ક્લોઝ અપ: શું છે આ `ક્રાઉડફન્ડિંગ'…? | મુંબઈ સમાચાર

ક્લોઝ અપ: શું છે આ `ક્રાઉડફન્ડિંગ’…?

  • ભરત ઘેલાણી

ગયા અઠવાડિયે જ સમાચાર આવ્યા છે કે મુંબઈની 8 મહિનાની એક બાળકીને કોઈ અસાધારણ બીમારીની સારવાર માટે ખાસ ઈન્જેકશનની જરૂર છે, જેનો ખર્ચ છે 9 કરોડ રૂપિયા અને એ પણ માત્ર એક જ ઈન્જેકશનનો ! સારવાર માટે આવી જંગી રકમ મેળવવાનો એક જ ઉપાય છે `ક્રાઉડફન્ડિંગ’!

સિયા : એકઠા થયા છે અઢી કરોડ અને જરૂર છે 9 કરોડ રૂપિયા !

તીરા : પહેલાં અને આજે!
16 કરોડ એકઠા થયા ક્રાઉડફન્ડિંગ દ્વારા

`સાહેબ, અમારા ગામમાં એક બહુ જૂના મંદિરને રિપેર કરવા માટે અમે રકમ એકઠી કરી રહ્યા છીએ તમે પણ થોડો ચંદો- ફાળો આપોને..?’

તમારી ઘરકામવાળી બાઈ આદ્ર સ્વરે તમને આ કહે કે પછી ઑફિસનો કોઈ પ્યુન તમારી સામે પાવતીની બુક ધરે પછી એમની ધાર્મિક લાગણીને માન આપીને ય તમે તમારા દરજ્જાને છાજે એ મુજબ ફાળો આપશો-લખાવશો.

મહારાષ્ટ્રમાં ગણપતિ બાપા' આવવાના હોય કે ગુજરાતમાં નવરાત્રિ વખતેમા અંબા’ની સવારી પધારવાની હોય કે બંગાળમાં મા દુર્ગાનું આગમન હોય કે પછી દક્ષિણના કોઈ રાજ્યમાં કોઈ ઉત્સવ પર્વના દિવસો પહેલાં આવી જાહેર ફ્ંડ-ફાળાની ક્રિયા-પ્રક્રિયા આપણે ત્યાં જૂની-જાણીતી છે. આ રીતે ફાળો એકઠો કરવો એમાં કોઈ છોછ કે નાનમ નથી. અને ફાળો આપનારી વ્યક્તિ પણ આને પોતાની એક સામાજિક ફરજ ગણે છે.

હવે આવા `સામાજિક ફંડ-ફાળાની પ્રવૃત્તિઓનું ફલક વિસ્તરી રહ્યું છે અને એના માટે એક નવો શબ્દ આપણા જીવન તેમજ શબ્દકોષમાં પ્રવેશી ચૂક્યો છે.

આ શબ્દ છે : ક્રાઉડફન્ડિંગ

અલબત્ત, એનો જાહેર વ્યાપ હજુ જોઈએ તેટલો નથી, છતાં આજકાલ અખબારો ટીવી ચેનલો અને સોશ્યલ મીડિયા પર એ વધુ ગાજે છે.

આનું કારણ કોઈ બાળની કથા- વ્યથા છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં મુંબઈની એક બાળકીને ભાગ્યે જ જોવા મળે એવી એક બીમારી વળગી છે. 8 મહિનાની એ બાળકીનું નામ છે સિયા…જન્મજાત એ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ( ટાઈપ વન)’ નામથી ઓળખાતી બીમારીથી પીડાઈ રહી છે. આ એક ભાગ્યે જ જોવા મળે એવો રેર-વીરલ જિનેટિક ડિસઓર્ડર છે. આ એક પ્રકારની અનુવાંશિક વિકૃતિ છે, જેમાં બાળકીની માંસપેશીઓ એવી નબળી પડી જાય છે કે સિયા પોતાની મેળે હાથ-પગ કે માથું હલાવી નથી શકતી. એને દૂધ પીવામાં અને શ્વાસ સુધ્ધાં લેવામાં તકલીફ પડે છે… શરૂઆતમાં જોતાં જ પરાણે વહાલી લાગે એવી બેબી ડોલ સિયાની બીમારી પરખાઈ નહીં, પણ એ છએક મહિનાની થઈ ત્યાં સુધીમાં એની હાલત દિન પ્રતિદિન વણસતી ગઈ. આખરે એક પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટએ નિદાન કર્યું કે સિયાનેસ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ( ટાઈપ વન)’ થી પીડાઈ રહી છે. વધુ તબીબી પરીક્ષણ પછી ખબર પડી કે એની સારવાર માટે એક ખાસ જિન થેરપીની જરૂર છે અને આ જિન થેરપીના એક ઈન્જેકશનની કિમત છે 9 કરોડ રૂપિયા…!

આ પણ વાંચો…ક્લોઝ અપ – ઈમોજી : લયબદ્ધ લાગણીનાં કેવાં સચોટ છે આ મસ્તીખોર સિમ્બોલજી…!


આ દુર્લભ બીમારીને ટૂંકમાં સમજાવી હોય તો કહી શકાય કે કુદરતી રીતે પ્રોટીન તૈયાર કરવા માટે શરીરમાં જે જીન જોઈએ એનો જન્મથી અભાવ હોવાથી અનાજનો કોળિયો કે પ્રવાહી સહજ રીતે ગળા નીચે ઊતરતા નથી.એટલું જ નહીં, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એટલી હદે કે ફેફસાં -મજ્જાતંતુ ને બીજાં સ્નાયુ પણ નબળાં પડતાં જાય અને દરદીને બચાવવા માટે કટોકટી ઊભી થાય છે. આવી પરિસ્થિતીમાં સારવાર માટે ખાસ અમેરિકાથી મંગાવીને એક વિશેષ પ્રકારના જીનના ઈન્જેકશન (`ઝોલજેન્સ્મા’) આપવા પડે.

આ સારવારની જંગી રકમની જોગવાઈ પણ બની શકે એટલી ત્વરાથી કરવી પડે, કારણ કે આ બીમારીની સારવાર બાળક બે વર્ષનું થાય એ પહેલાં જ આપવી પડે તો જ એ કારગત નીવડે..

મુંબઈ-ડોમ્બિવલીમાં રહેતા મૂળ ભચાઉ કચ્છના લોહાણા પરિવારના સિયાના પપ્પા રોનક દક્ષિણી એક ક્ંપનીમાં મેનેજર છે. મમ્મી ખ્યાતિ CA છે.

મધ્યમવર્ગ પરિવારના રોનકભાઈ મુંબઈ સમાચાર'ને કહે છે કેદીકરી સિયાની સારવાર માટે અમે અત્યાર સુધીની અમારી અંગત બચત 30 લાખ રૂપિયા વત્તા વિવિધ ટ્રસ્ટ- સામાજિક સંસ્થાઓ-સેલિબ્રિટીસ ઉપરાંત ક્રાઉડ ફન્ડિંગ દ્વારા અમે રૂપિયા અઢી કરોડ એકઠા કરી શક્યા છે. વધુ ફંડ માટે પ્રયાસ ચાલી રહ્યા છે..’

સિયાને અત્યારે ઘેર જ પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. જોઈતાં ઈન્જેકશન, ઈત્યાદિની રકમ એકઠી થશે પછી ખરી સારવાર શરૂ થશે…

સિયા પહેલાં આવો જ એક કિસ્સો તીરાનો છે. મુંબઈની તીરા જન્મી ત્યારે એ બીજાં નવજાત શિશુ જેવી જ હતી. મમ્મી પ્રિયંકા અને પપ્પા કામત બહુ ખુશ હતાં, જાણે ઘેર લક્ષ્મીનું આગમન થયું, પણ ન જાણે કેમ એમની લાડકીને કોઈની નજર લાગી હોય તેમ એની તબિયત વણસવા લાગી. પાણી-દૂધ જેવું પ્રવાહી લેતી વખતે એનો શ્વાસ ંધાવા માંડતો. સામાન્ય રીતે પણ શ્વાસ લેતી વખતે પણ તકલીફ વધી જતી. ડોકટરોને પહેલી નજરે આ તકલીફનું કોઈ દેખીતું કારણ જોવાં-જાણવાં નહોતું મળતું, પાછળથી થયેલાં અનેકવિધ મેડિકલ ટેસ્ટ દ્વારા સાબિત થયું કે તીરાને ` સ્પાઈન મસ્ક્યુલર એસ્ટ્રોફી (SMA) જેવી વિકટ જન્મજાત બીમારી પજવે છે. આની સારવાર રૂપે ખાસ પ્રકારના ઈન્જેકશન, ઈત્યાદિ વિદેશથી મંગાવવા પડે, જેની કિમત હતી અધધધ 16 કરોડ રૂપિયા વત્તા 3થી પાંચ કરોડ ઈમ્પોર્ટ ડ્યૂટી!

હવે તીરાની કથાનો ઉત્તરાર્ધ એ છે કે જીવલેણ બીમારીથી પીડાતી તીરા અને આર્થિક રીતે અસહાય એવાં એનાં મમ્મી-પપ્પાની કથની પ્રિન્ટ -ટીવી-સોશ્યલ મીડિયા પર જોઈ-વાંચીને ચોતરફથી માનવતાનું પૂર ઊમટ્યું આર્થિક સહાય રીતે અને એ શક્ય બન્યું ક્રાઉડફન્ડિંગના પ્રતાપે…!

વિદેશોની સરખામણીએ આપણે ત્યાં ક્રાઉડફન્ડિંગનો વિચાર -એનો અમલ પ્રમાણમાં ઓછો છે અને જે છે એમાં મેડિકલ ક્રાઉડફન્ડિંગને વધુ સફળતા મળે છે. બેબી તીરાને આવા ફંડ દ્વારા જે આર્થિક સહાય મળી છે એ આપણા દેશમાં સૌથી વધુ ને જંગી છે. આ રકમ એકઠી થઈ હતી મુખ્ત્ત્વે ઈમ્પેકટ ગુ’ નામની ક્રાઉડફન્ડિંગ વેબસાઈટ દ્વારા. હા, તીરાના કેસમાં રૂપિયા બે કરોડ જેટલી રકમગોફંડમી’ નામના ક્રાઉડફ્ન્ડિંગ પ્લેટફોર્મે પણ ભેગી કરી આપી હતી… અને આ વિદેશી મેડિસીનની આયાત માટે ભરવી પડતી રૂપિયા 3 કરોડની ઈમ્પોર્ટ ડયૂટી કેન્દ્ર સરકારે જતી કરી હતી ! આ રીતે મળેલી આર્થિક મદદથી થયેલી તબીબી સારવારથી અત્યારે તીરાની તબિયત ખાસ્સી સુધરી રહી છે. મુંબઈની બેબી તીરા માટે જે બહુ જ મદદરૂપ થયું એ ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ ઈમ્પેકેટ ગુ’ સિયાની તબીબી સરવાર માટે પણ ફંડ એકઠું કરી રહ્યું છે.ઈમ્પેકેટ ગુ’ પાસે આજે 30 લાખથી વધુ ડોનર્સ એટલે કે દાતા છે અને એણે આજ સુધીમાં 25000 થી વધુ દર્દીઓને તબીબી સારવાર માટે આશરે 150 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરી આપ્યું છે.!

ઈમ્પેકેટ ગુ' જેવું જ ફંડ એકઠું કરવા માટે જાણીતું પ્લેટફોર્મ છેકીટ્ટો’ (ketto.org). અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયા એકઠા કરવાના દાવા સાથે દેશ-વિદેશમાં 55 લાખ થી વધુ દાતા ધરાવતું આ પ્લેટફોર્મ રોગ- બીમારી ઉપરાંત ઉચ્ચ શિક્ષણ- વેપાર કે ઉદ્યોગિક સાહસ- સ્ટાર્ટઅપ કે પછી ફિલ્મ નાટક-નૃત્ય જેવાં અન્ય કળા- સંસ્કૃતિનાં અનેક ક્ષેત્ર માટે ભંડોળ ભેગું કરી આપવા માટે આગળ પડતું છે.

મુંબઈની બેબી તીરાને મળેલી જંગી તબીબી સહાયની વાત આપણે જાણી. તાજેતરમાં એના જેવી જ બીમારીથી ગ્રસ્ત કોલકાતાના 6 મહિનાના દિન મોહમ્મદને પણ રૂપિયા 16 કરોડની તબીબી સહાય ક્રાઉડફન્ડિંગની મદદથી મળી રહી છે. આજે દેશમાં સિયા-તિરા અને દિન જેવી બીમારીથી પીડાતા 4000 બાળકો છે. એમાંથી 15 જેટલાં બાળકો ` સ્પાઈન મસ્ક્યુલર એસ્ટ્રોફી’ મોંઘી સારવાર લઈ રહ્યા છે અને આ માટેનું મોટાભાગનું ભંડોળ એમને વિવિધ ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ દ્વારા જ મળી રહ્યું છે.

આ પણ વાંચો…ક્લોઝ અપ: ધરતી પરના દૃશ્યમાન દેવદૂત: થેંક્યુ ડોકટરજી!

મેડિકલ ટ્રીટમેન્ટ ઉપરાંત આવાં ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ અન્ય પ્રવૃત્તિઓમાં પણ ઉપયોગી નીવડે છે. એમાંય જો તમારી પાસે સામાજિક કાર્ય માટે કોઈ પ્રબળ પ્રોજેકટ હોય તો એનો બહુ તગડો પડઘો પડે છે.

વાત કરીએ યુવા જસપર પોલની. વ્યવસાયે ઈજનેર છે, પણ સમાજ દ્વારા ત્યજાયેલા લોકો માટે કંઈક કરવાની એને ધૂનકી ચઢી એટલે કશદાર જોબ છોડીને એણે ઘરબાર વગરના નિરાશ્રિતો માટે એક ફાઉન્ડેશન શરૂ કર્યું. જિંદગીના ત્રિભેટે ઊભેલા એ નિરાશ્રિતોની સંસ્થા : સેક્નડ ચાન્સ' માટે ભંડોળ મેળવવા એણેકીટ્ટો’ ક્રાઉન્ડફન્ડિંગની મદદ લીધી અને પ્રથમ 72 કલાકમાં જ ફ્ંડ રૂપે રૂપિયા 2 કરોડ છલકાઈ ગયા અને નિરાશ્રિતો માટે ઘર તથા બીજી પ્રવૃત્તિ માટે બીજા તબક્કામાં જસપર પોલ હવે ક્રાઉડફન્ડિંગ રૂપિયા 10 કરોડ એકઠા કરી રહ્યો છે..!

તમને આ તબક્કે ફિલ્મ `નયા દૌર’નું પેલું ગીત યાદ આવે છે?

साथी हाथ बढाना साथी रे…
एक अकेला थक जायेगा,
मिलके बोज उठाना…!

આવાં પ્લેટફોર્મ પરથી ફ્ંડ મેળવવું હોય તો શું કરવું?

હા, તમારા પ્રોજેક્ટ માટે ફંડ જોઈતું હોય તો સરકારી કચેરી-બેન્ક કે પછી કોઈ એનજીઓ- (બિન-સરકારી સામાજિક સંસ્થા) પાસે જવા કરતાં આવાં ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મની નીતિ-રીતિ ક્રિયા-પ્રક્રિયા વધુ સરળ હોય છે. આવું પ્લેટફોર્મ નક્કી કરી તમારો પ્રોજેકટ રિપોર્ટ જોઈતી રકમ ફંડ આપનારાને જોઈતા દસ્તાવેજ, વગેરે પૂરાં પાડો અને એના સંચાલકોને લાગશે કે તમારા પ્રોજકટમાં દમ છે તો તમારી વાત એમનાં પ્લેટફોર્મ પર વહેતી મુકાશે આ માટે કોઈ ફી કે પ્રોસેસિંગ ચાર્જ પણ નથી લેવાતો.

(સાથોસાથ એ પણ જાણી લો કે ચિલાચાલુ ધંધા માટે કે શેરમાર્કેટમાં લેતી-દેતીના ધંધા માટે કે પછી તમે કરેલી નુકસાની ચૂકવવા માટે ક્રાઉડફન્ડિંગ ન મળે, બોસ!)

ઈમ્પેક્ટ ગુ' તેમ જકીટ્ટો’ જેવાં જ આપણે ત્યાં કિકસ્ટાર્ટર ગોફ્ંડ મી -ફ્યુલ એ ડ્રિમ – વિશબેરી-ફ્ંડ એ ડ્રિમ -ઈન્ડિયાગોગો- મિલાપ વગેરે જેવાં બીજાં દસેકથી વધુ જાણીતા ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ છે, જેના પર વિદેશથી પણ સહાયતાની રકમ આવે છે.

આ પણ વાંચો…ક્લોઝ અપ : ન્યાયની દેવીના આ તે કેવા ન્યાય-અન્યાય?આરોપીના આ તે કેવા મુક્તિ-બંધન…?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button