ટ થયું નથી! બધા પિતાપુત્ર યશવંતસિંહા-જયંતસિંહા જેટલા નસીબદાર હોતા નથી.ઓરિસ્સામાં સુરેશ રાઉતરાય નામના વિધાયક સાહેબ છે. રાઉતરાય કૉંગ્રેસના ધારાસભ્ય છે. સુરેશ રાઉતરાયનો પુત્ર ભુવનેશ્ર્વર લોકસભાની સીટ પરથી નસીબ અજમાવી રહ્યો છે. પિતા પુત્રનો પ્રચાર ન કરે તેવું બને ખરું? બાપ-બેટા વચ્ચે અબોલા હોય તો પણ બાપ ગિલાશિકવા ભૂલીને હમ સાથ સાથ હૈની ઇસ્ટાઇલથી પ્રચાર કરે.સુરેશ રાઉતરાય ગાય છે કે પાપા કહેતે હૈ બડા કામ કરેગા, બેટા હમારા સાંસદ બનેગા .મિંયાબીબી રાજી તો કયાં કરે કાજી એમ કહેવાય છે. સુરેશ રાઉતરાય અને મનમથરાય એટલે કે પિતાપુત્ર હમ હોંગે કામિયાબ કહી રહ્યા છે. તો કૉંગ્રેસ નામના કાજી આડા ફાટ્યા છે. કેમ કે મન્મથ બીજેડી પાર્ટી તરફથી ચૂંટણી લડે છે. એટલે કૉંગ્રેસ કાજીએ સુરેશ રાઉતરાયને શિસ્તભંગની નોટિસ પકડાવી છે! સાલું પ્યાર મહોબ્બત ઇશ્કનો જમાનો રહ્યો નથી. મહોબ્બતની દુકાન ખોલવાનો દાવો કરનાર બાપબેટાના વાત્સલ્ય સામે દીવાલ ઊભી કરી રહ્યા છે! બીજો કિસ્સો વેરી વેરી ઇન્સ્ટ્રેસ્ટિંગ છે.

ચિતામણી જ્ઞાન સામંતે સન્માનીય નેતા છે. સામંતે સાહેબે ઓરિસ્સા વિધાનસભાના સ્પીકરપદને શોભાવેલ છે. સામંતે સાહેબને રામલખન કે બલરામ-કૃષ્ણ જેવા પુત્રોની જોડી છે. દશરથરાજા ભાગ્યશાળી હતા કે રામલખનને અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ન હતી. નહીંતર દશરથરાજા કોનો પ્રચાર કરે અને કોનો ન કરે?સામંતે પરિવાર પક્ષાપક્ષીથી પર રહી સ્વવિકાસ મારફત સમસ્તિવિકાસની ઉચ્ચતમ ભાવનાને વરેલું છે. તમે પૂછશો કેવી રીતે ? વેરી સિમ્પલ! એમનો મોટો પુત્ર રવિન્દ્રનાથ કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને નાનો પુત્ર મનોરંજન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ભાગ્ય અજમાવી રહ્યા છે. સામંતે સાહેબે પુત્રોના પ્રચારમાં કૉંગ્રેસ અગર તો બીજેપીનો ભાંગરો વાટવો પડે. કરે તો કયા કરે? એવી મૂંઝવણ સામંતે સાહેબ અનુભવી રહ્યા છે! કેમ કે, આગળ કૂવો અને પાછળ ખાઇ છે! બીજેપીનો પ્રચાર કરે તો રવિન્દ્રનાથ અને ખુદ ગબ્બરને કૉંગ્રેસ કીકઆઉટ કરે અને મનોરંજનનો પ્રચાર ન કરે તો મનોરંજન પરાજયના તાપપ્રતાપથી મુરઝાઇ જાય!

ત્રીજો કિસ્સો પણ ઓછો રોચક નથી હોય કે!

ઓરિસ્સાના બિજોય પાત્રા બીજેપી નેતા છે. એમનો પુત્ર પાત્રા પૂર્વ મંત્રી પણ છે.પાત્રાનો પુત્ર અરવિંદ બીજેડીમાંથી પાટકુરા વિધાનસભા સીટ લડી રહ્યો છે. સિનિયર પાત્રા પાર્ટી લાઇનની ઐસીતૈસી કરી પુત્રનો પ્રચાર કરી રહ્યા છે. જેને પૌરાણિક ભાષામાં ધૃતરાષ્ટ્રત્વ કહેવાય છે!

છેલ્લો કિસ્સો તો બધાનો બાપ છે. રાજકારણમાં લાલુપ્રસાદ-તેજસ્વી, દેવીલાલ અજય ચૌટાલાં, ફારુકઅબ્દુલા-ઓમર અબ્દુલા,દૈવગૌડા- કુમારસ્વામી, પ્રેમકુમાર ધુમ્મલ-અનુરાગ ઠાકુર, માધવરાવ સિંધિયા-જયોતિરાદિત્ય સિંધિયા બાપબેટાની જોડી છે.

એ. કે. એન્ટની પૂર્વ સંરક્ષણમંત્રી હતા. તેની કફની પર કરપ્શનનો ડાઘ નથી. જો કે એક વોશિંગ પાવડર કંપની દાગ અચ્છે હૈ તેવી જાહેરાત કરે છે.એન્ટની કસાયેલા અને કદાવર નેતા છે. એન્ટની નો પુત્ર અનિલ એન્ટની ભાજપની ટિકિટ પરથી પથાનમથિટા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. એન્ટનીને વિપક્ષના વાડામાંથી ભાજપ નેતા ખરીદ કરે તેની સામે સખ્ખત વિરોધ છે. સિનિયર એન્ટની અનિલનો પ્રચાર કરતા નથી. પરંતુ, મતદારોનો સંપર્ક કરી અનિલને હરાવવા હાર્દિક અપીલ કે અનુરોધ કરે છે! અનિલ વિરુદ્ધ કાર્યવાહી કરતા પિતા સિનિયર એન્ટની માટે જુનિયર એન્ટનીને સહાનુભૂતિ છે. ચૂંટણીએ ધર્મયુદ્ધ છે કે કેમ તેની ખબર નથી. પરંતુ પિતા-પુત્રો માટે કુસ્તીનું કુરુક્ષેત્ર કે રાજસંકટ બની ગયું છે. એની ડાઉટ એબાઉટ ઇટ?

છોરું કછોરું થાય, ક્ધિતું, માવતર કમાવતર ન થાય એવું આપણે ત્યાં કહેવામાં આવે છે. લોકસભાની ચૂંટણીએ એન્ટની સાહેબને કમાવતર કરી દીધા. હળાહળ કળજુગ તે આનું નામ બીજું શું?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…