વીક એન્ડ

ક્લોઝ અપ : ન્યાયની દેવીના આ તે કેવા ન્યાય-અન્યાય?આરોપીના આ તે કેવા મુક્તિ-બંધન…?

ન્યાયની ક-સુવાવડને પછી નિર્દોષ પુરવાર થયેલી વ્યક્તિને ખોટા કેદ-કારાવાસનું વળતર મળે ખરું..? કાયદાશાસ્ત્રીઓ શું કહે છે?

  • ભરત ઘેલાણી

છેલ્લાં 20 થી 25 દિવસ દરમિયાન હેડલાઈન્સ તરીકે ચમકી ગયેલા આ સમાચાર પર તમે એક ઝડપથી નજર દોડાવી જાવ…

મુંબઈની એક બેન્કમાં શસ્ત્ર લૂંટ ચલાવવાના આરોપસર ઝડપાાયેલા ચાર આરોપી 16વર્ષ બાદ નિર્દોષ છૂટ્યા…

અપૂરતા પુરાવાને કારણે ડબલ મર્ડર કેસમાં રાજસ્થાનના એક દંપતીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યું.

દેહરાદૂનમાં એક મહિલા સહયોગી પર બળાત્કારના આરોપમાંથી કોર્ટે નિર્દોષ જાહેર કરતા દોઢ વર્ષથી જેલ ભોગવી રહેલા એક કેદીને મુક્તિ મળી.

મુંબઈના એક પ્રેમીની હત્યા કેસમાં આરોપી ઠરેલી એની પ્રેમિકાને કોર્ટે પૂરતા પુરાવાના અભાવે આરોપમુક્ત કરી 6 વર્ષના વિલંબ પછી!

દેહવેપાર અને તસ્કરીના આરોપમાંથી થાણે મુંબઈની એક મહિલાને 10 વર્ષ પછી કોર્ટે બા-ઈજ્જત રિહા કરી…

દહેજના કારણે પત્નીનાં કમોત માટે આરોપી ઠરેલા પતિને ઉત્તરાખંડ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો…

32 વર્ષ બાદ !

મુંબઈની એક મોડલ અભિનેત્રી ક્રિતકા ચૌધરીની હત્યા પછી ઝડપાયેલા બે આરોપી 8 વર્ષ સુધી જેલમાં કેદી તરીકે રહ્યા પછી હવે કોર્ટે એમને મુકત કર્યા છે અપૂરતા પુરાવાના કારણે!

આ જ રીતે, છેલ્લાં 2 વર્ષમાં અપહરણ – બળાત્કાર-લીવ ઈન પાર્ટનરની હત્યા, ઈત્યાદિ આરોપસર જેલમાં લાંબી સજા ભોગવી રહેલા દિલ્હી-ગૌહાટી, મુંબઈ-કેરળ, છત્તીસગઢના 12 કેદીને સર્વોચ્ચ અદાલતે નિર્દોષ જાહેર કરીને જેલબંધનમાંથી મુક્ત કર્યા છે!

આટલું વાંચ્યા પછી કહી ઊઠશો :

`યે કયા હો રહા હૈ …? આ આપણા ન્યાયતંત્રને થઈ શું ગયું છે? ન્યાયની આવી તે કેવી ક-સુવાવડ?’

આપણું ન્યાયશાસ્ત્ર કહે છે કે સાત ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને ખોટી રીતે સજા ન થવી જોઈએ, પણ અહીં વાસ્તવિકતા કંઈક બીજી જ છે. તમે અહીં જે સમાચાર વાંચ્યાં જાણ્યાં એ તો એક ઝલક માત્ર છે. આવા અનેક કિસ્સા વકીલોની બ્રીફસ અને કાયદાઓના થોથાં વચ્ચે દબાઈ ગયા હશે.

વિશ્વભરના લોકો જેને `ન્યાયની દેવી’ તરીકે ઓળખે છે એના હાથમાં એક ત્રાજવું છે, જેનાંથી એ કોણ સાચું-ખોટું એનો ન્યાય તોળે છે. બીજા હાથમાં ધારદાર તલવાર છે, જે ન્યાય કેવો શક્તિશાળી છે એ દર્શાવે છે. એ ન્યાયની નારીની આંખો પર પાટો બાંધ્યો છે, જે સમજાવે છે કે એની નજરે રાજા-રંક બધા એકસરખા છે….

જોકે, ગયા વર્ષે જ આપણે ત્યાં ન્યાયની દેવીનું ચિત્ર સાવ બદલાઈ ગયું છે. આપણા ન્યાયાલયમાં હવે એક નવી જ ન્યાયની દેવી તમને જોવા મળશે. ભારતીય સંસ્કૃતિની ઓળખ એવી સાડીમાં સજ્જ સુડોળ નારીની નવી પ્રતિમાની આંખ પરથી કાળી પટ્ટી દૂર કરવામાં આવી છે, જે દર્શાવે છે કે એ જાગૃત થઈ છે…એના હાથમાં હવે તીક્ષ્ણ તલવાર નથી. ત્યાં ભારતીય સંવિધાન બંધારણનો ગ્રંથ ગોઠવી દેવામાં આવ્યો છે… હા, ન્યાયની દેવીના એક હાથમાં ઝુલતું ન્યાયનું તરાજુ-ત્રાજવું હજુ યથાવત છે…

આપણા ન્યાયતંત્રએ કરેલા ન્યાયદેવીની પ્રતિમાના આ ફેરફાર સૂચવે છે-દર્શાવે છે કે આપણા દેશની ન્યાય પદ્ધતિ હવે જૂના જમાનાની નથી રહી. એ પણ હવે વધુ આધુનિક બની રહી છે…..

જોકે આપણે હમણાં જે તાજા કિસ્સા જાણ્યા એના પરથી એવો તો અંદાજ આવે છે કે ન્યાયતંત્ર જે નવી દિશા તરફ જવા ઈચ્છે છે તે તરફ હજુ એ કાચબા ગતિએ આગળ વધી રહ્યું છે અને એના અનેક ભૂલભરેલા ચુકાદાને લીધે હજુ પણ નિર્દોષ દંડાતા રહે છે…

વાસ્તવિકતા વરવી છે. કોવિડ લોકડાઉનને લીધે આપણી અદાલતોના કેસોમાં બીજો 19 %નો ભરાવો થતા આજની તારીખે- જાન્યુઆરી -2025માં પૂરા પાંચ કરોડ કેસ પેન્ડિંગ પડયા છે. લોકડાઉનમાં અગત્યના કેસોનું ઓનલાઈન હિયરિગ પણ શરૂ થયું. આમ છતાં, ખુદ સુપ્રીમ કોર્ટ પાસે આજે 82 હજારથી વધુ કેસ પડતરમાં છે.!

બીજી તરફ, દેશભરની ન્યાયાલયોના આશરે 23 લાખ કેસમાં તો છેલ્લાં 11 -12 વર્ષથી `તારીખ પે તારીખ ‘ પડયા કરે છે. એમાંથી 1 લાખ 80 હજાર કેસ તો છેલ્લાં 31 વર્ષથી પેન્ડિંગ પડ્યા છે. તાજેતરમાં દેહરાદૂનના એક કેસની વિગત બહાર આવી છે. છેતરપિંડીના એક કિસ્સાંનો 8 વર્ષથી કેસ ચાલી રહ્યો છે અને એમાં અત્યાર સુધીમાં તો 81 વાર તો કોર્ટની મુદત પડી છે!

જસ્ટિસ ડિલેડ ઇસ જસ્ટિસ ડિનાઈડ'- મોડો ચુકાદો મળે એ અન્યાય થવા બરાબર છે જેવી વાત આપણે ત્યાં બહુ ગંભીરતાથી લેવાતી નથી. કેટલીક વાર એવી પણ કણતા સર્જાય છે કે લાંબી સુનાવણી પછી ચુકાદો આવે-અપરાધીને જેલ થાય. પાછળથી કોઈક કારણસર એનો કેસ ફરી ચાલે ત્યારે ખ્યાલ આવે કે અગાઉ કશુ કાચું કપાઈ ગયું હતું એટલે એનેબા-ઈજ્જત રિહા કિયા જાય…’ જેવું ફરમાન કોર્ટ આપે ત્યાં સુધીમાં તો પેલો `કેદી’ ઉર્ફે નિર્દોષે તો કેટલાંય વર્ષ જેલમાં વીતાવી દીધા હોય! આપણે જોયું તેમ આવા અનેક કેસ તાજેતરમાં પણ બહાર આવ્યા છે.

દેશભરમાં બહુ ચર્ચાયેલા આ કેસ વિશે પણ જાણો, જેમાં કોઈ પણ પુરાવા વગર 10 વર્ષ સુધી ખોટી જેલસજા ભોગવ્યા પછી દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર જી.એન.સાઈબાબાને ગયા વર્ષે મુક્તિ મળી. રાષ્ટ્ર વિદ્ધ માઓવાદી તરફી આતંકવાદી પ્રવૃત્તિ કરવાના આરોપસર 2014ના ધરપકડ થઈ પછી પ્રોફેસરને નાગપુર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. મુકત થયેલા આ 59 વર્ષીય પ્રોફેસર સાઈબાબા માનસિક, શારીરિક અને આર્થિક રીતે સાવ બેહાલ થઈ ગયા છે.
પ્રોફેસર જી.એન.સાઈબાબાના કેસ પછી ન્યાયક્ષેત્રમાં ફરી એક વાર કાયદા નિષ્ણાતોની ચર્ચા શરૂ થઈ ગઈ છે : ન્યાયની આવી ક-સુવાવડ માટે કોણ જવાબદાર? આરોપી પર કેસ દાખલ કરી પૂરી તપાસ કર્યા વગર એને કારાવાસમાં ધકેલી દેનારા કાયદાના રક્ષક કે પછી કાચબાની ગતિએ કેસ ચલાવી એને સજા ફટકારનાં ન્યાયાલય?

લાંબો કારાવાસ ભોગવ્યા પછી આરોપી બહાર આવે નિર્દોષ'નો શિરપાવ મળે તોય જેલાવાસ દરમિયાન સમાજમાં પ્રતિષ્ઠાથી ગુમાવી દેવા ઉપરાંત એ આર્થિક રીતે પણ ખુવાર થઈ ગયો હોય છે. આવાનિર્દોષ’ અપરાધીને કોઈ વળતર મળે ખં?

આનો જવાબ બહુ પેચીદો છે. અનેક જાણીતા ન્યાયવિદો કહે છે કે સુનાવણીમાં અતિ વિલંબ થાય પછી પ્રતિવાદી સામેના આક્ષેપો પડતા મુકાય કે પછી જો એ જેલમાં હોય અને મુક્તિ મળે તો એને ન્યાયાલયે જરૂર આર્થિક વળતર આપવું જ જોઈએ. આવા કિસ્સા માટે જરૂર છે કોઈ ચોક્કસ કાયદાની..

જો કે કેટલાક જાણીતા કાયદા નિષ્ણાતો કહે છે કે વળતરના આવા કોઈ નવા ચોક્કસ કાયદાની આપણે જરૂર નથી. આવા કિસ્સામાં કેટલીક વાર નામદાર ન્યાયમૂર્તિ કેસની ગંભીરતા જોઈને સામેથી યોગ્ય વળતર અપાવતા જ હોય છે
આના સંદર્ભમાં આ કિસ્સો પણ ખાસ જાણવા જેવો છે.

2018 એટલે કે આજથી 7 વર્ષ પહેલાં. ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં રહેતી સુષ્મા (નામ બદલ્યું છે ) નામની એક તણીએ પોલીસ ફરિયાદ નોંધાવી કે એના પરિચિત એવા તુષાર (નામ બદલ્યું છે) નામના એક યુવાને એનું અપહરણ કરીને એની ઈચ્છા વિરૂદ્ધ જબરજસ્તીથી દેહસંબંધ બાંધ્યો હતો. યુવતી અને એની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે પેલા તુષારની ધરપકડ કરી. પોલીસ તપાસ થઈ. કેસ ચાલ્યો ત્યારે યુવતીએ ખુદ મેજિસ્ટે્રટ સમક્ષ કિડનેપિંગ અને રેપની જુબાની આપી હતી. યુવાન તુષારે એના પરના બધા આરોપ નકાર્યા, છતાં કેસ ચાલ્યો અને આરોપી તુષારને ચાર વર્ષ અને 6 મહિનાને સજા થઈ. એ પછી તુષારે ઉપરની કોર્ટમાં `પોતે નિર્દોષ છે’ એની અરજી કરી. ફરી શરૂ કરવામાં આવેલા એ કેસની સુનાવણી ટુકડે ટુકડે ચાલતી રહી એ દરમિયાન તુષાર જેલમાં રહ્યો.

આપણ વાંચો:  ભાત ભાત કે લોગ : પોન્ડ્સ મેન ઓફ ઇન્ડિયા: ખિસકોલી કર્મના હિમાલય જેવડાં પરિણામ…

ગયા વર્ષે આ કેસની હિયરિગ વખતે ઊલટતપાસમાં પેલી ફરિયાદી યુવતી સુષ્માએ કોર્ટ સમક્ષ કબૂલી લીધું કે એણે તુષાર વિદ્ધ બળાત્કારની જે ફરિયાદ કરેલી એ અંગત વેરઝેરને કારણે હતી. હકીકતમાં તુષારે ન તો એનું અપહરણ કરેલું કે ન તો બળાત્કાર કર્યો!..

યુવતીની આ કબૂલાત પછી બરેલી કોર્ટે તુષારને નિર્દોષ જાહેર કર્યો, પણ આ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં નિર્દોષ તુષારે તો 4 વર્ષ કેદ ભોગવવી પડી એનું શું?!

અહીં બરેલી કોર્ટે એક બહુ ધ્યાનસૂચક અને નવી દિશા દેખાડતો ચુકાદો આપ્યો છે. ખોટી ફરિયાદ કરનારી યુવતી સુષ્માને કોર્ટે જે સજા તુષારે ભોગવી એવી જ ચાર વર્ષની સજા ફટકારી છે. સાથે તુષારને 6લાખનું વળતર ચૂકવવા પણ ફરમાન કર્યું છે.!

બાકી એક વાત તો એ પણ યાદ રાખવા જેવી છે કે કાયદો અને ન્યાય એ બન્ને સદંતર ભિન્ન વાત ને પ્રક્રિયા છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button