વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ બહાર સીધું-અંદર ખૂણા: ટોક્યોનું સામૂહિક આવાસ

હેમંત વાળા

માનવી તેમ જ મકાન-જેવાં અંદર હોય તેવાં જ બહાર વર્તાય તે ઇચ્છનીય ગણાતું હોય છે. આપણે ત્યાં તો કહેવત છે કે `હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા’. હાથી માટે આ બરાબર છે, પરંતુ શું સ્થાપત્યમાં અને તેમાં પણ ખાસ કરીને આવાસમાં, આ પ્રકારની પરિસ્થિતિ ઇચ્છનીય ગણાય. ખબર નથી પડતી કે એવાં ક્યાં સંજોગો ઊભાં થયાં હશે કે જેનાથી અહીં અંદરના ઓરડાઓ વિચિત્ર આકારના, ખાંચાખૂંચી વાળા બનાવવાં પડ્યા.

જાપાનીઝ સ્થાપતિ અકિહિસા હીરાતા દ્વારા નિર્મિત આ આવાસ સાંપ્રત સમયમાં સમાજની પસંદગી માટે કેટલાક પ્રશ્નો ઊભાં કરે છે. સાંપ્રત સમયમાં એમ જણાય છે કે સમાજ માત્ર જુદા પડવા માટે જુદા પડવાનો આગ્રહ રાખી શકે. લોકોની નજરે ચડવા કે લોકોની જીભે ચડવા એ બધી વાતો પણ સ્વીકારી લેવામાં આવે કે જે લોકોને સાર્થક નહીં પણ ચટપટી લાગે. ઘણીવાર તો જે સ્વીકૃત છે, જે સાબિત થઈ ચૂક્યું છે, જે માન્ય છે, જે પરિણામ આપે છે તેનું પણ વિસ્થાપન કરવું એ એક ફેશન થઈ ગઈ છે.

બધાં કરે છે એટલે આમ કરવું કે બધાં કરે છે એટલે આમ ન કરવું – એ બંને પ્રકારની માનસિકતા કેટલી હદે ઇચ્છનીય હોઈ શકે તે પ્રશ્ન છે. ક્યારેક તો એમ જણાય છે કે જ્યારે ચોક્કસ પ્રકારની યથાર્થ સર્જનાત્મક ક્ષમતા કે સંવેદનશીલતા ન હોય ત્યારે પોતાનું વિશેષ પ્રકારનું અને આગવું સર્જનાત્મક સામર્થ્ય બતાવવા માટે જાતે જ અમુક પ્રકારનાં પડકાર ઊભાં કરવામાં આવતાં હશે.

ઇતિહાસ સાક્ષી છે, દરેક સંસ્કૃતિમાં એ વાત સ્વીકૃત છે કે, આવાસ એ હાશની અનુભૂતિ કરાવી શકે તેવી રચના હોવી જોઈએ. માનવ માત્ર આ પ્રકારના રહેણાકની અપેક્ષા પણ રાખે અને યાચના પણ કરે. માનવી દુનિયાથી થાકીને આવાસમાં પરત ફરે. અહીં તેને શાંતિ મળે તેવી પરિસ્થિતિ હોવી જોઈએ.

એમ કહેવાય છે કે આવાસમાં વ્યક્તિને શાંતિ મળે તે માટે આવાસની રચનામાં સાદગી, સરળતા, સ્પષ્ટતા, સુંદરતા તેમ જ ઇચ્છિત સગવડતાઓ હોવી જોઈએ. આ બધી જરૂરિયાત જે તે વ્યક્તિની ક્ષમતા અને પરિસ્થિતિની સંભાવના પર આધાર રાખે. આની સામે જ્યારે આવાસ ની રચનામાં બિનજરૂરી જટિલતા, અસ્પષ્ટતા કે હંગામી સુંદરતાનો ભાવ ઊભો કરવામાં આવે ત્યારે આવાસના મૂળભૂત હેતુ સામે પ્રશ્ન ઊભો થયો હોય તેમ લાગે. આવા પ્રશ્નો ઊભા કરાવવા પણ જોઈએ અને તેનો જવાબ મળે તે માટે સામાજિક દબાણ ઊભું કરવું પડે.

મકાનની અંદર આવનજાવનના માર્ગ તથા ઓરડાઓમાં પ્રયોજાયેલ અનિયમિત આકારો, વોરોનોઈ આકૃતિઓ જેવાં ધડમૂળથી જુદાં અલગ અલગ પ્રકારનાં ફ્લોર પ્લાન, તેનાથી દરેક માળને મળતી આગવી પણ વિચિત્ર ઓળખ તથા વિશેષતા, એકબીજા સાથે પરસ્પર ગોઠવાઈ જતાં ખૂણા, સમૂહતામાં સ્થાપિત થતો વ્યવસ્થિત ભૌમિતિક લંબચોરસ આકાર, નીચેના જમીનના સ્તરે ખુલ્લી જગ્યાઓની રસપ્રદ વહેંચણી, આ સ્થાને એક દરેક સ્થાનોને સાંકળી લેતો દાદર, બહારની પરિસ્થિતિ સાથેનું પૂર્વ નિર્ધારીત જોડાણ, વિવિધ પ્રકારના પણ રહેણાકીય કહી શકાય તેવા પ્રમાણમાપ જેવી બાબતો આ સમૂહ આ વાતની ખાસિયત ગણાય છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.

અહીં દરેક જગ્યાએ કદ, સ્થિતિ, આકાર અને પરસ્પરના સંબંધમાં અનન્યતા છે અને આ અનન્યતાને કારણે જ એપાર્ટમેન્ટનું પાત્રપણું-કન્ટેનરનેસ વ્યાખ્યાયિત થાય છે.

મજાની વાત એ છે કે આ મકાનમાં જ્યાં ત્યાં દેખાતાં ખૂણાઓને નજરઅંદાજ કરવામાં આવે અથવા જો તેનું સરળીકરણ કરવામાં આવે, તો કદાચ કોઈપણ મંચ પર, કોઈપણ માધ્યમમાં તેની ચર્ચા ન થઈ હોત. એવા સંજોગોમાં આ સામૂહિક આવાસ અર્થાત્‌‍ એપાર્ટમેન્ટ પરંપરાગત કહી શકાય તેવી રચના જ બની રહે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો ત્રણ માળના આ મકાનના સ્થાપત્ય માટે ગૂંચવાયેલું, અસ્પષ્ટ, અનિયમિત, પાસાદાર જેવાં શીર્ષક આપી શકાય.

એક પરી-કલ્પના તરીકે જો દરેક માળને એક નાના શહેર તરીકે સમજવામાં આવે તો આ રચના એક જુદા જ પ્રકારની છબી પ્રસ્તુત કરે. તેવાં સંજોગોમાં અહીં દરેક સ્થાનને વિશિષ્ટ મહત્ત્વ મળે, ખાસ કનેક્ટિવિટી મળે, ચોક્કસ પ્રકારની ઓળખ મળે અને આજુબાજુની પરિસ્થિતિ માટે વિશેષ સંલગ્નતા સ્થાપિત થાય. આવી પરિસ્થિતિ, સામાન્ય રીતે, શહેરના જુદા જુદા વિસ્તાર વચ્ચે જોવા મળે.

આ રચનામાં કદાચ આવો પ્રયત્ન પણ થયો હોય. પરંતુ પ્રશ્ન એ છે કે આવાસમાં શું આ બધું જરૂરી છે. શહેરને શહેર તરીકે લેવું જોઈએ અને આવાસને આવાસ તરીકે. પ્રત્યેક મકાન કે આવાસ એક પાંદડું છે, ડાળીઓ રસ્તા છે અને શહેર એ વૃક્ષ છે. પાંદડાને પાંદડા તરીકે જ લેવાવું જોઈએ, ડાળીને ડાળી જ રહેવા દેવી જોઈએ અને વૃક્ષ તો વૃક્ષ છે જ.

સમજવાની વાત એ છે કે સ્થાપત્ય એ ગંભીર વિષય છે. અહીં વ્યક્તિગત ઘેલછા, માન્યતાને વધુ પડતું મહત્ત્વ મળે તે ઇચ્છનીય નથી. છતાં પણ આ એપાર્ટમેન્ટ, આ સમૂહ-આવાસ સ્વીકારી લેવું જોઈએ. આ તેમની વ્યક્તિગત બાબત થઈ. કદાચ સ્થપતિ અને ગ્રાહકની ઈચ્છા એકબીજા સાથે મેળ ખાતી હોય અને તેને કારણે આ પ્રકારની રચના અસ્તિત્વમાં આવી હોય તો પછી આ વાતને તેમની વ્યક્તિગત વાત તરીકે જ રહેવા દેવી જોઈએ, તેના જાહેર મંચ પર ગુણગાન ગાવા કેટલું ઇચ્છનીય છે તે માટે વ્યક્તિએ જાતે નિર્ણય કરી લેવાનો.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : સાંકડા આવાસની હકીકત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button