વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ સમાજમાંથી `કચરો’ સાફ કરવા ઈન્ટરનેટ ગેમ બનાવી ને પછી…

જ્વલંત નાયક

Is Dairi me Jo kuch Bhi likha hai vo sab padh lo
ઉપરોક્ત વાક્ય એક હિન્દીભાષી કન્યાએ લખ્યું છે. એ શું કહેવા માગે છે તે ઝટ સમજાશે નહિ, કારણ કે હિન્દી ભાષી એ કન્યાએ પોતાની વાત કહેવા માટે અંગ્રેજી લિપીનો ઉપયોગ કર્યો છે, પણ એની વાત તો હિન્દીમાં જ છે.

મોટે ભાગે અંગ્રેજી માધ્યમમાં ભણી હશે એટલે હિન્દી લિપી લખતા નહિ આવડતું હોય. જોકે અહીં તો સરખું અંગ્રેજી ય લખતા નથી આવડ્યું. વાક્યમાં `ડાયરી’નો સ્પેલિંગ ખોટો છે અને આખો પેરેગ્રાફ વાંચતા ઢગલેબંધ ભૂલો ઊડીને આંખે વળગશે, પણ હવે એ ભૂલો શોધવાનો સમય વીતી ગયો છે. કેમ કે ડાયરીના પાને આવી વાતો ચીતરનાર ક્નયા પોતાની બીજી બે બહેનો સહિત આત્મહત્યા કરી ચૂકી છે.

વાત ગાઝિયાબાદની છે. વીતેલા સપ્તાહ દરમિયાન અહીં બાર, ચૌદ અને સોળ વર્ષની ત્રણ બહેનોએ બિલ્ડીંગના નવમાં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. એ સમાચારો તો બધાએ વાંચ્યા જ હશે. પણ આ ઘટના બાદ IGD એટલે કે ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર’ નામની બીમારી અંગે ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે. આત્મહત્યા કરનાર ત્રણયે તણી કોરિયનલવ ગેમ’ નામની કોઈ ઉટપટાંગ ઈન્ટરનેટ ગેમ્સની લતે ચઢી ગઈ હતી.

આવી ગેમ્સ તમને જુદા જુદા ટાસ્ક આપતી હોય છે. આ ટાસ્ક્સમાં આખી રાત એકલા જાગીને હોરર મૂવીઝ જોવા કે પોતાના જ વાળ કાપી નાખવાથી માંડીને શરીર પર જખ્મો કરવા અને છેલ્લે આત્મહત્યા કરવા સુધીની પ્રવૃત્તિનો સમાવેશ થતો હોય છે. ખાસ કરીને કુમળી વયના તણો એમાંય કન્યાઓ આવી ગેમ્સના એડિકશનનો આસાન શિકાર બની બેસે છે.

આવી લતને કારણે સમય જતા અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ જાગે છે. એ ઉપરાંત બાળક વાસ્તવિક દુનિયાથી અને સંબંધોથી સાવ અલગ થઇ જાય. અને અંતે ગાઝિયાબાદની તણીઓની માફક ન કરવાનું કરી બેસે. ઈન્ટરનેટ ગેમિંગનો આ વાહિયાત ચસ્કો દુનિયાભરમાં એ હદે ફેલાયો છે કે `વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ એ IGDને ગંભીર માનસિક બીમારી-મનોવિકાર ગણાવવી પડી છે.

પ્રશ્ન એ છે કે દુનિયાના તમામ દેશની સરકારો ભેગી થઈને ઈન્ટરનેટ ગેમિંગ જેવાં દૂષણો ડામી કેમ નથી દેતી? કોણ છે આવી ઘાતક ગેમ્સ બનાવનારા? તણોના મગજનો કબજો કરીને એમને આત્મહત્યા સુધી દોરી જવાથી આ ગેમ બનાવનારાને શો ફાયદો થાય?

તમને યાદ હશે કે થોડાં વર્ષો પહેલાં `બ્લ્યુ વ્હેલ’ નામની એક ખતરનાક ઈન્ટરનેટ ગેમે જબરો ઉપાડો લીધેલો. અમેરિકા, બ્રાઝિલ, ફ્રાંસ, ભારત અને યુકે સહિતના દેશોમાં ટીનએજર્સ આ રમત પાછળ ગાંડા થયા. આ રમતમાં જોડાનારે પચાસ દિવસમાં પચાસ ટાસ્ક પૂરા કરવાના રહેતા. શરૂઆતમાં અડધી રાત્રે જાગીને હોરર મુવી જોવા જેવા સામાન્ય ટાસ્કથી શરૂઆત થતી.

જોકે અંતે પહોંચતા સુધીમાં એવાં એવા, ટાસ્ક અપાતા કે રમનાર ખેલાડી વાસ્તવિક જગતથી સાવ વિખૂટો પડી જાય અને અંતિમ ટાસ્ક તરીકે પોતાનો જ જીવ લઇ લે! આ ખતરનાક ટાસ્ક- ગેમને લઈને આખી દુનિયામાં ઊહાપોહ થયો એ પછી 2016માં રશિયન પોલીસે ફિલિપ બુડેકિન નામના એક એકવીસ વર્ષીય છોકરડાની ધરપકડ કરી.

આ ફિલિપ જાણવા જેવી જણસ છે. એ પોતે રશિયાની એક યુનિવર્સિટીમાં સાઈકોલોજીનો વિદ્યાર્થી હતો, પણ કોઈક કારણોસર યુનિવર્સિટીએ એને તગેડી મૂક્યો. એ પછી મનોવિજ્ઞાનના પોતાના જ્ઞાનનો એણે ભરપૂર દુપયોગ કર્યો.
રશિયન સોશ્યલ નેટવર્ક VKontakte પર મોટી સંખ્યામાં રશિયન યુવાવર્ગ એકબીજાના સંપર્કમાં આવે છે. જેમાં તણોની સંખ્યા વિશેષ હોય છે. ફિલિપે `બ્લ્યુ વ્હેલ’ નામની ગેમ બનાવી અને આ પ્લેટફોર્મ દ્વારા અનેક તણો સુધી પહોંચાડી.

-પણ આ રીતે તણોનાં મગજ સાથે રમત કરીને આત્મહત્યા સુધી દોરી જવા પાછળ ફિલિપનો ઈરાદો શું હતો?
ફિલિપ બુડેકીન માનતો હતો કે સમાજમાં કચરો’ વધતો જાય છે. કોઈક રીતે આ ગંદકીને સાફ કરવી જોઈએ, જેથી સમાજ ચોખ્ખો થાય. આવાઉમદા’ હેતુસર એણે નબળા મનના તણોને `બ્લ્યુ વ્હેલ’ જેવી જીવલેણ રમતના રવાડે ચડાવ્યા!

આખરે પોલીસે એની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન એણે સ્વીકાર્યું કે ગેમના માધ્યમથી ટાસ્ક આપી આપીને ઓછામાં ઓછી સોળ છોકરીને એણે આત્મહત્યા કરવા ઉશ્કેરી હતી! આવી કબૂલાત છતાં કોર્ટમાં આ બધા આરોપો સાબિત ન થઇ શક્યા. મામલો બહુ ગૂંચવાયો પછી 2017માં કોર્ટે ફિલિપ બુડેકીનને માત્ર ત્રણ વર્ષ અને ચાર મહિનાની સજા ફટકારી.

કેટલાક નિષ્ણાતો અને તપાસકર્તાઓએ કહ્યું છે કે `બ્લ્યુ વ્હેલ’ ગેમની અસર અને તેની વાસ્તવિકતા અંગે મીડિયામાં અતિશયોક્તિ થઈ હતી. સામાન્ય જનતામાં એવી છાપ હતી કે ફિલિપે ઠંડે કલેજે આત્મહત્યાઓ કરાવી. એ પણ સાચું નહોતું. તેમ છતાં આત્મહત્યા જેવા ખતરનાક ટાસ્ક આપવા બદલ એણે સજા વેઠવી પડી.

ફરી તાજેતરની ગાઝિયાબાદવાળી ઘટના તરફ પરત ફરીએ તો અહીં બ્લ્યુ વ્હેલ’ નહિ, પણ કોરિયનલવ ગેમ’ નામની રમતે તરુણીઓને `પ્રેમમાં પાડી’. આ તણીઓ પોતાને કોરિયન પ્રિન્સેસ માનતી થઇ ગઈ.

કાચી ઉંમરે જ્યારે નવું જ અનુભૂતિનું વિશ્વ ઉઘડી રહ્યું હોય ત્યારે આ ક્નયાઓ પોતાની જાતને `કે-ડ્રામા’ સહિતની કોરિયન કથાઓમાં જોવા મળતી રાજકુંવરી માની બેઠી! એટલું જ નહિ, પણ ગેમમાં આવતા AI પાત્ર સાથે મીઠી મીઠી વાતો ય કરતી થઇ ગઈ! અંતે એમની જીવનકથાનો ટે્રજિક અંત આવ્યો.

આજે ઈન્ટરનેટ, મોબાઈલ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને તૂટતા જતા પરિવારો-સંબંધો વચ્ચે ઘેરાયેલી તણ પેઢી સામે એટલી મોટી માયાજાળ પથરાયેલી છે કે પોતાનાં સંતાનોને સીધે રસ્તે ચાલતા રાખવાનું કામ માતા- પિતા માટે દુષ્કર બની ગયું છે.

અહીં ગેમ બનાવનારા કોઈ મોટી કંપની ચલાવનાર બિઝનેસમેન નથી હોતા. બલકે આ લોકો ખુદ દિશાહીન મગજના યુવાનો અને ક્યારેક તો તણો જ હોય છે. સોશ્યલ મીડિયા અને ડાર્ક વેબ પર આવા તણોને પકડવા કોઈ પણ દેશની સરકાર માટે અત્યંત દુષ્કર છે. અંતે પોતાનાં સંતાનોને સાચવવાનો બોજ માતા-પિતાના ખભે જ રહેવાનો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button