ભાત ભાત કે લોગઃ `કડકે કડકે… પણ નવાબ કે લડકે’ જેવી હાલતમાં પીસાતી મહાસત્તા…

જ્વલંત નાયક
સમાચાર છે કે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતી આર્થિક અને લશ્કરી મહાસત્તા હાલમાં પોતાને જ ઘરઆંગણે `શટડાઉન’ તરીકે ઓળખાતી આર્થિક વિટંબણા વેઠી રહી છે. અમેરિકા માટે આ પ્રકારનું શટડાઉન કંઈ બહુ મોટી નવાઈની વાત નથી. તમે ગૂગલ પર સર્ચ કરશો તો જણાશે કે વીતેલા દાયકાઓ દરમિયાન અમેરિકા અનેકવાર આ પ્રકારની પરિસ્થિતિ વેઠી ચૂક્યું છે. શું છે આ શટડાઉન? અમેરિકાના માથે કેટલું દેવું છે અને અમેરિકાના લેણિયાત દેશો કોણ કોણ છે?
એન્ટીડેફિસિયન્સી એક્ટ’ એટલે એવો ફેડરલ કાયદો જે યુએસ સરકારના ખર્ચ અને નાણાકીય વ્યવસ્થાપનને નિયંત્રિત કરતો હોય. આ કાયદો ખાસ કરીને ફેડરલ એજન્સીઓને બજેટની મર્યાદાઓનું પાલન કરવા અને ગેરકાયદેસર ખર્ચને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. ભારતમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એટલે કેકેગ’ કંઈક અંશે આવું જ કામ કરે છે.
જો કે `કેગ’ની સરખામણીએ અમેરિકન કાયદો વધુ કડક છે. એન્ટીડેફિસિયન્સી એક્ટ અમેરિકન સરકારની વિવિધ એજન્સીઓના આર્થિક વ્યવહારો ઉપર વોચ ડોગની જેમ નજર રાખે છે, જેથી દેશનું દેવું અનિયંત્રિત રીતે વધી ન જાય. રાષ્ટ્રીય દેવું વકરીને વધારે ઊંચા સ્તરે ન પહોંચે એ માટે ઘણી વાર સરકારી એજન્સીઝના ખર્ચ પર મોટો કાપ મૂકવામાં આવે છે. આ માટે આવશ્યક સિવાયની ઘણી સેવાઓ બંધ કરી દેવાય છે. આમાં ઘણા કર્મચારીઓના પગાર બંધ થઇ જાય છે. આ પરિસ્થિતિ એટલે શટડાઉન.
બીજી રીતે કહીએ તો અમેરિકાની સંઘીય શાસન વ્યવસ્થામાં શટડાઉન એક એવી સ્થિતિ છે, જ્યારે કૉંગ્રેસ એટલે કે અમેરિકન પાર્લામેન્ટ નાણાકીય વર્ષ માટે જરૂરી ભંડોળના બિલ પસાર કરવામાં નિષ્ફળ જાય છે. (એન્ટીડેફિસિયન્સી એક્ટને કારણે બિલ પાસ નથી થઇ શકતું.) આના કારણે અનેક સરકારી વિભાગો અને કર્મચારીઓને અસર થાય છે.
અમેરિકાનું નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલે છે. જો 30 સપ્ટેમ્બર સુધીમાં ભંડોળના બિલ પસાર ન થાય તો 1 ઓક્ટોબરથી શટડાઉન લાગુ પડી જાય જે હાલમાં ચાલી રહ્યું છે. અમેરિકાની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ જોતા હાલનું શટડાઉન કેટલું લાંબું ખેંચાશે એની કોઈ આગાહી હાલમાં થઇ શકે એમ નથી.
હવે વાત કરીએ અમેરિકાના દેવાની. યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેનું રાષ્ટ્રીય દેવું (નેશનલ ડેટ) પણ વિશ્વના બીજા કોઈ પણ દેશ કરતાં વધુ છે. ટૂંકમાં જે સૌથી ધનિક છે એ જ સૌથી દેવાદાર છે!
આવું બને કઈ રીતે? અર્થતંત્રની આંટીઘૂંટીઓ આસાનીથી સમજી શકાય એવી નથી હોતી. 2025માં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું 36.72 ટ્રિલિયનના સ્તરે પહોંચ્યું છે. 1 ટ્રિલિયન એટલે 100 અબજ. સવાલ એ છે કે દુનિયામાં એવા તે વળી કયા દાનેશ્વરી દેશો છે, જેમણે દુનિયા આખીના નગરશેઠ જેવા અમેરિકાને લોન આપી હોય? વાત એવી છે કે આ જંગી દેવા પાછળ અમેરિકાનો પોતાનો જ ખેલ જવાબદાર છે.
1970ના દાયકામાં યુ.એસ. અને સાઉદી અરેબિયા વચ્ચે એક કરાર થયો. એ મુજબ સાઉદી અરેબિયાએ સંમતિ આપી કે તે ઓઈલના વેચવા માટે ફક્ત યુ.એસ. ડૉલર્સનો જ ઉપયોગ કરશે. બદલામાં અમેરિકા સાઉદી અરેબિયાને સૈન્ય સુરક્ષા આપશે. આ કરાર `પેટ્રો ડૉલર સિસ્ટમ’ તરીકે ઓળખાય છે. બીજા પેટ્રોલિયમ ઉત્પાદક દેશો પણ આ જ સિસ્ટમ ફોલો કરે છે.
હવે ખેલ જુઓ. ભારતે જો પેટ્રોલિયમ ખરીદવું હોય તો પહેલા અમેરિકન ડૉલર્સ ખરીદવા પડે. એ ડૉલર્સ સાઉદી અરબને આપીએ એટલે આપણને પેટ્રોલિયમ મળે. આ પ્રકારની વ્યવસ્થાને પરિણામે એક તરફ વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલર્સની માગ સતત જળવાઈ રહે છે. બીજી તરફ પેટ્રોલિયમ ઉત્પાદક દેશો પાસે મોટા પ્રમાણમાં અમેરિકન ડૉલર્સ જમા થતા રહે છે.
આ ડૉલર્સનું કરવું શું? વેરી સિમ્પલ. આ દેશો પોતાની પાસેનો ડૉલર્સનો મોટો દલ્લો ફરી અમેરિકાને જ આપી દે અને સામે અમેરિકન ટે્રઝરી બોન્ડ્સ મેળવે છે. પેટ્રોલિયમ ઉત્પાદક દેશો માટે આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય. બીજી તરફ અમેરિકાને તો બંને હાથમાં લાડવો મળે. દુનિયા આખીના દેશોને પેટ્રોલિયમની ખરીદી માટે અમેરિકન ડૉલર્સની જરૂર પડે એટલે ડૉલરના ભાવમાં સદા તેજી રહે.
બીજી તરફ આ વેચાયેલા ડૉલર્સ પેટ્રોલિયમ ઉત્પાદકો મારફત ફરી પાછા અમેરિકન ઇકોનોમીમાં જ ઠલવાય! અમેરિકા જે વિશ્વની નંબર વન ઇકોનોમી બની શક્યું એમાં પેટ્રો ડૉલર સિસ્ટમનો બહુ મોટો ફાળો છે.
જોકે, અર્થતંત્ર કદી સીધુંસાદું નથી હોતું. ડૉલર્સના સતત વધતા ભાવ અને અમેરિકન અર્થતંત્રની સ્થિરતા-તેજી જોઈને પેટ્રોલિયમ ઉત્પાદકો સિવાયના વિશ્વના બીજા દેશો પણ અમેરિકન ટે્રઝરી બોન્ડ્સ લેવા માંડ્યા. અમેરિકન ટે્રઝરી બોન્ડ ખરીદવાનો સીધો અર્થ થાય અમેરિકન અર્થતંત્રમાં રોકાણ કરવું. અને કોઈ દેશ જો અમેરિકન અર્થતંત્રમાં રોકાણ કરતો હોય તો અમેરિકાએ ભવિષ્યમાં એને વળતર આપવું જ પડે. બસ, અહીં જ લોચો પડે છે.
ડિસેમ્બર 2024 સુધીમાં જુદા જુદા દેશોએ અમેરિકા પાસેથી 8.6 ટ્રિલિયન ડૉલર્સના (લગભગ 700 લાખ કરોડ) ટ્રેઝરી બોન્ડ્સ લીધા છે. સૌથી વધુ ટે્રઝરી બોન્ડ્સ જાપાન (1,060 અબજ ડોલર્સ) પાસે છે. તમને લાગતું હશે કે ચીન અને રશિયા જેવા દુશ્મન અમેરિકામાં રોકાણ નહિ જ કરતા હોય, પણ આર્થિક હિતોની વાતમાં દોસ્તી-દુશ્મની ભૂલાઈ જતી હોય છે.
અમેરિકી બોન્ડ્સમાં રોકાણ કરનારાઓની યાદીમાં ચીન 759 અબજ ડૉલર્સ સાથે બીજા ક્રમે છે. ભારતે પણ રિઝર્વ ફંડ તરીકે 232 અબજ ડૉલર્સના બોન્ડ્સ ખરીદી રાખ્યા છે. મોરલ ઓફ ધી સ્ટોરી એ છે કે આજની તારીખે અમેરિકાના કુલ દેવાના ત્રીસેક ટકા જેટલી રકમ તો આ ટ્રેઝરી બોન્ડ્સને કારણે જ છે.
એક તરફ અમેરિકાને પોતાને ઘરઆંગણે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન વધારીને ફરી એક વાર મહાન રાષ્ટ્ર તરીકે સ્થાપિત થવું છે. બીજી તરફ વિશ્વમાં યુરોપિયન સહિતના દેશો અમેરિકાની અસરથી મુક્ત હોય એવી પોતીકી આર્થિક નીતિઓ ઘડવા ઈચ્છે છે. ભારત જેનું સભ્ય છે એવા BRICS દેશોનો સમૂહ આંતરરાષ્ટ્રીય વેપાર માટે પોતાનું ચલણ લાવવા ઈચ્છે છે. ત્યાં વળી ટ્રમ્પનો ઝોક ક્રિપ્ટોકરન્સી તરફ હોવાનું કહેવાય છે.
ટૂંકમાં આવનારો સમય અમેરિકન તેમ જ વૈશ્વિક અર્થતંત્ર માટે નાજુક રહેવાનો છે. રોકેટ ગતિએ વધતા સોનાના ભાવ એનો જ નિર્દેશ આપે છે. શું હાલમાં શટડાઉન થઇ ગયેલું અમેરિકા આવનારા દાયકાઓમાં કડકાબાલુસ થઈને દેવા હેઠળ કચડાઈ જશે?
રામ જાણે…!