ભાત ભાત કે લોગઃ આવો, પર્યાવરણને વધુ અનુકૂળ એવા કુટુંબજીવન તરફ પાછા ફરીએ…

જ્વલંત નાયક
થોડા ફ્લેશબેકમાં જઈને પાંચેક વર્ષ પહેલાનો સિનારિયો યાદ કરો. કોરોનાને કારણે મોટા ભાગની માનવીય પ્રવૃત્તિઓ બંધ પડી ગયેલી. એ વખતે કેટલાક વન્યજીવો મુંબઈ શહેરની સડકો સુધી પહોંચી ગયેલા. એટલું જ નહિ, પર્યાવરણ એટલું બધું સુધરી ગયું કે ઠેઠ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાંથી પર્વતરાજ હિમાલયના સ્પષ્ટ દર્શન થવા લાગ્યા…!
એ પછી કોરોના મહામારી દૂર થઈ. લોકડાઉન ખૂલ્યું અને હિમાલય સહિતની આખી કુદરત જાણે ફરી અદ્રશ્ય થઇ ગઈ!
મોરલ ઓફ ધી સ્ટોરી- આ વાતનો બોધપાઠ એ જ કે હવા-પાણીમાં જે કંઈ પ્રદૂષણ છે એની પાછળ માનવીય પ્રવૃત્તિઓ જવાબદાર છે. જો માણસની હાજરી ન હોય તો પ્રકૃતિ આજે પણ અત્યંત સુંદર સ્વરૂપે ઉપલબ્ધ છે.
હવે પ્રશ્ન એ છે કે માનવીય પ્રવૃત્તિઓને અટકાવવી કેમ? મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ન હોય તો પૃથ્વીના ગોળા પર વસતા અબજોની વસતિનું પેટ શી રીતે ભરાય? શહેરીકરણને `કોન્ક્રિટના જંગલ’ કહીને વગોવવાનું આસાન છે, પણ જરા વિચાર કરો કે આજની તારીખે કેટલા મુંબઈગરા સ્વચ્છ આબોહવા પામવા માટે પોતાનું કોન્ક્રીટ જંગલ છોડીને આદિવાસી જીવન અપનાવવા તૈયાર થાય?
જવાબ આપણને બધાને ખબર છે. જો કે સાવ આદિવાસી જીવન અપનાવવાને બદલે જો તમે કમ્યુનિટી લિવિંગનો કન્સેપ્ટ અપનાવી શકો તો ય ઘણો ફેર પડી જાય એમ છે.
બ્રિટનમાં કાર્યરત `પોલિસી એક્સચેન્જ’ નામક સંસ્થા એક પ્રકારની થિંક ટેન્ક તરીકે કામ કરે છે, જે પ્રજાને સ્પર્શતા નીતિવિષયક મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરીને તારણો કાઢે છે. દાખલા તરીકે, એર પોલ્યુશનને નિયંત્રણમાં કઈ રીતે રાખવું એ દિશામાં સંસ્થાએ ખાસ્સું રિસર્ચ કર્યું છે.
પોલિસી એક્સચેન્જ સાથે જોડાયેલા રિચાર્ડ હોવાર્ડે સસ્ટેનેબલ પ્લાનિંગ અને એન્વાયર્નમેન્ટલ પોલિસીઝના વિષય સાથે કાર્ડિફ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. કોઈ પણ વિસ્તારની હવામાં રહેલું પ્રદૂષણ એર ક્વોલિટી ઇન્ડેક્સને આધારે જાણી શકાય.
આજની તારીખે લંડનનો એકયુઆઈ દિલ્હી સહિત ભારતનાં અન્ય શહેરો કરતાં ક્યાંય બહેતર છે, છતાં રિચાર્ડ જેવા નિષ્ણાતો માને છે કે અમુક પ્રકારની ગતિવિધિઓને નિયંત્રણમાં નહિ રખાય તો પરિસ્થિતિ બગડતા વાર નહિ લાગે. આ ગતિવિધિઓમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રદૂષણની સાથે જવાબદાર છે વાહનોના બળતણ દ્વારા ફેલાતો ધુમાડો.
રિચાર્ડ છેલ્લાં દસેક વર્ષથી વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે લેટેસ્ટ ફ્યુઅલ ટેકનોલોજી પર આધાર રાખવાનું કહી રહ્યા છે, જેમાં પ્રમાણમાં ઓછો ધુમાડો ઓકતાં વાહનો (ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને LPG સહિત)ની વાત તો આવે જ. પણ એ સિવાયનો જે મુદ્દો છે `કાર શેરિગ’. તમે જોશો કે મહાનગરોમાં ઓફિસે જવા લોકો કારનો બહોળો ઉપયોગ કરે છે.
સામાન્ય રીતે, એક કારમાં મોટે ભાગે એકાદ વ્યક્તિ જ મુસાફરી કરે છે. એના બદલે ત્રણ-ચાર વ્યક્તિઓ ભેગા થઈને એક જ વાહન દ્વારા આવાગમન કરવાનું રાખે તો મોટો ફેર પડે. પહેલી નજરે આ વાત જરા અટપટી લાગશે, પણ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સામે ઘણા મધ્યમવર્ગીય લોકો તો પહેલેથી જ આ પ્રકારનું વિહિકલ શેરિગ કરતા આવ્યા છે.
વાત માત્ર વિહિકલ શેરિગ પૂરતી જ નથી. બલકે ઘણા નિષ્ણાતો તો એવું ય માને છે કે શહેરી નાગરિકોએ બને ત્યાં સુધી મુસાફરી કરવાનું જ ટાળવું જોઈએ. આ માટે તમારે કમ્યુનિટી લાઈફ સ્ટાઈલ અપનાવવી પડે. આજે આપણે બધા સંયુક્ત પરિવારો છોડીને અલગ ફ્લેટમાં રહીએ છીએ. શહેરી પરિવારો લગભગ તૂટી ચૂક્યા છે. એક જ ફ્લેટમાં વસતા લોકો પણ પોતાની પર્સનલ સ્પેસને વધુ પડતું મહત્ત્વ આપતા થયા છે.
આપણી લાઇફની આખી ડિઝાઈન જ કંઈક એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે દરેક ચીજ ઉપર આપણે પર્સનલ’નું ટેગ લગાડતા ફરીએ છીએ. બેડરૂમ, વોશરૂમ, ટેલિવિઝન, કોમ્પ્યુટર, એર કંડિશનર, કાર… બધેબધું પર્સનલ! બીજી તરફ દુનિયાભરના ડાહ્યા માણસો હવે આ આખી લાઈફ સ્ટાઈલ રી- ડિઝાઈન કરવાની જરૂરિયાત સ્વીકારતા થયા છે. આ કન્સેપ્ટને નામ મળ્યું છે -કોમ્યુનિટી રીડિઝાઈનિંગ’. અહીં કોઈ એક વ્યક્તિની નહિ પણ આખા સમાજની વાત છે.
કોમ્યુનિટી રીડિઝાઈનિંગનો કન્સેપ્ટ મુખ્યત્વે આર્કિટેક્ચર, અર્બન પ્લાનિંગ અને કોમ્યુનિટી ડેવલપમેન્ટના ક્ષેત્રમાં વપરાય છે. આ ક્નસેપ્ટનો મુખ્ય હેતુ છે હાલની કોમ્યુનિટીઝ (વસાહતો, વિસ્તારો અથવા શહેરી વિસ્તારો)ને ફરીથી ડિઝાઈન કરવું અથવા રિસ્ટ્રક્ચર કરવું, જેથી તે વધુ ટકાઉ, સર્વસમાવેશી અને સમાજની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બને.
આ કન્સેપ્ટ મુજબ શહેરની રચના એવી હોવી જોઈએ કે જેથી મુંબઈ જેવા મહાનગરમાં રહેતા નાગરિકે નોકરી-ધંધા સહિતના હેતુઓસર લાંબી લાંબી મુસાફરી ન કરવી પડે. માણસ જેટલી મુસાફરી કરે એટલી એનર્જી વપરાય, વાહનવ્યવહાર વધે અને અંતે પ્રદૂષણ વધે. કોરોના પછી પ્રચલિત થયેલો `વર્ક ફ્રોમ હોમ’નો કન્સેપ્ટ આ વિચારધારામાં બરાબર ફીટ બેસે છે.
કોમ્યુનિટી રીડિઝાઈનિંગના મહત્ત્વના મુદ્દા આવા છે, જેમકે …
- દરેક વિસ્તારમાં ચાલીને ફરી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ. પેડેસ્ટ્રિયન-ફ્રેન્ડલી વિસ્તારો પ્રદૂષણ ઘટાડે છે સાથે જ જાહેર આરોગ્ય માટે ઉત્તમ સાબિત થાય છે. આ વાત પહેલી નજરે બહુ સામાન્ય લાગશે, પણ હકીકત જોતા આપણાં શહેરોની ફૂટપાથો પર એવા દબાણ છે કે રાહદારીઓને ચાલવા માટે જગ્યા ઓછી પડે છે.
- પબ્લિક સ્પેસીસ (જેમ કે પાર્ક, કોમન એરિયા)ને ફરી ડિઝાઈન કરીને સોશ્યલ ઈન્ટરેક્શન વધારવું.
- ગ્રીન સ્પેસીસ, સસ્ટેનેબલ મટિરિયલ્સ અને એનર્જી એફિશિયન્સી પર ધ્યાન.
- સ્લમ રિડેવલપમેન્ટ અથવા જૂના વિસ્તારોને આધુનિક જરૂરિયાતો સાથે અનુરૂપ બનાવવું. આ મુદ્દો સૌથી મહત્ત્વનો છે. આજે ભારતના દરેક શહેરને `જૂના વિસ્તારો’ છે, અને આ જૂના વિસ્તારોના લોકો ગજાબહારનો ખર્ચો કરીને પણ નવા વિકસી રહેલા મોંઘાદાટ વિસ્તારો તરફ દોટ મૂકી રહ્યા છે. એના બદલે જો જૂના વિસ્તારોને જ પૂરતી સગવડો અપાય અને જૂનાં મકાનોના રિડેવલપમેન્ટ માટે ખાસ પોલિસી નિર્ધારિત કરાય તો ઘણા ેપ્રશ્નોનો નિવેડો આવી જાય.
આધુનિક સમયમાં તમામ મહાનગરો આ ક્નસેપ્ટ જાણ્યે-અજાણ્યે અપનાવતા થયા છે. જો આ બધું ખરેખર શક્ય બનશે તો ફરીથી આપણાં શહેરો રળિયામણાં બની શકશે. ફરીવાર જો આપણે સંયુક્ત પરિવારોમાં રહેતા થઇએ તો કદાચ `પર્સનલ સ્પેસ’ ન મળે, પણ બીજા ઘણા ફાયદા મળે એમ છે. શહેરી જંગલમાં આજનો માનવી આમેય એકલતા અનુભવે છે. એ સમયે જો ઓછા ખર્ચાળ અને વધુ ઇકોફ્રેન્ડલી ગણાય એવા કુટુંબજીવન તરફ પાછા ફરીએ તો ઘણી સમસ્યાઓ હલ થઇ શકે એમ છે. સવાલ માઈન્ડસેટનો જ છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ: બાંગ્લાદેશમાં હિંદુ પક્ષની રચના: ભારતની પીડા ઘટાડશે કે વકરાવશે?



