પણ પહેલાં સપનાં તો જુઓ!

જૂઈ પાર્થ
વ્યોમ નાનો હતો ત્યારથી વિમાનો ભેગાં કરે. એની પાસે રમકડાંના નાનાં- મોટાં બધી સાઈઝનાં, રિમોટ કંટ્રોલવાળાં, ઊડી શકે એવાં, જનીન પર ચાલે એવાં બધાંય પ્રકારનાં વિમાન હતાં. ઘરની અંદર રમતો હોય પણ જ્યારે જ્યારે વિમાનનો અવાજ આવે તો તરત ઘરની બહાર દોડી જાય અને વિમાનને એનાં છેલ્લાં લિસોટા સુધી જોયા કરે. કોઈ પૂછે કે મોટા થઈને તારે શું બનવું છે તો એ જવાબમાં કહે પાઈલટ બનવું છે! નાનો હતો ત્યાં સુધી બધાએ એને છોકરમત ગણાવી, પણ વ્યોમ જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એનું પાઈલટ બનવાનું સપનું પ્રબળ બનતું ગયું. જોકે વ્યોમનાં આ સપનામાં સૌથી પહેલાં તો એના પરિવારે જ વિશ્વાસ ના મૂક્યો. પપ્પાએ એનાં સપનાં પર ભરોસો ના કરી ફેમિલી બિઝનેસમાં જોડાવા દબાણ કર્યું તો મમ્મીએ પાઈલટ બનવાનાં જોખમ ગણાવીને વ્યોમનું સપનું ધૂળમાં રોળાઈ ગયું.
વાત સપના જોવાની જ હોય તો શું માનવીએ ક્યારેય વિચાર્યું હશે કે એ હવામાં ઊડશે, અવકાશયાત્રા કરશે, સમુંદરનાં પેટાળમાં પહોંચશે, વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરશે? કોઈકની આંખે તો આ સપનાં સેવાયા હશે અને આ સપનાંઓને જોઈતું પીઠબળ પણ મળ્યું હશે આખી દુનિયામાં કોઈને પણ પૂછો, બધાંને બસ સફળ થવું છે. એ મોટી મોટી ગાડી હોય, મોટા ઘર હોય, સુખ- સગવડ સાહેબી હોય આહાહાહા બસ, આટલું મળી જાય ને એટલે જીવન ધન્ય થઈ જાય. આ માત્ર વિચારો નહીં, પણ કોઈનાં સપનાં છે.
બાળક કોઈ રમકડું માગે કે આર્થિક રીતે પહોંચ બહારની વસ્તુ માગે ત્યારે ઘણા મા- બાપને બાળકોને કહેતા સાંભળ્યાં છે કે ના ના આ તો ના લેવાય, બહુ મોંઘું છે આપણને ના પોસાય અને જો તે કદાચ અવકાશયાત્રી કે આર્ટિસ્ટ બનવાનું કહે તો તેઓ છોકરમત માની હસી કાઢે કે નકારાત્મક અભિગમ દર્શાવે. કેટલીકવાર શાળામાંથી પણ બાળકને જે કરવું છે તે કરવાનાં બદલે જે શિક્ષકોને આવડે છે તે કરવા પર મજબૂર કરવામાં આવતાં હોય છે. આમ ઘર, સમાજ, શાળા અનેક જગ્યાએથી બાળક હોંશિયાર હોવા છતાં ઘણીવાર તેના સપનાં પર પાણી રેડાતું જોઈ શકાય છે.
‘નાની મારી આંખ એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે’
આ સાંભળી હંમેશાં થાય કે આમાં અજબ જેવી વાત તો નાનકડી આંખને કાંક કાંક તો સપનાં જોવાની પણ છે ને, જેની પાછળ તેને દોડવું છે, ભાગવું છે! આમેય બાળમાનસને જેમ વાળો તેમ વળે. જો તેમને સકારાત્મક અભિગમ દર્શાવી પ્રોત્સાહન આપવામાં આવે તો હાલની પેઢી સાચા અર્થમાં ચમત્કાર કરી શકે તેમ છે. કહે છે ને ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ આ નિશાન એટલે ધ્યેય. ધ્યેય ખુલ્લી આંખે જોયેલાં સપનાંથી પ્રાપ્ત કરી શકાય. દીવાસ્વપ્ન જોઈને બેસી રહેવાની વાત નથી, પરંતુ મનનો વિસ્તાર વધારવાની વાત છે. ભણતર, સમાજ, પરિવાર, પાડોશ, મિત્રો વગેરેની બાળકોનાં મન પર ઊંડી છાપ જોવા મળે છે. સારું જોશે તો સારા બનશે, પણ આમ કરવા માટે આંખો ખુલ્લી રાખવી પડે છે. પહેલેથી જ કોઈ વસ્તુ, વ્યક્તિ, વ્યવસાય પહોંચ બહારની માનીને તેના તરફ જોવું નહી કે તે મેળવવાનો પ્રયત્ન ના કરવો, તેનું સપનું જ ના જોવું એ ગુનો છે. કહે છે કે always dream big,, એટલે કે સપનાં હંમેશાં મોટાં જુઓ. અને પછી સ્વામિ વિવેકાનંદ કહે છે એમ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો!’
સપનું જોવું એ સપનાં પૂરા થવાની પૂર્વશરત છે. એ પછી સાચી દિશામાં આગળ વધવું અને પછી સપનાં પૂરા કરવા માટે તનતોડ મહેનત કરવી. સોહમ પાલનપુરી કહે છે કે:
‘અરે, ઓ સપનાઓ જરા ધીરજ રાખો
આમ ઉતાવળા શિદને ભાંખો
અપાવીશ ન્યાય તમોને પણ
મારામાં થોડો વિશ્વાસ તો રાખો..!
સક્ષમ છું જીતવાને હજુ
આમ નિસાસા ના નાખો
નીકળ્યો છું પવનની માફક
તમે માત્ર મંઝિલ શોધી રાખો…’
એક રીતે જોઈએ તો સફળતાનાં પાયામાં એક અબૂધ આંખે જોયેલું સપનું જ છે. આ એ જ સપનું છે કે જે મનુષ્યને સતત કામ, મહેનત કરવા પ્રેરતું રહે છે. સારા- ખરાબ સમયમાં પણ એ સપનું યાદ આવતાં માણસ તેને પામવા માટે દોડતો થઈ જાય છે. સપનાં રિયાલિસ્ટીક- વાસ્તવિક્ત હોવા જોઈએ એ વાત સાચી, પણ મહેનતનાં સ્તરમાં ફેરફાર કરતાં કશું અશક્ય નથી. આંખોમાં ખાલી સપનાં આંજવાથી કંઈ ના મળે. જીવનમાં જો કંઈ કરવાનું જ હોય તો જવાબદારીઓની સાથે સ્વપ્નને પણ જીવંત રાખી તેને પૂરું કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી શકાય. આમ મનનું ધાર્યું થવાની સાથે જવાબદારી પણ એટલા જ આનંદથી નિભાવી શકાશે!
શું તમે પણ જોયું છે આવું કોઈ સપનું? સપનાની પાછળ ભાગ્યા છો?
બોલો, તમે શું કહો છો?
આપણ વાંચો: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-23



