કોર્પોરેટ વિશ્વ: આ `કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ’ વળી શું છે?

- કીર્તિશેખર
કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ એટલે માત્ર વાતચીત કરવાની સ્માર્ટનેસ જ નહીં, પરંતુ એથી વિશેષ સફળ સંબંધ, યોગ્ય નેતૃત્વ અને વ્યાવસાયિક વિકાસનો પાયો છે અને એટલે જ એ કોર્પોરેટ જગતનું માનીતું બની રહ્યું છે…
આજના ઝડપથી બદલાતા અને વૈશ્વિક બની રહેલા કોર્પોરેટ જગતમાં તમારી પાસે માત્ર ટેક્નિકલ સ્કિલ કે ડિગ્રી હોય તે પૂરતું નથી. આજે કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ એક એવી કાર્યકુશળતા બનીને સામે આવી રહી હોવાની સાથે સાથે કોઈ પણ શૈક્ષણિક ડિગ્રી કરતા વધુ પ્રભાવશાળી સાબિત થઈ રહી છે અને એથી જ મોટી કંપનીઓ આજે એવા વ્યાવસાયિકોને પ્રાથમિકતા આપી રહી છે, જે માત્ર પ્રભાવશાળી ઢબે પોતાની વાત કહી શકવા ઉપરાંત પોતાના જૂના નવા ક્લાયન્ટસ -ગ્રાહકો સાથે સરળતા અને સહજતાથી સંવેદનશીલ રીતે સંવાદ કરવાની પણ ક્ષમતા ધરાવતા હોય…
વાસ્તવમાં કોર્પોરેટ જગતને હવે સમજાઈ ગયું છે કે કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ માત્ર વાતચીત કરવાની સ્માર્ટનેસ જ નથી, પરંતુ એ સફળ સંબંધ, યોગ્ય નેતૃત્વ અને વ્યાવસાયિક વિકાસનો પાયો છે. આજ કારણ છે કે હવે કંપનીઓ આવા વ્યાવસાયિકને પ્રાધાન્ય આપે છે. આવી કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ ધરાવતી વ્યક્તિ ક્લાયન્ટને સંતુષ્ટ કરવા ઉપરાંત સાથી કર્મચારીઓ સાથે વધુ સારા સંબંધ વિકસાવવામાં પણ કાબેલ હોય છે.
આજે કોર્પોરેટ વર્લ્ડમાં વ્યક્તિની ઓળખ માત્ર એના જ્ઞાનથી જ નહીં, પરંતુ એ અન્ય સાથે કેવી સહજતાથી સંવાદ સાધે છે તેના પરથી થાય છે. આજ કારણે કોર્પોરેટ જગતમાં પ્રવેશવા માટે તમામ પ્રકારના ઈન્ટેલિજન્સમાં કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સનું મહત્ત્વ અદકેં છે.
ચાલો જાણીએ,આખરે કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સનું મહત્ત્વ શું છે?
ક્લાયન્ટ સાથે અસરકારક કમ્યુનિકેશન
આજકાલ કોર્પોરેટ જગતને ક્લાયન્ટ અને કસ્ટમર સાથે સીધો મતલબ એટલે કે સંબંધ હોય છે. આવામાં જો કંપનીનો કર્મચારી ગ્રાહક સાથેની વાતચીતથી એની મનોદશા, અપેક્ષા અને ચિંતાનું કારણ જાણી લઈને પ્રતિક્રિયા આપે તો કંપની સાથેના ગ્રાહકના સંબંધ વધુ મજબૂત બને છે… જેને કારણે કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ કેટલું અસરકારક અને પ્રભાવશાળી છે તે પણ પુરવાર થાય છે.
આજ કારણસર આજકાલ કોર્પોરેટ જગત એવી વ્યક્તિને કંપનીમાં સ્થાન આપવામાં પ્રાથમિકતા આપે છે જે સારું નેતૃત્વ પૂરું પાડવાની સાથેસાથે સારો વક્તા પણ હોય. આવી વ્યક્તિ પોતાની વાત સ્પષ્ટ, પ્રેરક અને સંતુલિત રીતે રજૂ કરી શકે છે.
ટીમ વર્ક માટે જરૂરી સ્કિલ
આજે એક સારો ટીમ લીડર એ જ થઈ શકે છે જે સાથીકર્મચારીઓ સાથે પ્રભાવશાળી સંવાદ સાધી પોતાની વાત મનાવી લે અને પોતે જે ઈચ્છે એ રીતે કંપનીને ફાયદો કરાવી દે…
આજની તારીખમાં કોઈને એવો લીડર નથી જોઈતો, જે માત્ર બોસિંગ કરે. સ્ટાફને એવો લીડર જોઈએ છે જે ટીમના સભ્યોને સમજે અને એમને આપસમાં જોડી રાખવા સકારાત્મક વલણ અપનાવે.
ટીમનું મનોબળ, તાલમેલ અને પ્રદર્શન ચોક્કસ હદ સુધી ટીમ લીડરના વ્યવહાર અને ટીમના સભ્યો સાથે સંવાદ સાધવાની એની ક્ષમતા પર નિર્ભર કરે છે. આજ કારણે કોઈપણ કોર્પોરેટ લીડર માટે સંવાદની કલામાં પારંગત બનવું જરૂરી બની ગયું છે.
વિવાદ- સમાધાનમાં મદદગાર
જે વ્યક્તિ સારી રીતે સંવાદ સાધી શકે છે એ કોઈપણ પરિસ્થિતિમાં કોઈને પણ પોતાની વાત સહજતાથી સમજાવી શકે છે. કોર્પોરેટ વાતાવરણમાં રોજબરોજના કામકાજમાં ઘણીવાર મતભેદ, તણાવ અને અસહમતીની સ્થિતિનો સામનો કરવો પડે છે. આવા માહોલમાં એવા લોકો ખૂબ જ કામના પુરવાર થાય છે જે વાતચીત કરવામાં માહેર હોય .વાસ્તવમાં કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ ધરાવતી વ્યક્તિ શાંતિપૂર્ણ ઢબે વાતને સમજીને યોગ્ય શબ્દો અને ટોનમાં સમાધાન કરાવવાની કળા જાણે છે. આવી વ્યક્તિ ભડકાઉ સ્થિતિમાં આગ લગાડવાને બદલે વિવાદની આગ ઓલવવાની કળામાં પાવરધી હોય છે.
બ્રાન્ડ ઈમેજ ને એની રજૂઆત
કોર્પોરેટ જગતમાં કોઈ વ્યાવસાયિક વ્યક્તિગત રીતે ઈન્ટેલિજન્સ પર્સનાલિટી નથી હોતી. એ જે કંપનીના સંબંધિત ગ્રૂપ સાથે જોડાયેલી હોય છે તે એનો એક જરૂરી ચહેરો હોય છે. આ કારણે જ કોર્પોરેટ પ્રોફેશનલ વ્યક્તિ પ્રત્યેક ક્ષણ પોતાની કંપનીનું પ્રતિનિધિત્વ કરતો ચહેરો અને ઍમ્બેસેડર હોય છે.
જો વ્યક્તિ કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સમાં માહેર હોય તો એ એની સંવાદ સાધવાની, રજૂઆત કરવાની કળાથી ગ્રાહકો સાથે સોદો પાર પાડવા પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે અને તેથી જ આવી વ્યક્તિ પોતાની કામગીરીમાં સફળ નીવડે છે અને કંપનીને પણ સફળતા અપાવે છે.
કંપની કલ્ચરને સશક્ત બનાવે છે
પ્રોફેશનલ કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સમાં માહેર વ્યક્તિ માત્ર પોતાનું જ ગૌરવ નથી વધારતી, પરંતુ કંપનીના કામકાજના વાતાવરણને પણ શાનદાર કલ્ચરમાં પલટી નાખે છે. આવી વ્યક્તિ ખુલ્લા દિલની, વ્યવહારમાં પારદર્શી હોય છે અને સહયોગીની કામગીરીને જોઈતું પ્રોત્સાહન આપે છે જેને કારણે કંપનીમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે.
કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સમસ્યા સર્જાય ત્યારે આવી માહેર વ્યક્તિ એ બંને વચ્ચે સંવાદની સકારાત્મક કડી બની જાય છે અને સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરે છે. આવી વ્યક્તિ કંપની માટે મહત્ત્વની પુરવાર થાય છે.
ગેમ ચેન્જર નેગોશિયેટર
કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સમાં માહેર વ્યક્તિ ગજબના સોદાબાજ હોય છે. વાટાઘાટના ટેબલ પર હંમેશાં બાજી પોતાની તરફેણમાં જ રહે છે, કેમ કે એ ગેમ ચેન્જર નેગોશિયેટર હોય છે.
ખરેખર તો કોઈ પણ સોદો માત્ર ધનરાશિનો આધાર નથી હોતો, પરંતુ વાટાઘાટના સંવાદનું સુખદ પરિણામ હોય છે અને જે વ્યક્તિ કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સમાં કુશળ હોય છે તે નેગોશિયેશનના મામલે હંમેશાં માસ્ટર સાબિત થાય છે. આવી વ્યક્તિ ક્યારેક શબ્દોની હેરાફેરી કરીને કે ક્યારેક મૌન રહીને બાજી પોતાની તરફેણમાં કરી લે છે.
કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ માત્ર સંવાદ સાધવાની ક્લા જ નથી હોતી, પરંતુ એમાં કોઈપણ બગડેલા કામને સુધારી લેવાની ક્ષમતા હોય છે. સંવાદ સાધવાની કલાને કારણે આવી વ્યક્તિ પોતાની આસપાસના વાતાવરણને સહજ અને સકારાત્મક બનાવી લે છે, જેનો ફાયદો તમામ લોકોને થાય છે.
આ કારણે જ આજે કમ્યુનિકેશન ઈન્ટેલિજન્સ કોર્પોરેટ જગતની માનીતી અને પહેલી પસંદ બની ગયું છે.