ક્લોઝ અપઃ વૃક્ષનું સાંભળો ને એને સંભાળો…એ આપણાં પર્યાવરણના રક્ષક પુરવાર થશે!
વીક એન્ડ

ક્લોઝ અપઃ વૃક્ષનું સાંભળો ને એને સંભાળો…એ આપણાં પર્યાવરણના રક્ષક પુરવાર થશે!

ભરત ઘેલાણી

છેલ્લાં શ્વાસ સુધી કાર્યરત રહી શતાયુની આવરદા ઉજવનારા વિચક્ષણ રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવી વૃક્ષ કે પર્યાવરણની વાત નીકળે ત્યારે અમને કહેતા: `આજની પેઢીને વૃક્ષની ખરી કિમત કે ઉપયોગિતા જલદી નહીં સમજાય. અમે નાનપણમાં નિશાળે જતા ત્યારે પગમાં ચપ્પલ તો હોય નહીં.

આકરા ઉનાળામાં ધરતી ધોમ ધખી ગઈ હોય. એના પર ઉઘાડા પગે થોડું ચાલીએ, પછી પગ એવા દાઝવા માંડે કે દોડીને નજીકના ઝાડ નીચે ઊભા રહી જઈએ…એ વખતે એની છાયામાં જે સાતા પહોંચે ત્યારે અમને વૃક્ષની ખરી મહત્તા સમજાતી’

આ તો વૃક્ષ વિશે એક પ્રખર અનુભવીની વાણી હતી. આજે તો યુગ પલટાઈ ગયો છે. સદનસીબે, આજની પેઢી પણ પર્યાવરણ વિશે વધુ સચેત થવા લાગી છે. આજ વૃદ્ધથી લઈને યુવા સુધીના રોજિંદા જીવનમાં પર્યાવરણ' અનેપ્ર્દૂષણ’ શબ્દોથી વધુને વધુ સજાગ થઈ રહ્યા છે અને પ્રકૃતિ સંભાળ લેવા સજ્જથઈ રહ્યા છે.

છેલ્લાં પાંચેક વર્ષથી અચાનક પલટાતી મોસમને લીધે કુદરતી હોનરતો ખાસ્સી વધી ગઈ છે. એમાં માનવસર્જિત હોનારતો પણ ઉમેરાય છે. આ બધાનાં પરિણામે કુદરતી સંપત્તિનો ન ધારી હોય એટલી ખુવાર થાય છે.

જે વૃક્ષોને ઉગતાં પાંગરતાં વર્ષોનાં વર્ષો લાગ્યાં હોય એ નજર સામે નષ્ટ થઈ જાય છે. જળવાયુ પરિવર્તનથી થયેલી કુદરતી આફતોને લીધે એકલા 2024માં જ વિશ્વભરમાં રૂપિયા 25 લાખ કરોડથી પણ વધુ સંપત્તિનું સ્વાહા થઈ ગયું છે!

આમ તો પર્યાવરણશાસ્ત્રીઓ પણ સ્વીકારે છે કે અમુક તબક્કે કલાઈમેટ ચેન્જ’ એટલે કે બદલાતી મોસમ પૃથ્વીની તબિયત માટે ઉપકારક છે, છતાં યુવાનોના એક વર્ગ એ વિશે વધુ પડતી ચિંતા કરે છે.

એ માટેઅમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન’ (APA)એ અંગ્રેજીમાં એક નવો શબ્દપ્રયોગ યોજ્યો છે. એ શબ્દ છે `ઈકો ઍગ્ઝાયટિ’. એનાથી પીડાતા વધુ પડતા સંવેદનશીલ યુવાનોનો ભય એક રીતે સાચો પણ છે.

આમ છતાં આવી ચિંતામાંથી મુક્ત થવા આ સંસ્થા કેટલાક ઉપાય પણ સૂચવે છે, જે પાછો એક સાવ અલગ ચર્ચાનો વિષય છે, જેને આપણે અહીં ન ઉખેળીએ…

બીજી તરફ, અમુક્-તમુક સરકારી તેમ જ ખાનગી પ્રોજેકટ્સ માટે વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે. એનો ઊહાપોહ પણ જબરો થાય છે, છતાં લાગતા-વળગતા તરફ્થી પર્યાવરણના ચાહકોને સંતોષકારક જવાબ નથી મળતા. આ દિશામાં આપણાં ન્યાયાલયોએ ખરેખર બિરદાવા જેવાં પગલાં ભરી રહ્યાં છે.

વનસંપત્તિ અને એની ઉપયોગિતાને લગતા અનેક અવનવાં સંશોધન અવારનવાર થઈ રહ્યા છે.એ ધ્યાનમાં રાખીને આપણી સર્વોચ્ચ અદાલતે વૃક્ષવિજ્ઞાનના નિષ્ણાતોની એક સમિતિ નીમી, જેમણે વૃક્ષોનું મૂલ્યાંકન કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.

ક્યા પ્રકારનું વૃક્ષ છે – કેટલાં વર્ષ જૂનું છે એની `તબિયત’ કેમ છે? વગેરેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ જે તારણ કાઢ્યાં છે એ ખરેખર રસપ્રદ છે, જેમકે…

સામાન્ય રીતે એક વૃક્ષ દર વર્ષે સરેરાશ રૂપિયા 45,000નો ઑક્સિજન પેદા કરી પર્યાવરણને આપે ઉપરાંત રૂપિયા 20,000નું ખાતર અને રૂપિયા 10,000ના એનાં લાકડાની કિમત ગણીએ તો એક વૃક્ષની માત્ર એક વર્ષની કુલ કિમત થાય રૂપિયા 75 હજાર…

(જો કે સમિતિએ અહીં વૃક્ષ દીઠ રૂપિયા 74,500ની કિમત મૂકી છે) એટલે વૃક્ષ જેટલાં વર્ષ જૂનું એ આંકનો ગુણાકાર 74,500થી કરો તો એ વૃક્ષની ખરી કિમત ગણાય… બીજા શબ્દોમાં કહીએ તો 100 વર્ષ જૂનાં એક હેરિટેજ વૃક્ષની કિમત 1 કરોડથી પણ વધુ હોય શકે…!

આનું એક ઉદાહરણ જાણવા જેવું છે. થોડા સમય પહેલાં વડોદરા નજીકના ગામમાં આવેલા એક પ્રાચીન વૃક્ષનું મૂલ્યાંકન થયું તો જાણકારોના મત અનુસાર એ વૃક્ષ 950 વર્ષથી પણ પૂરાણું છે. એ હિસાબે આજે એની કિમત રૂપિયા 12-13 કરોડથી વધુ આંકી શકાય!

જ્યારે પણ કોઈ પ્રોજેકટ માટે અવરોધ બનતાં વૃક્ષને દૂર કરવાની વાત આવે ત્યારે ન્યાયાલયોનો પહેલો આગ્રહ એ હોય છે કે ઝાડના વિચ્છેદને બદલે બને ત્યાં સુધી આજની આધુનિક ટેકનોલોજી થી એનું સ્થળાંતર કરવું. એ શકય ન બને તો કપાયેલાં વૃક્ષની ઉંમર અનુસાર પાંચથી લઈને 20 સુધી નવાં વૃક્ષારોપણ કરવાં…

મુંબઈના બહુચર્ચિત મેટ્રો રેલવે પ્રોજેકટસની કામગીરી દરમિયાન રાજ્ય સરકારે પણ કોર્ટના આવા આદેશનું પાલન કરવું પડે છે તો બીજી તરફ, કોલકાતામાં તૈયાર થઈ રહેલી એક સેવન સ્ટાર હોટેલના બાંધકામ વખતે પરવાનગી વગર 60થી વધુ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે

એવી ફરિયાદનો ઐતિહાસિક ચુકાદો આપતા કોલકાતા હાઈકોર્ટે પેલી હોટેલને ફરમાન કર્યું હતું કે પર્યાવરણને આ રીતે અક્ષમ્ય નુકસાન પહોંચાડવા બદલ વળતરરૂપે 40 કરોડ રૂપિયા ગણી આપો અને બીજાં 100 વૃક્ષ પણ તાત્કાલિક વાવો, નહીંતર!

આમ તો અદાલતનું કડક ફરમાન તથા વૃક્ષપ્રેમી સંસ્થઓની તીક્ષ્ણ નજર હોવાથી અગાઉની જેમ વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી શકતું નથી. આમ છતાં અમુક ખાનગી પ્રોજેકટમાં નડતાં વૃક્ષોનો કાંટો કાઢી નાખવા માટે એમની ` સુપારી’ આપવામાં આવે છે.

વૃક્ષના ખબર-અંતર કાઢવાનાં બહાના હેઠળ સુધરાઈના ફોડેલાં સ્ટાફની મદદથી તંદુરસ્ત વૃક્ષને ઝેરી રસાયણના ( ટોર્ડન હર્બિસાઈડ)ના ઈન્જેકક્ષન આપીને એને સુકવી નાખવામાં આવે પછી એને દૂર કરવામાં આવે અને આ રીતે ` અવસાન’ પામતાં વૃક્ષને લઈને ઉહાપોહ પણ નથી થતો…

એક ટ્રી લવર સેન્ટરે કરેલા આક્ષેપ મુજબ ગયા વર્ષે આ રીતે `ઝેર તો પીવરાવ્યાં જાણી જાણી’ દ્વારા મુંબઈના અમુક પરાંનાં 450 જેટલાં લીલાછમ વૃક્ષોની કરપીણ કતલ કરવામાં આવી હતી!

નવી ને જૂની ઈમારતોનાં પુન: બાંધકામની ઉપાધિ

આજે મુંબઈ જેવાં મહાનગરમાં જૂની ઈમારતોને ધરાશાયી કરીને ત્યાં આધુનિક સુવિધાથી સજ્જ 30-40 ઊંચી મલ્ટિ સ્ટોરિડ બહુમાળી ઈમારતો પુન: બાંધવામાં આવે છે.

સત્તાવાર આંકડા અનુસાર એપ્રિલ-25 સુધીમાં આવાં 15 હજારથી વધુ `રિ-ડેવલોપમેન્ટ’ પ્રોજેકટ્સ સક્રિય છે… અને બધું મળીને 31 હજારથી વધુ પ્રોજેક્ટને પુન : બાંધકામની પરવાનગી ક્યારની અપાઈ ચૂકી છે…!

આ ઉપરાંત, નવી નવી ઊંચી ઈમારતોનું બાંધકામ તો સતત ચાલું જ છે અને એનાથી ઊડતી ટનબંધ ધૂળ રજકણોનું પ્રદૂષણ આરોગ્યને જે જબરી હાનિ પહોંચાડે છે એ તો શહેરી વિકાસના નામે લટકામાં…!

આ પણ વાંચો…ક્લોઝ અપ: ધરતી પરના દૃશ્યમાન દેવદૂત: થેંક્યુ ડોકટરજી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button