અરાઉન્ડ ધ વર્લ્ડ: કેલિકો કેટ ને ટોક્યોનાં નાટકીય થ્રીડી બિલબોર્ડ્સ…

-પ્રતીક્ષા થાનકી
સેન્સરી ઓવરલોડ કોને કહેવાય તેનો ખરો અનુભવ કરવા માટે જાપાનમાં રાત્રે કોઈ ધમધમતા વિસ્તારમાં આંટો મારવો પડે. આમ તો આપણે ભારતીયો પણ કંઈ વધુપડતા રંગો, અવાજો, ભીડથી અજાણ નથી, પણ ભારતની ભીડ ઓર્ગ્ોનિક છે. ટોક્યોની ભીડ તે દેશના ક્રેઝી ટેસ્ટથી આર્ટિફિશિયલી બનાવવામાં આવી છે. ક્યુટ જાપાનીઝ એનિમેશનથી આજે તો આખી દુનિયા પ્રભાવિત છે જ, પણ જાપાનીઝ ડિજિટલ કલાકારો માત્ર પોતાની ખુશી માટે જ અનોખી કોન્સેપ્ટ આર્ટ બનાવ્યા કરે છે. તેનો એકદમ ઇમર્સિવ અનુભવ અમે ટીમ લેબ્સના એક્ઝિબિશનમાં કરી ચૂક્યાં હતાં, અને કદાચ તેનું જ આખું ભવ્ય સ્વરૂપ શિન્જૂકુ અને શિબૂયા જેવા વિસ્તારોનાં કલાત્મક બિલબોર્ડ પર જોવા મળે છે.
રોડની ભારે ભીડ ચીરીને અમે શિન્જૂકુના એ ખ્યાતનામ ચાર રસ્તે, શિન્જૂકુ સ્ટેશનના ઇસ્ટ એન્ડ પર પહોંચ્યાં ત્યારે તે સાચી જગ્યા જ હતી તે ક્નફર્મ કરવામાં પણ વાર ન લાગી. અમારે માત્ર ભીડ કઈ તરફ કેમેરા તાકીને ઊભી હતી તે જ જોવાનું હતું. ત્યાં શિન્જૂકુની અત્યંત લોકપ્રિય કેલિકો કેટ ગોઠવાયેલી છે. આ બિલાડી ચાર રસ્તે એવી રીતે મૂકવામાં આવી છે કે તેનો બેસ્ટ વ્યુ ક્રોસમાં આવેલા ચોકથી આવે છે. અને લોકોની અવરજવર ભલે ચાલુ હોય, ત્યાંથી પસાર થનારને ગમે તે હાલમાં હોય, તેમને ફોટા પાડનારાં લોકોને તારવવા જ રહૃાાં. મજાની વાત એ છે કે આ કેટ કંઈ માત્ર એક જ પોઝિશનમાં નથી રહેતી. તે દર થોડી થોડી પળે કોઈ ને કોઈ નવાં નાટક કરતી રહે છે. ક્યારેક લેમ્પથી રમે, બારીમાંથી ડોકું કાઢે, સ્ટેશનરી ઢોળે, પાઇપથી ઊતર-ચઢ કરે, એક પળમાં તે બિલાડીને જાણે તમે વર્ષોથી ઓળખતા હોવ તેવી પોતાની લાગવા માંડે. અને છતાંય તેનામાં બિલાડીઓનું એટિટ્યુડ તો ભરપૂર હતું જ.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : ગોરા પાર્ક – મોસ ગાર્ડનથી માંડીને ટી-રૂમ્સનો ફુલ જાપાનીઝ અનુભવ…
જાપાનીઝ કલ્ચરમાં આમ પણ બિલાડીઓનું કંઈ અલગ જ મહત્ત્વ છે. જાપાનના હાલના કદાચ સૌથી લોકપ્રિય સાહિત્યકાર હારુકી મુરાકામીની વાર્તાઓમાં માનવ પાત્રો કરતાં બિલાડીઓને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે છે. મુરાકામીને બાકીની દુનિયાના પ્રમાણમાં કેટ્સ બહુ ગમતી હોય તેવું લાગે. મુરાકામીની વાર્તા કાફકા ઓન ધ શોર'માં મુખ્ય પાત્રને બિલાડીઓની ભાષા બોલવાની અને તેમને સમજવાની શક્તિ મળી જાય છે.
આઇ ક્યુ એટીફોર’ના એક હિસ્સામાં તો એક આખું ગામ જ માત્ર બિલાડીઓનું છે. `ધ વિન્ડ-અપ ક્રોનિકલ્સ’ની વાર્તા એક ખોવાયેલી બિલાડીની આસપાસ આકાર લે છે. મુરાકામીને કેટ્સ ગમે તેટલી વહાલી હોય પણ જાપાનીઝ લોકોના બિલાડી-પ્રેમની સામે તો મુરાકામીનો બિલાડી-પ્રેમ સાવ નોર્મલ લાગે. જોકે જાપાનીઝ કલ્ચર અને સાહિત્યમાં, ત્યાંનાં બિલબોર્ડ્સ પર જે સંખ્યામાં બિલાડીઓ દેખાય છે, તેટલી ક્યાંય રસ્તામાં દેખાઈ ન હતી. તેના પ્રમાણમાં તો બાલ્કન દેશોમાં વધારે બિલાડીઓ છે. ક્રોએશિયા અને સાયપ્રસમાં જ્યાં પણ જાઓ ત્યાં બિલાડી જાણે સાથે આવતી હોય તેવું લાગતું હતું.
આ કેટનો વીડિયો લઈએ, તેના ફોટા પાડીએ, તેની સાથે ફોટા પાડીએ, લોકો તેના ફોટા પાડતા હોય એવા ફોટા પાડીએ, જે પણ કરો ત્યાં એ દૃશ્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે તે અનુભૂતિ સ્વીકાર્યે જ છૂટકો. બિલબોર્ડ્સ તો ઘણાં શહેરોમાં હોય છે, પણ જાપાનને તેનાં બિલબોર્ડ્સ ગમતાં હોય તેવું લાગે છે. આ બોર્ડ એ પ્રકારના કર્વવાળાં એલઈડી પર બનાવવામાં આવ્યું છે કે તે બિલાડી ખરેખર બિલ્ડિંગમાંથી ઝાંકી રહી હોય અને એ કદમાં પણ સાચી હોય તેવું લાગતું હતું. આ બિલાડી સવારના સાત વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી એક્ટિવ હોય છે. જાપાનીઝ લોકો આ કેલિકો કેટ્સને અત્યંત લકી માને છે. આ કાબરચીતરી બિલાડી કાપડ જેવી લાગતી હોવાથી તેનું નામ કેલિકો પડ્યું છે. કેલિકો મિલના શહેર અમદાવાદમાં ઊછરેલા માણસને એટલી જિજ્ઞાસા તો જરૂર થાય કે આ નામ આવ્યું ક્યાંથી.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: ઓવાકુડાની – હાકોનેમાં ઊકળતી ખીણ…
ટોક્યોમાં હજી બીજાં ઘણાં બિલબોર્ડ ચર્ચામાં રહે છે. બધાં બિલાડીનાં નથી. કેટલાંક પાન્ડા, પક્ષીઓ, કૂતરાંઓ, દરેક પ્રકારનાં પ્રાણીઓને કવર કરી લેવામાં આવતાં હોય તેવું લાગતું હતું. સાથે ગોડઝિલા જેવાં દંતકથાનાં પ્રાણીઓ પણ આવી જાય. જોકે ગોડઝિલાનું સ્ટેચ્યુ ધાર્યાં કરતાં ઘણું નાનકડું અને જરાય પ્રભાવિત ન કરી શકે તેવું નીકળ્યું. તેના ફોટા જોઈને તો લાગતું હતું કે જાણે ઘણું નોંધપાત્ર હશે. જોકે ગોડઝિલા ખુદ એવો મહાકાય હોવાની વાત છે કે તેનું આ સાવ ટચૂકડું શિલ્પ, આટલું નાનું શા માટે છે તે બાબત જોનારાઓને વધુ ચર્ચા કરવાના વિષય આપતી હોય તેવું લાગતું હતું.
અમે તે દિવસ આખો હાકોનેમાં વિતાવીને રાત્રે અહીં સ્ટેશનથી સીધાં આવ્યાં હતાં. એ કેટ પણ અમને જોઈને બગાસાં ખાઈ રહી હતી. અમને કેટ્સ દૂરથી જોવી ગમે છે. જર્મનીમાં વાઇનહાઇમમાં ઘરે આસપાસનાં ઘરોની બિલાડીઓ ઘણીવાર અમારી સાથે દોસ્તી કરવાની ટ્રાય કરતી હોય તેવું લાગતું હોય છે, પણ અમે તેમને ખાસ ભાવ નથી આપતાં. પણ અહીં હજારો યુરો ખર્ચીને આવેલાં અને ત્યાંનાં કલ્ચરને બિલાડીઓ ખૂબ ગમતી હોય તો જોવી તો પડે ને. બરાબર આ શિન્જૂકુની બિલાડીના જ ફોરમેટમાં બનાવેલું શિબૂયા વિસ્તારનું પાન્ડા જોવા પણ લાઈનો લાગે છે. જોકે તે બિલાડી જેટલું લોકપ્રિય નથી અને ક્યારેક તેને શોધવાનું પણ મુશ્કેલ બની જાય છે. જોકે તેમાં પાન્ડાનો કોઈ વાંક નથી. એ તો એકદમ મજાનું છે
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : વાદળોથી ફુજીને છુપાવીને બેઠેલો લેક આશી…
ઇકેબુકુરો વિસ્તારમાં જરા વધુપડતું એટિટ્યુડ બતાવતું આઉલ છે. ઘુવડ આમ તો પોપ કલ્ચરમાં અત્યંત લોકપ્રિય છે, પણ મેશ નામે આ આઉલ જરા ઇન્ટેન્સ છે. હવે ટોક્યો આ વાતને વધુ એક સ્ટેપ આગળ ન લઈ જાય તેવું કઈ રીતે ન બને. ત્યાં નજીકમાં જ આઉલ કાફે પણ છે, ત્યાં ઘણાં રિયલ ઘુવડ આંટા મારતાં હોય છે. એટલું જ નહીં તેમાંનું એક તો એકદમ હેરી પોટરના હેડવીગ જેવું લાગતું હતું. જાપાનનો થ્રીડી પ્રેમ અને પ્રાણી-પ્રેમ અહીં ઓલમોસ્ટ દરેક ખૂણે ઝલકતો હોય તેવું લાગતું હતું. જાપાનને તેમની મનપસંદ ચીજોને વધુ મનોરંજક બનાવતાં આવડે છે.