વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ઓસાકા કાસલમાં કરી ફૂલો માણવાની `હાનામી’…

પ્રતીક્ષા થાનકી

ઓસાકાનો માત્ર એક જ ફોટો ક્યાંક આપવાનો હોય તો કદાચ રનિંગ મેનનું બિલબોર્ડ આજકાલ વધુ લોકપ્રિય થઈ ગયું છે, પણ ઓસાકાની ઓળખ સાથે સદીઓથી જોડાયેલો તો ત્યાંનો કિલ્લો જ છે. ખાસ તો તેને દરેક સેલિબ્રેશનની સિઝનમાં લાઇટોથી સજાવવામાં આવે છે. ટોક્યોના કાસલની જેમ આ કિલ્લો પણ દરેક દિશાઓમાં પાર્કથી ઘેરાયેલો છે અને અંદર કલાના સ્વરૂપે ઓસાકાનો ઇતિહાસ છુપાવીને બેઠો છે.

હવે તો ઓફિશિયલી આખો કાસલ મ્યુઝિયમમાં જ ફેરવી દેવામાં આવ્યો છે. અમે કાસલ જોવા એવી રીતે પહોંચેલાં કે ડે લાઇટમાં અને રાત્રે પણ જોઈ શકીએ. આમ તો એકવાર હિમેજી કાસલ જોયા પછી પહેલાં તો લાગ્યું કે ઓસાકાના કિલ્લામાં હવે કશું જોવાનું બાકી રહ્યું નહિ હોય. જાપાનીઝ પેલેસ સ્ટાઇલ તો હવે સમજાવા લાગી જ હતી, સાથે ત્યાં કિલ્લાના ભપકા કરતાં ગાર્ડન અને આસપાસનાં ચેરી અને પ્લમનાં વૃક્ષોને વધુ મહત્ત્વ મળતું હોય તેવું લાગતું હતું.

અમે ત્યાં પહોંચ્યાં પછી ઘણો લાંબો સમય સુધી તો કિલ્લો આવ્યો પણ નહીં. અમને પાર્કમાં જ કુદરત જલસો કરાવી રહી હતી. તે સમયે હજી ચેરી બ્લોસમને તો વાર હતી, પણ પ્લમ બ્લોસમની મોસમ આવી ચૂકી હતી. અને ચેરી બ્લોસમ ભલે વધુ લોકપ્રિય હોય, તે વખતે સમજાઈ ગયું હતું કે પ્લમના મોલ ઘેરા ગુલાબી અને જાંબલી વચ્ચેના કોઈ રંગના હતા અને ચેરી બ્લોસમ કરતાં નક્કી વધુ આકર્ષક લાગતા હતા. વળી બરાબર તે પાર્કની બીજી તરફ હતો કિલ્લો.

આ પ્લમ પાર્ક સુધી પહોંચવામાં અને ત્યાં લટાર મારવા માટે તો ટિકિટની જરૂર પણ નથી. ત્યાં ટિકિટ માત્ર કિલ્લાની અંદરનું મ્યુઝિયમ જોવા માટેની છે. આ પ્લમ પાર્કની મજા ત્યાં અનંત વૃક્ષો વચ્ચે રંગોમાં ક્યાંક ઘેરો અને ક્યાંક આછો ગુલાબી પણ દેખાતો હતો, પણ તે ચેરી તો ન હતાં. પછી કિલ્લાની અંદરના ગાઈડ પાસેથી જાણવા મળ્યું કે 1200થી વધુ વૃક્ષો વચ્ચે પ્લમના જ 100થી વધુ પ્રકારો છે.

પ્લમનાં ફૂલો વચ્ચે એક અનોખી ફ્રૂટી સુગંધ પણ હતી. જાપાનમાં બીજી કોઈ પણ સિઝનમાં મેળ પડે કે નહીં, વસંતમાં તો એક વાર જરૂર ખાસ ફૂલોની એ અનોખી સુવાસ લેવા પણ જવું જ રહ્યું હજી 1974માં જ પ્લાન્ટ કરવામાં આવેલા આ પ્લમ પાર્કને પચાસેક માંડ થયાં છે અને ઓસાકા કાસલમાં સ્પ્રિગમાં ભાગ્યે જ બીજા કોઈ હિસ્સા પર નજર પડતી હતી. અને એટલે જ કદાચ આ કિલ્લો `હાનામી’ માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે.

જાપાનીઝમાં ફૂલોને માણવાની પ્રવૃત્તિને હાનામી કહેવાય છે. હાનામી આમ તો યુરોપમાં પણ કરવા મળી જ જતી હતી, પણ અહીં તો હાનામી સેન્ટ્રલ જેવો માહોલ હતો. બહાર ધાર્યા કરતાં વધુ સમય વિતાવીને આખરે અમે કાસલમાં અંદર ઘૂસ્યાં. માહોલ હિમેજી કરતાં સાવ અલગ જ હતો. ટોક્યો કાસલ તો સંપૂર્ણ ટૂરિસ્ટ વાઈબથી ભરેલો હતો. હિમેજી અંદરથી કોઈ ઐતિહાસિક ફીલથી ભરપૂર હતો.

અહીં તો ઇતિહાસ અને મ્યુઝિયમનું એકદમ માપસરનું મિશ્રણ હતું. તેમાંય પાંચમા માળ પર સ્થાનિક હિસ્ટ્રીનાં છેલ્લાં હજાર વર્ષોના આ કિલ્લા, શહેર અને આખાય રિજન સંબંધિત વીડિયો જોવાની મજા પડી. જાપાનીઝ એનિમેશન અને જાપાનીઝ એક્સેન્ટવાળી અંગ્રેજીમાં કોમેન્ટ્રી સાંભળીને વધુ એક લેયરનો સ્થાનિક લેવર મળી રહૃાો હતો. ત્યાં ધાર્યા કરતાં વધુ સ્થાનિક મુલાકાતીઓ પણ નજરે પડી રહૃાાં હતાં. ગાઇડ પાસેથી જાણવા મળ્યું કે આ સિઝનમાં ખાસ સ્પ્રિગ બ્લૂમ સાથે કિલ્લો જોવા માટે આખા જાપાનથી પણ લોકો આવી પહોંચે છે, પણ છેલ્લાં પાંચેક વર્ષથી ફોરેન ટૂરિસ્ટનો તો જાણે રાફડો જ ફાટ્યો છે.

છઠ્ઠા માળેથી ઓસાકા શહેરનો વ્યૂ પણ દેખાયો. જોકે ઓસાકામાં મોજ ભલે ઘણી હોય, ત્યાંનું પેનોરમા દૃશ્ય ટોક્યોની સામે ઘણું ફિક્કુ લાગતું હતું. કિલ્લાના ઇતિહાસ વિષે બીજી વાતો કરવા સાથે ગાઇડે અત્યંત ગંભીરતાથી કહ્યું કે આ ઓરિજનલ કિલ્લો નથી. પહેલાં તો લાગ્યું કે કદાચ વિશ્વયુદ્ધ સંબંધિત કોઈ નુકસાન થયું હશે, કે પછી વધુ પૌરાણિક નાનકડો કિલ્લો નજીકમાં જ ક્યાંક હશે. એવું કશું ન હતું.

આ જ જગ્યાએ પહેલો કિલ્લો 1580ના દશકમાં બનેલો અને પછી અવારનવાર આગ લાગવાથી તે ઘણી વાર સાવ ભસ્મીભૂત થયો હતો અને તેના સ્થાને સમયાંતરે સમારકામ થતું આવ્યું હતું. તેનું છેલ્લું રિનોવેશન તો છેક 1926માં થયું હતું. ત્યાંના આઠેઆઠ માળ પર મ્યુઝિયમનો કોઈ ને કોઈ હિસ્સો ગોઠવાયેલો હતો. અને તેની ઘેરા લીલા રંગની છત જોઈને આભા થઈ જવાય તેવું હતું.

ઓસાકાનો કિલ્લો દરેક દિશાથી જોવાલાયક લાગતો હતો. કિલ્લાના પાર્કમાં થાક્યા પછી ખબર પડી કે અંદર ફરવા માટે ગોલ્ફ કાર્ટ પણ લેવાનું શક્ય હતું. ત્યાં ઘણી ઊતરચઢ કર્યા પછી ત્યાંનું જાપાનીઝ ટીહાઉસ અને માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ સ્કૂલ પણ જોવા મળ્યાં. આખરે કિલ્લાથી પેટ ભરાયું અને પેટપૂજા યાદ આવી. ત્યાંનો લોકપ્રિય બ્રિજ ક્રોસ કર્યા પછી ખાણીપીણીનો વિસ્તાર આવ્યો. અહીં પોપ કલ્ચર સંબંધિત બીજી દુકાનો પણ હતી જ. ક્યાંક વીડિયો ગેમ્સની દુકાન તો ક્યાંક જૂની કોમિક બુક્સની. જાપાન સાથે સંબંધિત દરેક ક્લિશે તે ગલીઓમાં મોજૂદ હતું.

હાનામી કરવા આવેલાં લોકો જમવા જતાં ત્યારે તેમને એ જ થીમનાં બેન્ટો બોક્સ પણ મળી જતાં. તે બેન્ટો બોક્સ સાથે ફૂલોને માણતાં જાપાનીઝ વાનગીઓ ચાખવા મળે તેનાથી વધુ મજાનું બીજું શું હોઈ શકે. તે સાથે અમને ત્યાં સાકુરા એટલે કે ચેરી બ્લોસમ લેવરની મોચીની મજા પણ લેવા મળી. મોચીનો સ્વાદ ગમવા કરતાં મોચીનો કોન્સેપ્ટ મને વધુ ભાવતો હતો. બાકી જ્યારે પણ મોચી મોઢામાં ગઈ છે તે પછી તેને ચાવ્યા કરવામાં ખાસ મજા આવી ન હતી. તેનાં કરતાં જાપાનની બીજી સ્વીટ્સ વધુ પસંદ પડેલી. હવે જાપાનીઝ સ્વીટ્સ માટે ઘણો ઓછો સમય બાકી હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button