ફોકસ: એકતાની મિસાલ- અરુણાચલનો દ્રી ફેસ્ટિવલ | મુંબઈ સમાચાર
વીક એન્ડ

ફોકસ: એકતાની મિસાલ- અરુણાચલનો દ્રી ફેસ્ટિવલ

  • ધીરજ બસાક

ભારતના ઉત્તર પૂર્વમાં સ્થિત અરુણાચલ પ્રદેશની અપાતાની જનજાતિ દ્વારા મનાવવામાં આવેલ દ્રી ફેસ્ટિવલ અથવા દ્રી પર્વ એક લણણીનો તહેવાર છે અને એને લોકો હર્ષોલ્લાસથી ઊજવે છે. હકીકતમાં દ્રી ફેસ્ટિવલ એક કૃષિ પરંપરાનો લણણીનો તહેવાર છે. વાસ્તવમાં જે પાક છે તે સારો ઊતરે તેવી પ્રાર્થના કરવાનો પર્વ છે. આ વર્ષે જુલાઇમાં દ્રી ઉત્સવ મનાવવામાં આવ્યો, પરંતુ આની શરૂઆત જૂન મહિનાથી જ ચાલુ થઈ ગઈ હતી. અરુણાચલ પ્રદેશની અપાતાની સમુદાય આ દિવસે પોતાના પારંપારિક દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમજ સારો વરસાદ, સારો પાક અને લોકોના જીવનમાં સુખ અને શાંતિ આવે તેની પ્રાર્થના કરે છે. તેની સાથે સાથે આ પર્વ ખેતરોને જંતુઓથી બચાવવા માટે, અનાજની સારી ઊપજ સાથે તેને સુરક્ષિત રાખવા માટે, પાક, જનાવરો અને મનુષ્યમાં રોગો ન ફેલાય તથા સમાજમાં શાંતિ જળવાઈ રહે આ બધી જ આકાંશાઓ માટે આ પર્વ મનાવવામાં આવે છે. આ પરથી જણાય છે કે, ઉત્તર પૂર્વનો આદિવાસી સમાજ તેમની લોકમાન્યતાઓ અને લોકજીવન સાથે કેટલા ઉંડાણપૂર્વક જોેેડાયેલા છે.

આ પર્વની તૈયારીઓ ઓછામાં ઓછા એક મહિના પહેલાથી શરૂ કરવામાં આવે છે અને કોઈ ચોક્કસ જગ્યાએ આ ઉત્સવના કાર્યક્રમો ઘણા દિવસો સુધી ચાલે છે. એટલે કે, આ પર્વ કોઈ ચોક્કસ સમય માટે નથી હોતો, ઘણી વખત આ પર્વના કાર્યક્રમ ઘણા દિવસો સુધી ચાલે છે. આ પર્વમાં ચાર જાતના લોકદેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમનું આહ્વાહન અને તેમની પૂજા કરવામાં આવે છે. આમાં પહેલા દેવતા તામૂ છે. આ દેવતા પાકને કીટાણુઓથી બચાવે છે. બીજા દેવતાનું નામ મેતી છે, આ પાકને બીમારીઓથી બચાવે છે. ત્રીજા દેવતા દાનયી છે જે પ્રકાશ અને ઉર્વરતાના પ્રતીક છે એટલે કે, ભગવાન સૂર્ય છે. તથા આ દેવતાઓ સાથે એક દેવી પણ છે જેમનું નામ હર્નિયાંગ એટલે કે, વર્ષા અને જલની દેવી કહેવામાં આવે છે.

આ પણ વાંચો: ફોકસ : સ્ત્રી ઉપર પુરુષની માલિકીની ભાવના શેમાંથી જન્મી હશે?

દ્રી ઉત્સવ મનાવવા માટે મહિના પહેલાથી અપાતાની જાતિના યુવા અને વૃદધો સહુ સાથે મળીને લાકડા, વાંસ, ફૂલો અને ધ્વજથી તે પૂજાસ્થળને ખૂબ સજાવે છે, જ્યાં બધાં દેવતાઓ અને એક દેવીની પૂજા કરવામાં આવે છે. આ પર્વની પૂરા ગામમાં સામૂહિક તૈયારી કરવામાં આવે છે અને આ પર્વમાં પહેરવા માટે એક વિશેષ પોશાક બનાવવામાં આવે છે. પૂજાના દિવસે સ્થાનીય પૂજારી ચોખાનાં ખેતરોમાં જઈ ત્રણેય દેવતાઓ અને દેવીની પૂજા કરે છે અને પૂજાની સાથે પશુબલિ આપવામાં આવે છે, પરંતુ હવે પતીકાત્મક બલિ આપવામાં આવે છે. આ દિવસે ગામના બધા જ લોકો અપોંગ એટલે કે, ચોખાથી બનાવેલી બિયરની સાથે જાત જાતના પકવાનોનું સેવન કરે છે અને આખો દિવસ નાચી અને ગાઈને આ પર્વ ઉજવે છે.

વાસ્તવમાં આ પર્વ પરસ્પર એકતા અને ભાઈચારાનો સામૂહિક પર્વ છે. આ પર્વની સાથે પાક સૌથી વધારે થાય તેની પ્રાર્થના કરે છે અને તેને ઊજવે છે. આને ઊજવવાની ઘણી રીતો છે જેમકે, નૃત્ય, ગીત સંગીત, રમતનું આયોજન થાય છે, યુવાન છોકરાઓ કુશ્તી દ્વારા પોતાનું શોર્ય બતાવે છે. આમાં જ યુવાન છોકરા અને છોકરીઓ પોતાના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કરે છે. જે યુવાન કુશ્તી, તીરંદાજી અને રસાકસી જેવી પ્રતિયોગિતામાં સારું પ્રદર્શન કરે છે, તેના માટે ઘણી છોકરીઓ તરફથી લગ્નના માંગા આવે છે. આજ કારણોસર યુવકો આ પર્વમાં પોતાનું શૌર્ય બતાવવા માટે મહિનાઓ પહેલાથી જ તૈયારી શરૂું કરે છે જેથી આ અવસર પર યુવકો તેમની પ્રેમિકાને ખુશ કરી શકે અને આ પ્રદર્શન દ્વારા યુવકો પોતાની મનપસંદ પ્રેમિકા કે દુલ્હન મેળવી શકે.

આ પણ વાંચો: ફોકસ: ભોજન ક્યારે ને કેવી રીતે કરવું ?

દ્રી ઉત્સવનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ ખૂબ વધારે છે. તે જ કારણે અપાતાની જનજાતિના લોકો તેમની લોકસંસ્કૃતિને જીવંત રાખે છે. આ પર્વ દ્વારા આખું ગામ એક સામાજિક માળખાનો એક હિસ્સો બની જાય છે. આવી રીતે જ ગામમાં સામાજિક એકતા બની રહે છે જેનાથી ભાઈચારો વધે છે. આ પર્વથી યુવાન ખેડૂત ખેતીના મહત્ત્વને સમજે છે અને ખેતી કરવા માટે પ્રેરિત થાય છે, પરંતુ આજકાલ આ પર્વનું એક અને ખાસ મહત્ત્વ ઊભરીને સામે આવ્યું છે, આ પર્વમાં ભાગરૂપ થવા માટે દેશ-વિદેશથી હજારો પર્યટકો અરુણાપ્રદેશની જીરો વેલીમાં આવે છે અને આ ઉત્સવને માણે છે. આવી રીતે આ પારંપારિક લોક પર્વ આજે અરુણાચલ પ્રદેશની આવકનો પણ એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે.

આ પર્વ મૂળભૂત અરુણાચલ પદેશની જીરો ઘાટી અથવા જીરો વેલી તેમજ નીચલા શુબનસિરી જિલ્લાના વિવિધ ભાગોમાં મનાવવામાં આવે છે. બધું જ મળીને દ્રી ઉત્સવ ઉત્તર પૂર્વ ભારતના લોકપર્વમાં એક મહત્ત્વનું સ્થાન રાખે છે અને ભોળા ઉત્તર પૂર્વના નિવાસીઓ ની પ્રકૃતિ, પાક અને પ્રેમ સંબંધોની પરંપરાની જીવંતતા ને દર્શાવે છે. સાથે જ આ પર્વ આસ્થા અને કૃષિના જ્ઞાનનો પણ સંગમ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button