અરાઉન્ડ ધ વર્લ્ડઃ ટોક્યો ઇમ્પિરિયલ પેલેસની ખરી રોયલ્ટી તો છે ત્યાંનાં ફૂલો…

પ્રતીક્ષા થાનકી
એડો કાસલ પર ગાઇડેડ ટૂરનો હજી માંડ અંત આવ્યો હતો ત્યાં લાગ્યું કે કાસલનાં ગ્રાઉન્ડ્સ પર જ્યાં પણ જવાની છૂટ હોય ત્યાં થોડું તો જાતે ફરીને માહોલની મજા લેવી જ જોઈએ. આમ ડાહૃાા ટૂરિસ્ટની જેમ ચૂપચાપ નીકળી જવાનો તો અમને વિચાર પણ ન આવ્યો. એનો અર્થ એ નહીં કે અમને ત્યાં ઘૂસીને ફૂલો કે નિયમો તોડવામાં રસ હતો. બસ, મન થાય તે દિશામાં ફૂલોની પાછળ ફરવું હતું. ઘણાં જાપાનીઝ ટૂરિસ્ટ તો જે લાઈનમાં આવ્યાં એ જ લાઈનમાં ગાઈડની વાતો પૂરી થયા પછી દરવાજા તરફ ચાલ્યાં.
જોકે ગાઈડના છેલ્લાં શબ્દો હતા કે સાંજે પાંચ વાગ્યા સુધી અમે અહીં ઓપન દરેક ખૂણામાં જઈ શકીએ તેમ હતા, અને રીસ્ટ્રિક્ટેડ વિસ્તારોમાં અમને આમ પણ રસ ન હતો. આ કિલ્લામાં રોયલ્ટી રહે છે તેના વિષે તો અમે ઘણું જાણી ચૂકેલાં, પણ અહીંની ખરી રોયલ્ટી તો અહીંનાં ફૂલો છે, જે પોતાની મરજીથી સિઝન પ્રમાણે આવે અને જાય છે. અને સ્વાભાવિક છે, કયા સમયે કયાં ફૂલો અહીં જમાવટ કરે છે તેની પહેલેથી જાણ હોય તો તેની અલગ મજા લઈ શકાય તેમ છે.
આમ તો કાસલના એડમિન્સ પાસે પણ ત્યાં દર મહિને કયાં ખાસ ફૂલો ઊગે છે તેનું કેટલોગ પણ ઉપલબ્ધ છે. હવે અમે એટલાં પણ આયોજનથી નહોતાં આવેલાં કે માત્ર ફૂલો માટે જ અહીં આવીએ. તેના માટે તો હજી અમારે ક્યોટો જવાનું હતું. હવે સકૂરા માટે ક્યોટો કે ટુલિસ્પ માટે કોયકનહોફ જવાનો પ્લાન તો દરેક ટૂરિસ્ટ કરે જ છે.
અમે થોડાં પોસ્ટકાર્ડ પર જોયું હતું કે અહીં અમુક ગાર્ડનના ખૂણા તો આખાય સ્પ્રિગ બ્લૂમથી ઢંકાઈ જાય છે. અમે તેની જ શોધમાં નીકળેલાં. ઇસ્ટ ગાર્ડનમાં હોનમા ઇન્સની બાજુમાં જ ચેરી બ્લોસમ્સનો મેળો જામે છે. અમે ત્યાંથી શરૂઆત કરી. હવે આ હોનમા પેલેસમાં તો આજે કાસલના એડમિન્સની ઓફિસ છે. આવી ઐતિહાસિક અને કુદરતી રીતે સુંદર સ્થળે કામ કરવા મળે તેની પણ શું મજા હશે.
હોનમાથી આગળ નીનોમા ગાર્ડન્સમાં વધુ ફૂલો હતાં. બધે ટોપિયેરી, મેનિક્યોર કરેલી લૉન, અલગ અલગ શેપ્સનાં બૂશ જોઈને લાગવા માંડેલું કે અહીં અમે કોઈ આર્ટ ગેલેરીમાં જ ફરી રહૃાાં હતાં. બસ અહીં કેનવાસને બદલે વૃક્ષો અને ઘાસને શેપ્સ આપવામાં આવેલા. વળી આ કંઇ એક જ ગાર્ડનની વાત ન હતી. અહીં તો કલાકો ખોવાઈ જવાય તેમ હતું. થોડી વાર માટે એમ પણ થયું કે ટોક્યોમાં કોઈ લાઈફટાઇમમાં લાંબો સમય રહેવા મળે તો અવારનવાર આ ગાર્ડન્સમાં આવીને કુદરત અને માણસના સર્જનને એકસાથે માણી શકાય.
કાસલની ફરતે બનાવવામાં આવેલા જોગિંગ ટે્રક પર લટાર મારવા માટે આવવાનું તો ગમે ત્યારે થઈ શકે. બસ અફસોસની વાત એ હતી કે અહીં હવે ટોક્યોમાં થોડા કલાકો જ બાકી હતા. આગળના પ્રવાસ માટે આતુરતા તો હતી જ, પણ ત્યાં અહીં ફરી આવીશું તો ક્યાં વધુ સમય વિતાવીશું અને કઈ પ્રવૃત્તિ કરીશું તેનું લિસ્ટ પણ લાંબું જ થતું જતું હતું. નિનોમા પર એક નાનકડું તળાવ પણ છે અને વૃક્ષો અને ફૂલોના અલગ અલગ ખૂણેથી તેના પાણીમાં પડતા પડછાયા પણ સમય માગતા હતા.
મેગ્નોલિયા, અઝિલિયા અને રોઝની પણ અહીંના ગાર્ડનમાં આગવી જગ્યા છે. રોઝ ગાર્ડનમાં બાન્ક્સિયા અને ચાઇના રોઝનો ભપકો તો છે જ. ક્યાંક બ્લુ આઇરીસ પણ દેખાઈ ગઈ હતી. તે સમયે અમને શિન્જૂકુ ગ્યોએન નેશનલ ગાર્ડન જોવા મળવાનું ન હતું. ત્યાં એક હજારથી પણ વધુ ચેરી ટ્રીઝ છે, પણ મોટાભાગનાં ડેકોરેટિવ જ છે. હવે ત્યાં અમને થોડાં અર્લી બ્લૂમિંગ ફૂલો તો જોવા મળી જ ગયાં હતાં.
ઉએનો પાર્કથી જ તો અમે આ ટ્રિપની શરૂઆત કરી હતી. હવે રિકુજીએન ગાર્ડન જવાનું રહી ગયું. ત્યાં રાત્રે સ્પ્રિગમાં એવો લાઇટ શો થાય છે કે જાણે ફૂલોનો વોટરફોલ થતો હોય. ખરેખર શહેરને ગમે ત્યાંથી કુદરત અને માણસો સજાવવાનો પ્રયત્ન કર્યા વિના પણ ત્યાંનાં એસ્થેટિકને વધુ આકર્ષક બનાવતાં જતાં હતાં.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : કાચી કાચી યામા: ફુજીની તળેટીમાં સફરજન ને લોકવાયકાઓની મજા…
આ શહેર જ જાણે ઇન્સ્ટાગ્રામ અને પિન્ટરેસ્ટ માટે બન્યું હોય તેવું લાગતું હતું. શરૂઆતમાં સોશ્યલ મીડિયા રેકમેન્ડેશનને ધ્યાનમાં રાખીને સ્થળો અને ખાણી-પીણીને અનુભવવા નીકળ્યાં હતાં, પણ એકવાર શહેર સાથે પોતાની વાઇબ મળવા લાગી પછી અમે રફ પ્લાન તો બુકિગ માટે જાળવેલો, પણ બાકી મજાથી શહેર જે બતાવતું હતું તે મજાથી અનુભવ્યે જતાં હતાં. અને તે થોડા કલાકોમાં તો માત્ર ફૂલો જ મળી રહૃાાં હતાં.
ફૂલોને ગટરનાં ઢાંકણાં પર પણ કોતરીને અલગ આર્ટ આખા શહેરમાં ફેલાવી રાખી હતી. અહીં ફૂલોનું એટલું મહત્ત્વ છે કે ફૂલો જોવા માટે નીકળવાની પ્રવૃત્તિને અલગ નામ આપી રાખેલું છે. અમે તે દિવસે છેલ્લાં થોડા કલાકોમાં જે કર્યું તેને `હનામી’ કહેવાય. કોને ખબર હતી કે ફૂલો જોવાની રખ્ખડપટ્ટીને ટોક્યોમાં થયેલી હનામી કહીને યાદ કરવાનું હતું. આ હનામીમાં છેલ્લું સ્ટોપ હતું આશિકાગા લાવર પાર્ક.
વિસ્ટિરિયાનાં પર્પલ ફૂલો જોઈને તો સીધી બ્રિજરટન સિરીઝ જ યાદ આવી ગઈ. જોકે સાથે વાઈનહાઇમનું હરમાન્સ હોફ પણ યાદ તો આવ્યું જ. બસ ત્યાં જાપાન જેટલો ભપકો ન હતો. જર્મનીનાં ગાર્ડન પ્રમાણમાં જરા વિનમ્ર લાગતાં હતાં. જાપાનનાં લોકો ભલે વિનમ્ર હોય, ત્યાં દરેક સાઇટ ભવ્ય હતી, પછી તે માત્ર એક ગાર્ડન ભલે ને હોય. તે બપોરે અમે પોતાની જાતને ખેંચીને ટોક્યો સેન્ટ્રલ તરફનો રસ્તો પકડ્યો.
પહેલાં તો રોપોન્ગીની હોટલ જવું પડ્યું. ત્યાંના સ્ટાફ સાથે જરા મજાથી બોન્ડિગ કર્યું. હવે સામાન લઈને બીઝી ટે્રનમાં જવાને બદલે ફરી પાછી ટેક્સી લીધી. ફરી પાછી સ્થાનિક એડ્સ જોતાં જોતાં ક્યારે સ્ટેશન આવી ગયું ખબર પણ ન પડી. હજી અહીંનાં સ્ટેશનોની વિગતે વાત કરવાની બાકી છે, પણ તે સમયે તો અમે બૂલેટ ટ્રેનના અનુભવ માટે સજ્જ હતાં.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : જિન્ઝામાં શીખવા મળી ક્નિત્સુગી, તૂટેલી ચીજોને જોડવાની કલા…