ભાત ભાત કે લોગઃ `મહાન ક્રાન્તિકારી'ની જેને ઉપમા મળી એ ચે ગુવેરા એવો હતો ખરો?
વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ `મહાન ક્રાન્તિકારી’ની જેને ઉપમા મળી એ ચે ગુવેરા એવો હતો ખરો?

જ્વલંત નાયક

Let me say that the true revolutionary is guided by a great feeling of love. It is impossible to think of a genuine revolutionary lacking this quality. -Che Guevara

આ બે શબ્દ યુવાનોને બહુ જલ્દી આકર્ષે છે પ્રેમ અને ક્રાંતિ. કમનસીબે મોટા ભાગના કેસમાં બેઉ છેતરામણાં નીવડે છે. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન દુનિયાના અનેક દેશમાં `જેન ઝી’ તરીકે ઓળખાતી યુવા પેઢી પોતાના જ દેશની સરકારો સામે જંગે ચઢી છે. સરકારો બદલવાના આ ઉદ્યમને ક્રાંતિ કહી શકાય? ભોળી જનતાને એવું જ લાગે છે.

વાસ્તવિકતા જુદી છે. વીસમી સદી દરમિયાન અને ત્યાર પછી થયેલી મોટા ભાગની ક્રાંતિઓએ જૂના પાપને યથાવત રાખીને અનેક નવી સમસ્યાઓને જન્મ આપ્યો છે. એ ઉપરાંત જે યુવાનો ઉંમર સહજ જોશથી દોરવાઈને ક્રાંતિની આગમાં કૂદી પડે છે એ પોતે જ આગળ જતા રાક્ષસ બની જાય એવી શક્યતા પૂરેપૂરી.

ઉપરોકત જેનાં શબ્દો ટાંકયા છે તે ચે ગુવેરા (કે ગ્વેરા) એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ચે પોતે વીસમી સદીનો સૌથી મહાન ક્રાંતિકારી ગણાય છે. આખી દુનિયાના યુવાનોએ ચે ગુવેરાને બહુ સરળતાથી રોલ મોડેલ તરીકે અપનાવી લીધો. ગુવેરા કહે છે કે સાચો ક્રાંતિકારી પ્રેમની મહાન લાગણી થકી દોરવાતો હોય છે. જેનામાં આવી લાગણી ન હોય એવો માણસ ખરો ક્રાંતિકારી બની શકે એવી કોઈ શક્યતા જ નથી. વાત સાચી છે, પણ ચે ગુવેરા ખુદ કેવું જીવ્યો?

મૂળે એનો જન્મ આર્જેન્ટિનાના શ્રીમંત પરિવારમાં. સાચું નામ અર્નેસ્ટો ગુવેરા. એના પરદાદા આયર્લેન્ડથી આવેલા. બાળપણમાં અર્નેસ્ટોએ આયર્લેન્ડની અનેક વાતો દાદીમાના ખોળે માથું નાખીને સાંભળેલી. આયરિશ પ્રજાનો લડાયક સ્વભાવ કદાચ ત્યાંથી જ લોહીમાં ભળ્યો હશે. અધૂરામાં પૂં, ગુવેરા પરિવારનો ઝોક પહેલેથી ડાબેરી વિચારસરણી તરફનો.

યુવાન વયે પહોંચતા સુધીમાં અર્નેસ્ટોએ ઘણું વાંચી લીધું. એણે કાર્લ માર્ક્સથી માંડીને તત્કાલીન સમયગાળામાં રશિયન ક્રાંતિથી પ્રભાવિત એવા જવાહરલાલ નહેરૂ સુધીના ઘણા લેખકોને વાંચ્યા. 1948માં મેડિસીનના વિદ્યાર્થી તરીકે બ્યુએનોસ એરિસની યુનિવર્સિટીમાં એડમિશન લીધું, પણ દુનિયાને જોવા-સમજવાની એની અપ્રતિમ ઘેલછા એને દક્ષિણ અમેરિકી અનેક દેશના હજારો કિલોમીટર લાંબા મોટરસાઈકલ પ્રવાસો સુધી લઇ ગઈ.

આવા પ્રવાસ દરમિયાન અર્નેસ્ટોએ ટપકાવેલી નોંધ પાછળથી `મોટરસાઈકલ ડાયરીઝ’ તરીકે પ્રસિદ્ધ થઇ. આ પ્રવાસે અર્નેસ્ટોના વ્યક્તિત્વ ઘડતરમાં એને ક્રાંતિકારી બનાવવામાં મોટો ભાગ ભજવ્યો. લોકોના દુ:ખદર્દ અને મૂડીવાદને કારણે નર્કથી બદતર જીવનમાં ફસાયેલા શ્રમિકો માટે એણે લડવાનું શરૂ કર્યું. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી…પછી એક ઈતિહાસ જ સર્જાય ગયો.

અર્નેસ્ટો માનતો કે આર્જેન્ટિના, ક્યુબા, બ્રાઝિલ, બોલિવિયા, પે જેવા તમામ લેટિન અમેરિકી દેશ એક જ છે. અને જ્યાં સુધી આ તમામ દેશમાં સામ્યવાદ ન સ્થપાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાનો છે. એના ક્રાંતિકારી વિચારો અને આચરણને કારણે લેટિન અમેરિકી પ્રજાએ એને `ચે’નું ઉપનામ આપ્યું.

સ્થાનિક ભાષામાં `ચે’નો અર્થ થાય મિત્ર અથવા સાથી. ચે ગુવેરાના ક્રાંતિકારી વિચારોની અસર એટલી ઊંડી છે કે આજે ય દુનિયાભરના યુવાનો એને પોતાનો સાથી અને રાહબર માને છે. જોકે, દરેક સિક્કાને બીજી બાજુ પણ હોય છે.

પોતાનો દેશ છોડીને ચે ક્યુબા ગયો અને ફિડેલ કાસ્ટ્રો સાથે ખભેખભા મિલાવીને લડ્યો. ક્યુબામાં અમેરિકાના ટેકાવાળી સરમુખત્યાર બાટિસ્ટોની તત્કાલીન સરકારને હાંકી કાઢીને ફિડેલ કાસ્ટ્રોએ પોતાનું શાસન સ્થાપ્યું. એ પછી ચેને પોતાના વિશ્વાસુ વ્યક્તિ તરીકે નિમણૂક આપી. ચેનું કામ બાટિસ્ટાના બાકી બચેલા સમર્થકોને વીણી વીણીને પૂરા કરવાનું હતું.

ચે ગુવેરાએ આ કામ પૂરી ક્રૂરતા સાથે કર્યું અને સેંકડો લોકોને ટોર્ચર કરીને મોતની ઘાટ ઉતાર્યા! જાણકારોને મતે ચે માટે આવી હિંસા કંઈ પહેલીવારની નહોતી. બલકે ક્રાંતિને નામે એણે સંખ્યાબંધ લોકોને પહેલા ય આ રીતે સતાવી- અત્યાચાર કરીને મારી નાખેલા! સજાતીય સંબંધો ધરાવનારા તેમજ કાળી ચામડીના લોકો પ્રત્યે ય ચે નકારાત્મક લાગણીઓ ધરાવતો હોવાનું કહેવાય છે. એક મોટો વર્ગ એવો ય છે જે ચે ગુવેરાને દંભી, કટ્ટરવાદી અને લોહીપિપાસુ તરીકે ઓળખાવે છે.

હમ્બરટો ફોન્ટોવા નામના ક્યુબન-અમેરિકન લેખકે તો ચે ગુવેરાની નકારાત્મક બાજુઓ રજૂ કરતું આખું પુસ્તક-`Exposing the Real Che Guevara and the Useful Idiots Who Idolize Him’- લખ્યું છે, જે 2007માં પ્રકાશિત થયેલું. હમ્બરટોનો પરિવાર ક્રાંતિને નામે આચરાતી બર્બરતા વેઠી ચૂક્યો છે. એના પિતાને કેદમાં નાખવામાં આવેલા અને પરિવારે દેશ છોડીને ભાગવું પડેલું. હમ્બરટોના એક કઝિનનું જેલવાસ દરમિયાન શંકાસ્પદ મૃત્યુ થયેલું. હમ્બરટો કહે છે કે ચે ગુવેરાએ પોતાના દંભને પોષવા અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

માની લઈએ કે `પ્રેમ અને યુદ્ધમાં બધું જ માન્ય…’ પણ વોર જીતાઈ ગઈ અને ક્યુબાની સત્તા મળી ગઈ એ પછી શું? એક જેન્ટલમેન ક્રાંતિકારીને છાજે એ રીતે ચે ગુવેરાએ ફિડેલ કાસ્ટ્રો સાથે મળીને ક્યુબાની પ્રજાનું ભલું કરવાનું હતું. એના બદલે ચેભાઈ તો ત્રીજા જ દેશ બોલિવિયાનાં ક્રાંતિકારીઓના સમર્થનમાં કૂદી પડ્યા. પચાસેક સમર્થકો સાથે ગોરીલા પદ્ધતિએ હુમલા કરવા માટે એ બોલિવિયાનાં જંગલોમાં જઈને છુપાયો.

આ યુદ્ધમાં સ્થાનિક પ્રજાને સાથે રાખવાનું એને જરૂરી ન લાગ્યું. આખરે ચે પકડાયો. એટલું જ નહિં, પણ 9 ઓક્ટોબર 1967ને દિવસે માત્ર 39 વર્ષની યુવાવયે બૂરી મોત મર્યો. એના આખરી દિવસો વિષે એક અલગ લેખ થઇ શકે, પણ મુદ્દો માત્ર એટલો નથી કે ચે ગુવેરાએ ક્રાંતિ કરી અને છેલ્લે ક્રાંતિકારીની જેમ લડતા લડતા મર્યો. આજે એકવીસમી સદીમાં મુદ્ો એ છે કે હજારો નાગરિકોનો ભોગ લેનારી ક્રાંતિ પછી પણ મળ્યું શું? શું ક્યુબા કે આર્જેન્ટિનાની પ્રજાનાં તમામ દુ:ખો-સમસ્યાઓ દૂર થઇ ગયા? ના.

ફિડેલ કાસ્ટ્રોના રાજમાં ક્યુબા તો એક `વન પાર્ટી કમ્યુનિસ્ટ સ્ટેટ’ બનીને રહી ગયું. એ વિષે બીજું ઘણું લખી શકાય એમ છે, પણ આજે જ્યારે ફરી એક વખત વિશ્વભરના યુવાનોમાં ક્રાંતિનો પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે ચે ગુવેરાનું જીવન અને મૃત્યુ એક મિસાલ બની શકે છે. તમે ક્રોધિત થઈને કે પછી બીજાની ચઢામણીથી ઉશ્કેરાઈને ક્રાંતિ કરી નાખો છો, પણ દેશ માટે એ ઘટના ઉલમાંથી ચૂલમાં પડવા જેવી હોય છે.

પ્રજા માટે તો માત્ર શાસક બદલાય છે, અત્યાચારોનું સ્વરૂપ બદલાય છે બાકી શોષણ શાશ્વત રહે છે. બહેતર માર્ગ એ જ છે કે જે કરવું હોય એ લોકશાહી માર્ગે જ કરવું. એનું ઉત્તમ અને સચોટ ઉદાહરણ છે મોહનદાસ કરમચંદ ગાંધી, જેમણે અહિંસક ક્રાન્તિ સરજીને આપણને આઝાદી અપાવી અને દુનિયાના કેટલાય દેશને સત્તાપલટાનો નવો માર્ગ ચિંધ્યો.

સંજોગવશાત આ ઓક્ટોબર મહિનામાં મહાત્મા ગાંધીની જન્મતિથિ અને ચે ગુવેરાની મૃત્યુતિથિ વચ્ચે સાત જ દિવસનો ફેર છે, પણ એ બન્નેની વિચારધારા વચ્ચેનો ફરક આજે આપણા યુવાનોએ સમજવાનો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button