સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ધ કૅબિન ઓફ સેઇલ્સ - ચીન | મુંબઈ સમાચાર
વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ધ કૅબિન ઓફ સેઇલ્સ – ચીન

હેમંત વાળા

સ્થાપત્યમાં ઘણી વાર, કેમ શું કરવામાં આવે છે, તે સમજમાં નથી આવતું. સ્થાપત્યની રચનામાં જો ઉપયોગિતા કેન્દ્રસ્થાને હોય, ભાવનાત્મક અભિવ્યક્તિનું મહત્ત્વ હોય, પરંપરાગત મૂલ્યોની પુન: સ્થાપના થતી હોય, નવી સામગ્રી તેમ જ તક્નીકને લઈને રચનાત્મક પ્રયોગ થયો હોય, સ્થાનિક નિયમોને બાધિત રહીને કોઈ રસપ્રદ ઉકેલ શોધાયો હોય, પર્યાવરણનાં ચોક્કસ પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતા વ્યક્ત થતી હોય, વર્તમાન તેમ જ ભવિષ્યની સંભાવના પ્રત્યે યથાર્થ સભાનતા જાળવી તે દિશામાં ડગલાં ભરાયા હોય, તો સમજી શકાય.

પણ આમાનું કશું જ ન હોય અને છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતાને સાકાર કરવા જ્યારે સ્થાપત્યની રચના થાય ત્યારે તેનાં વિશે પ્રશ્નો તો ઉઠાવવાં જ જોઈએ.

ચીનના બહુ કુખ્યાત વુહાન શહેરની નજીકના સ્થાને સ્થાપત્ય સંસ્થા `એડવાન્સ્ડ આર્કિટેક્ચર લેબ અને વિકિ વર્લ્ડ’ દ્વારા હોડીના સઢ જેવાં જણાતાં-દેખાતી કૅબિનો બનાવાઈ છે. તેનું નામ જ ધ કૅબિન ઓફ સેઇલ્સ રખાયું છે.

લગભગ 80 ચોરસ મીટર જેટલાં વિસ્તારની આ કૅબિન વર્ષ 2024માં કોરોના પછીના સમયે તૈયાર કરાઇ હતી. આ એક ટાપુ પર કરાયેલ બાંધકામ છે, જેને કારણે આમ પણ તે સમાજથી એક અંતરે છે. અહીં આજુબાજુ અન્ય કોઈ વસવાટ હોય તેમ જણાતું નથી. તેવી પરિસ્થિતિમાં જૂજ સંખ્યામાં આ કૅબિન બનાવાઇ છે.

હાલમાં તો તેની સંખ્યા બહુ સીમિત છે પરંતુ સમગ્ર સુચિત પ્રોજેક્ટ મોટો છે. યોજના પ્રમાણે અહીં શ્રેણીબંધ કૅબિન બનાવાશે જ્યાં, સ્થપતિના મંતવ્ય પ્રમાણે, વ્યક્તિ કુદરત સાથે સરળતાથી જોડાઈ શકશે. તેમનાં અભિપ્રાય પ્રમાણે કુદરતમાં પરત ફરવાની આ પ્રક્રિયા છે. આ દાવો માની શકાય તેવો નથી.

આ કૅબીનની આંતરિક પહોળાઈ બે મીટર જેટલી જ છે, જેમાં એક ડબલ બેડ મૂકવામાં આવે તો જોડેથી આવવા જવાની જગ્યા પણ ન રહે. તેથી જ પથારી કૅબિનના છેડે ઉપરના માળિયા જેવાં સ્થાને ગોઠવવામાં આવી છે. ત્યાં પહોંચવા માટે લાકડાનો એટલો અનુકૂળ ન કહી શકાય તેવો આશરે 80 સેન્ટીમીટર જેટલો પહોળો દાદર છે. નીચેના સ્તરે છેડા પર ટોઈલેટ રખાયું છે. તે સિવાયનો વિસ્તાર મલ્ટિ પર્પઝ-બહુ ઉપયોગી હશે તેમ જણાય છે.

આ રચનાના ઉપરના ભાગને ત્રિકોણ આકાર અપાયો છે જેનાથી સઢનો ખ્યાલ આવી શકે. અગાઉ જણાવ્યું તેમ આ લંબચોરસ સ્થાનના એક છેડે ટોઈલેટ છે અને તેમની સામેનાં છેડાં પર કાચની બારી છે. જે બે સમાંતર લાંબી દીવાલો છે તેમાંની એકમાં જ માત્ર ત્રણ બારીઓ છે અને તે પણ જુદા જુદા સ્તરે, જેને કારણે તે બારીઓમાંથી બહારની પરિસ્થિતિ સાથેનો દૃશ્ય સંપર્ક મર્યાદિત રહે છે.

આ સમગ્ર રચના જમીનથી બે મીટર જેટલી ઊંચી કરાઈ છે જેથી નીચે વરંડા જેવું સ્થાન મળી શકે. સમગ્ર કૅબિનમાં આ એક જ સ્થાન એવું છે જે ચારે બાજુ કુદરતી પરિસ્થિતિ સાથે સંકળાયેલું રહે છે. તમે ઉપર કૅબિનમાં જાઓ એટલે તો જાણે કે બંધિયાર થઈ જાવ છો.

આ કૅબિનના મુખ્ય સ્તરે પહોંચવા માટે એક બ્રિજ જેવી રચના કરવામાં આવી છે. અહીં દરેક કૅબિનનું પોતાનું અલાયદું, કુદરતી પાણીના સ્ત્રોત સાથે જોડાયેલું `ડેક’ આપવામાં આવેલું છે. આ કૅબિનમાં આવવા માટેનું આ એક મુખ્ય આકર્ષણ છે એમ કહી શકાય. એમ લાગે છે કે અહીં આવવા માટે હોડીનો ઉપયોગ આવશ્યક હશે અને તે વખતે આ વ્યક્તિગત ડેક પાર્કિંગ સ્થાન બનતું હશે.

આ પ્રકારની અલાયદી વ્યવસ્થાને કારણે અહીં રહેનાર વ્યક્તિ પણ પરસ્પર એકબીજા સાથે સંકળાય શકે તેની સંભાવના નથી. આને એક સારી બાબત કહી શકાય, કારણ કે અહીં આમ પણ વ્યક્તિ સમાજથી `દૂર’ થવાં જ આવતો હોય.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા

આ એક આત્યંતિક રહેણાંક પ્રયોગ છે, જેમાં અનુકૂળતા કરતાં આત્યંતિકતાને વધુ મહત્ત્વ અપાયું હોય તેમ લાગે છે. અહીં સગવડતા કરતા અયોગ્ય સંકડાશને પ્રાધાન્ય અપાયું છે. વળી બે સમાંતર લાંબી દીવાલોને કારણે આ સંકડાશ વધુ પ્રખરતાથી પ્રતીત થતી હશે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એમ કહી શકાય કે આ એક કોટડી' સમાન કૅબિન છે. રોજિંદા જીવન અને રોજિંદા જીવનની પ્રવર્તમાન પરિસ્થિતિથી વિમુખ થવાનો આજલદ’ પ્રયત્ન છે.

સ્મોલ શબ્દને જાણે અહીં ક્રૂરતાપૂર્વક અન્ય પર લાદવામાં આવ્યો છે. એક અભિપ્રાય પ્રમાણે, સામાન્ય સંજોગોમાં આ પ્રકારની રજા માટે બનાવવામાં આવેલ કૅબિનના માપ માટેની જે દૃઢ માન્યતા છે તેમાંથી છુટકારો મેળવવાનો આ પ્રયાસ છે. મજાની વાત એ છે કે આ પ્રયાસ સ્વયમ જાણે જડતાપૂર્વક દ્રઢ બની જાય છે.

બાંધકામની તક્નીકની દ્રષ્ટિએ કહીએ તો આ બધી કૅબિન લાકડાની રચના હોય તે પ્રમાણેનો ખ્યાલ આપી શકે તેમ છે. આમ તો આ રચના પ્રી-ફેબ્રિકેટેડ એસેમ્બલી સમાન છે, જેમાં, સ્થપતિનાં અભિપ્રાય પ્રમાણે પરંપરાગત સ્થાપત્ય શૈલીને મહત્ત્વ અપાયું છે. આ દાવો સ્વીકારી શકાય તેવો નથી. પ્રી-ફેબ્રિકેટેડ એસેમ્બલીને કારણે સ્વાભાવિક છે કે આ પ્રકારની રચના મહદ અંશે ટકાઉ અને મજબૂત હોય.

આજુબાજુની કુદરતી પરિસ્થિતિ પણ વિચારતી હશે કે અહીંયા આ શું આવી ગયું. બિનજરૂરી સંકડાશ, કુદરતી પરિસ્થિતિમાં હોવાં છતાં મર્યાદિત દૃશ્ય-સંપર્ક, સ્થાપિત થતો દ્રઢ અલગાવનો ભાવ, તીવ્ર આકાર, બિનજરૂરી ઊંચાઈ તથા આત્મીયતા સ્થાપિત કરી શકે તેવી પરિસ્થિતિનો અભાવ-આ બધી બાબતો આ કૅબિનની રચના બાબતે પ્રશ્નો ઊભા કરી શકે. `અતિ સર્વત્ર વર્જયેત’ વાત અહીં સાર્થક થાય છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button