ભાત ભાત કે લોગઃ સેલિબ્રિટી હોમ ટુર તમને દર્શાવે છે વિભિન્ન પરિવારનો ઇતિહાસ

જ્વલંત નાયક
ઈન્ટરનેટ દ્વારા આપણને અનેક સગવડો મળી છે. એટલું જ નહિ, બીજાની જિંદગીમાં ઘડીક ડોકિયું કરી લેવા માટેની બારી પણ ઈન્ટરનેટે ઉઘાડી આપી છે. છેલ્લાં થોડાં વર્ષોથી અમુક મીડિયા કંપનીઝ-બ્લોગર્સ કોઈક જાણીતી વ્યક્તિના ઘરની ટુર કરાવતા હોય એવા વીડિયોઝ બહુ જોવાય છે. આવા વીડિયોને નેટીઝન્સની ભાષામાં `હાઉસ ટુર’ તરીકે ઓળખાય છે.
અહીં કોઈકના અંગત જીવનમાં પીપિંગ ટોમ બનીને માનવમનના ભળતાસળતા રસને પોષવાની વાત નથી, પણ જેમના સર્જનથી કે આર્થિક તાકાતથી હજારો લોકો અંજાયા હોય એવા અપ-લેવલ લોકોના ઘરમાં ડોકિયું કરીને એ ખરેખર કેવા છે, એમના સંજોગો કેવા છે અને એમના પોતાના ઘર પર આ સેલિબ્રિટીના વ્યક્તિત્વનો કેટલો પ્રભાવ છે – એ બધું જોવાજાણવાની નોખી જ મજા હોય છે.
મુંબઈના માલેતુજાર રિયલ એસ્ટેટ કિગ નિરંજન હીરાનંદાણીના ઘરમાં કોનું રાજ ચાલે છે? ક્રિએટીવ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ ક્યાં બેસીને પોતાની ફિલ્મો લખે છે? નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઘરમાં એક ચોક્કસ કોરિડોર શા માટે રાખ્યો છે? આ બધા પ્રશ્નોના જવાબમાંથી તમને આ સેલિબ્રિટીઝના અંગત જીવન, એમના સુખ-દુ:ખ અંગે એમના જ મોઢે સાંભળવા મળે તો મોજ પડી જાય.
ભારતના મોટા ગજાના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ગણાતા નિરંજન હીરાનંદાણીનું પોતાનું ઘર કેવું છે? જવાબ છે `આલીશાન ‘, પણ એ શબ્દ નાનો પડે એવું… હાઉસ ટુર માટે આવેલા બ્લોગર્સને નિરંજનજી પવઈમાં આવેલું પોતાનું પચ્ચીસ હજાર સ્ક્વેર ફીટનું પેન્ટ હાઉસ હોંશે હોંશે દેખાડે છે. આ મુંબઈની એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી પવઈ લેક અને વિહાર લેક બંને જોઈ શકાય.
મસ્ત મજાના કાઉચ પર બેસીને ઇન્ટરવ્યૂ આપતી વખતે નિરંજન હીરાનંદાણી બંને હાથના અંકોડા ભીડીને બેસે છે. બંને અંગૂઠા એકબીજાને પસવાર્યા કરે છે. કદાચ એમને આવું કરતા રહેવાનું ઓબ્સેસીવ કમ્પ્લઝન (ઓસીડી) છે. જીવનનું પ્રથમ ઘર ખરીદવાનો વિષય. બ્લોગર છેડે છે ત્યારે પંચોતેર વર્ષના આ સફળ રિયલ એસ્ટેટ ડેવલપર પોતાની હોશિયારી બતાવવાને બદલે એચડીએફસીના દીપક પારેખને ટાંકીને સોનેરી સલાહ આપે છે કે ઘર માત્ર ઇન્વેસ્ટમેન્ટ નહિ પણ ભવિષ્ય માટેની આર્થિક સુરક્ષા પણ છે.
પત્ની કમલ સાથે ડાઈનિંગ ચેર પર બેઠેલા નિરંજન કહે છે કે ઘરમાં મારી પત્નીનું જ રાજ ચાલે છે. કમલ આ સાંભળીને હસી પડે છે, પણ એ પછી કમલ જે કહે છે એ દરેક બિઝનેસમેનની પત્ની માટે મહત્ત્વની સલાહ હોઈ શકે. `હું એમની આગળ ક્યારેય કોઈ બાબત માટે કે અંગત સમય ફાળવવા બાબતે જીદ નથી કરતી.’ આ એક જ વાક્ય પર આખું પુસ્તક લખાઈ શકે.
ઘર વિશે શરૂ થયેલી વાતમાં ભારતના ભાગલા અને હીરાનંદાણી પરિવારે પહેરેલે કપડે મુંબઈ આવી જવું પડ્યું એની વાત તો આવવાની જ. વાતોના વડા સાથે રેગ્સ ટુ રિચીસની કહાણી ધીમે ધીમે ખુલતી જાય છે. અમીરોની દુનિયામાં બધું સ્વર્ગ સરીખું નથી હોતું. બાવન વર્ષની ઉંમરે નિરંજને બધું આટોપીને માત્ર ચેરિટીના કામો કરતા રહેવાનું નક્કી કર્યું, પણ પરિવારમાં વિખવાદ થયો અને બીજી કેટલીક સમસ્યાઓ પણ આવી.
સંજોગો અનુસાર ફરી લડવાનું નક્કી કર્યું અને બિઝનેસમાં એ ફરી એક્ટિવ થઇ ગયા. પારિવારિક વિખવાદ શું હતો એ વિષે નિરંજન ફોડ નથી પાડતા, પણ સમાચારો ખંખોળતા ખ્યાલ આવે છે કે એમની ખુદની પુત્રીએ મિલકતના વિવાદમાં એમની ઉપર કેસ કરેલો, જેમાં એ હારી ગયેલા. અમીરોને ય ઓછા દુ:ખ છે?
ફ્લેટ પર ટકોરા પડે છે અને દાઢી-મૂછ-ચશ્માંધારી વ્યક્તિ દરવાજો ખોલે છે.
પૈસે લાયે હો? રેટ માલૂમ હૈ મેરા? પંદ્રહ મિનીટ કા, આધે ઘંટે કા… પેમેન્ટ કેશમેં કરોગે યા આરટીજીએસ?’ બ્લોગરને આવો આવકાર આપનાર વ્યક્તિ છે જાણીતા ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ. થોડા સમય પહેલાટોક્સિક વાતાવરણ’નું બહાનું કાઢીને એ બેંગલોર શિફ્ટ થઇ ગયેલા, પણ મુંબઈનું ઘર હજી સાચવી રાખ્યું છે.
ઘણા માને છે કે એ પોતે જ વિચિત્ર માણસ છે જે વિવાદો સર્જતો રહે છે. પોતાના વિવાદાસ્પદ વલણોને કારણે એ લોકોની ચાહત જેટલો જ ધિક્કાર પામ્યો છે. પહેલા ફિલ્મ એડિટર આરતી બજાજ સાથે અને પછી એક્ટે્રસ કલ્કી કોચલીન સાથેનું લગ્નજીવન ભાંગી પડ્યું છે. પહેલા લગ્નથી એક દીકરી છે.
ગ્લેમરસ ફિલ્મી દુનિયાથી વિદ્ધ અનુરાગનું મુંબઈનું ઘર સાવ સીધું-સાદું છે. એની હાઉસ ટુર જુઓ તો તમારી જ સોસાયટીના કોઈ અન-ઓર્ગેનાઈઝ્ડ બંગલામાં શૂટિગ થતું હોય એવું લાગે. આખું ઘર કોઈક એકલા રહેતા મિડલ એજ બેચલરને છાજે એવું છે. સોફો છે, જે ખાસ વપરાતો નથી. કિચન છે, પણ એમાં ખોરાક માત્ર ગરમ થાય છે બનતો નથી. એક ડાઈનિંગ ટેબલની આસપાસ કેટલીક ચેર્સ પડી છે. આ એ ટેબલ એટલે અનુરાગની ફેવરિટ રાઈટિગ સ્પેસ. અનુરાગ કહે છે, `અહીં પહેલા એક બેડરૂમ હતો.
દુનિયા આખીના ફિલ્મકારો અહીં રહી ગયા છે, પણ મારે એ ધર્મશાળા વધુ નભાવવી નહોતી એટલે રીનોવેશન વખતે એ રૂમ કાઢી નાખ્યો.’ ઘરે મટન ખાવા આવતા લોકોની વાતો, ઘરમાં થયેલા ફિલ્મોના શોઝ, અગાસીમાં ઉજવાયેલી હોળી અને મિત્રો સાથેના હેંગઆઉટ્સની વાતોમાં વચ્ચે વચ્ચે ક્યાંક એકલતા અને ભાંગેલા લગ્નજીવનનો પસ્તાવો ડોકાઈ જાય છે.
`હું મારા નજીકના સંબંધીઓ-દોસ્તોને હંમેશાં કહેતો રહું છું, પ્રોફેશનલ લાઈફ્માંથી વધુમાં વધુ સમય કાઢીને અંગત જીવનને આપો. નહિતર પસ્તાશો.’
બીજી તરફ, નવાઝુદ્દીન સિદ્દીકીનો બંગલો વળી અનુરાગની સરખામણીએ ખાસ્સો ગ્લેમરસ છે. દીવાલો પર મોલિએર, ઓથેલો અને હેમ્લેટના પોસ્ટર્સ જોવા મળશે. એક કોલમ પર શેક્સપિઅરના વિખ્યાત નાટક મર્ચન્ટ ઓફ વેનિસ'માં આવતા શાયલોક નામક પાત્રનું મોટું પોસ્ટર ટીંગાડ્યું છે.હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતો, ત્યાં એક કોરિડોર હતો. ત્યાં પણ આમ જ હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લાગેલા હતા. મારા ઘરમાં પણ મેં એવો જ કોરિડોર બનાવ્યો છે. એનાથી મને એક સાંત્વના મળે છે કે હું આજે પણ (એનએસડીના વિદ્યાર્થીની જેમ) કશુંક શીખી રહ્યો છું.’
જ્યાં ભણ્યા હોઈએ એ શાળા કે કોલેજનો ગમતો કોરિડોર ઘરમાં જ ઊભો કરવાનો વિચાર જ કેટલો મસ્ત છે ને! નવાઝને કદાચ ઘરમાં ફોટોઝ અને પોસ્ટર્સ રાખવાનું ઓબ્સેશન છે. `આ છે મહાન શેક્સપિયર… અને સામી દીવાલે જેનો ફોટો છે એ સ્ટેનિસ્લેવ્સકી-જેણે મેથડ એક્ટિંગને નામે બધાનું મગજ ખરાબ કરી નાખેલું.’ નવાઝ બે મહાન વ્યક્તિત્વોના ભીંતે ટીંગાડેલા પોસ્ટર્સ દેખાડતા હળવા મૂડમાં કહે છે. ફિલ્મ જોવા માટે સરસ મજાની સોફાચેર્સ સાથેનો રૂમ હોય કે પર્સનલ મેક-અપ રૂમ, દરેક જગ્યાને રિચ લુક આપવાની સાથે જ સોબર રાખવાનો સફળ પ્રયાસ અહીં થયો છે.
અનુરાગ અને નવાઝના ઘરમાં જે એકમાત્ર સામ્યતા દેખાઈ, એ છે એમની અગાસી પર આવેલી હેંગ આઉટ સ્પેસ એક એવી જગ્યા જ્યાં બેસીને સાથી કલાકારો, દિગ્દર્શકો સાથે ફિલ્મોને લગતી કલાકો લાંબી ગોષ્ઠી માંડી શકાય. એણે પોતાના પિતા નવાબના નામની તકતી એક થાંભલા પર કોતરાવી છે.
એ બંને કલાકારોના ઘરમાં એમના વ્યક્તિત્વોની અમીટ છાપ દેખાય છે. હીરાનંદાણીનું ઘર પણ તમને એક રિયલ એસ્ટેટ કિગને છાજે એવી ફીલ આપે છે. જ્યાં કોઈક રહેતું હોય એવાં મકાનો પણ રહેનારની જીવનકથાના દસ્તાવેજ સમાન નથી હોતા શું?



