સ્થાપત્યનું વાઈ-ફાઈઃ લુવ્ર મ્યુઝિયમ- અબુધાબી | મુંબઈ સમાચાર
વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ લુવ્ર મ્યુઝિયમ- અબુધાબી

હેમંત વાળા

ફ્રાન્સ અને અબુધાબી વચ્ચેના સહયોગસમું આ મ્યુઝિયમ દરિયાની વચમાં કરાયેલી એક આગવી રચના છે. ત્રેવીસ કાયમી કળાની પ્રદર્શની માટેની ગેલેરી, એક બાળકોનું અલાયદું મ્યુઝિયમ, એક પ્રેક્ષકગૃહ, એક વિશાળ સ્વાગત કક્ષ, એક સંશોધન કેન્દ્ર અને સાથે અલ્પાહાર ગૃહ, આ બધું જ જાણે જુદા જુદા જણાતાં કૃત્રિમ ટાપુઓમાં સમાન મ્યુઝિયમોમાં સમાવાયાં છે.

આ બધાં જ ટાપુઓને પછી એક વિશાળ ગુંબજથી એક સાથે જોડી આ રચના સ્થપતિ એટેલિયર્સ જીન નુવેલ દ્વારા નિર્ધારિત કરાઇ છે. આશરે 97000 ચોરસ મીટર વિસ્તારની વર્ષ 2017માં તૈયાર થયેલી આ રચનાને સ્થાપત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આ મ્યુઝિયમનો ગુંબજ મ્યુઝિયમનું સૌથી મહત્ત્વનું અંગ છે. અહીંની પરંપરાગત ભૂમિતિ પરથી પ્રેરણા લઈ નિર્ધારિત કરાયેલ, અવ્યવસ્થિત છિદ્રની ગૂંથણી સમાન 180 મીટર વ્યાસવાળો આ ગુંબજ, મ્યુઝિયમની એક નવાં જ પ્રકારની અનુભૂતિ કરાવે છે. અહીં એન્જિનિયરિગ નિર્ણયને કળાત્મકતા અપાઇ છે.

આશરે 40 મીટરની મહત્તમ ઊંચાઈવાળો આ ગુંબજ ચાર થાંભલા પર ટેકવાયો છે, જે થાંભલા મ્યુઝિયમ તેમજ દીવાલોની ઢાંકી દેવાયાં હોવાથી આ સમગ્ર ગુંબજ પાણી પર તરતો હોય તેમ જણાય છે. બહુસ્તરીય આ ગુંબજમાંથી ચળાઈને આવતો કુદરતી પ્રકાશ અને તેનાંથી સ્થાપિત થતી આકસ્મિક પેટર્ન મ્યુઝિયમની અનુભૂતિને વધુ રસપ્રદ બનાવે છે.

આ ગુંબજની એક વધુ ખાસિયત એ છે કે તેનું વજન 7500 ટન જેટલું હોવા છતાં પણ તે હલકોફુલકો લાગે છે. વાસ્તવમાં આ ગુંબજ તક્નિકી બાબતો અને સ્થાપત્યકીય નિર્ણયના અદ્ભુત સમન્વય સમાન છે. આ ગુંબજ દ્વારા જે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરાયો છે તે હકીકતમાં સફળતાપૂર્વક સ્થાપિત થયું છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ખેતરમાં આવેલો લાંબો ઘનાકાર સાયપ્રસનો આવાસ

આ ગુંબજનો વિસ્તાર મોટો હોવાથી અને તેના પ્રમાણમાં તેની ઊંચાઈ ઓછી હોવાથી ગુંબજ પાણીની સાથે વધુ સંકળાયેલો જણાય છે. અહીં ઈસ્લામી સ્થાપત્યના મુખ્ય પ્રતીક સમાન ગુંબજ પરંપરાથી સ્પષ્ટ પરિવર્તન સાથે એક આધુનિક પ્રસ્તાવ સમાન આલેખાયો છે. વળી આ ગુંબજ સમગ્ર રચનાને જાણે કે એક છત્ર નીચે આવરી લે છે.

મ્યુઝિયમના આંતરિક વિસ્તારનું નાનાં નાનાં ભાગમાં થયેલાં વિભાજનથી દરેક સ્થાનને મળતી આગવી ઓળખ, કોંક્રિટ, સ્થાનિક સ્થાપત્યની સમૃદ્ધ પરંપરા અને સ્થાનિક સંજોગોને અપાયેલ સકારાત્મક પ્રતિભાવ, દરેક સ્થાનની આગવી ઓળખ જાળવ્યા પછી પણ સમગ્રતામાં સ્થાપિત થતી એકરાગતા, લગભગ પ્રત્યેક સ્થાન-જોડાણ પર મળતી મુક્તતાની અનુભૂતિ માટેની સગવડ, સમગ્ર રચનામાં ઊભરતી એક પ્રકારની સૌમ્યતા અને તે સૌમ્યતામાં વધારો કરતું મ્યુઝિયમનું બાહ્ય સફેદ થોડું ચમકતું ફિનિશિંગ,

દૂરથી કંઈક ભેદી લાગે તે એક પ્રકારની ઈરાદાપૂર્વકની રચના, મ્યુઝિયમનું બાંધકામ વિશાળ હોવા છતાં પણ જળવાઈ રહેતું પ્રતિ પ્રતિકાત્મક નાનું પ્રમાણમાપ અને તેનાથી સ્થાપિત થતી એક પ્રકારની સ્થાપત્યકીય નમ્રતા, આબોહવાના વિપરીત પરિબળો સામે રક્ષણ મળે તેવી પેસિવ-અપરોક્ષ વ્યવસ્થા, પ્રકાશ અને છાયાની રસપ્રદ ગૂંથણી-આ મ્યુઝિયમની આ ખાસિયતો છે.

આ મ્યુઝિયમમાં જેમ ગુંબજનું મહત્ત્વ છે તેમ સમગ્ર મ્યુઝિયમ વચ્ચે ગોઠવાઈ ગયેલાં સમુદ્રના પાણીનું પણ મહત્ત્વ છે. સમુદ્રના પાણી સાથે જુદી જુદી રીતે સંપર્ક સાધી શકાય તે માટે કરાયેલી રસપ્રદ વ્યવસ્થા, પાણી અને મ્યુઝિયમના વિવિધ ભાગોના પડતાં પ્રતિબિંબ સાથે સંકળાયેલી પ્રકાશની રમતમાં અનુભવાતી નાટકીયતા, પાણીના સહ અસ્તિત્વને કારણે સ્થાપિત થતી એક પ્રકારની સુસંવાદિતતા, પ્રત્યેક સ્થાને નિર્ધારિત થતાં પાણી સાથે સ્થાપિત કરવામાં આવેલ ભિન્ન ભિન્ન પ્રકારનો સ્થાપત્યકીય પ્રતિભાવ,

મ્યુઝિયમના અંદરના પ્રત્યેક સ્થાનેથી જાણે સમુદ્રના પાણીને સમાંતર ચાલી જતી નજર, મનોવૈજ્ઞાનિક રીતે ભિન્ન ભિન્ન સ્થાનોને પરસ્પર જોડતું સમુદ્રનું પાણી, પાણી અને તેમાં પડતાં પ્રતિબિંબને કારણે અનુભવાતી એક પ્રકારની શાંતિ તેમ જ ઠંડક, જટિલ લાગી શકે તેવી રચનામાં પણ અનુભવાતી સરળતા, પ્રદેશમાં સમુદ્રનાં પાણીને મળતાં મહત્વને જાળવી રાખે તે પ્રકારનો કન્સેપ્ટ-આ બધી બાબતોથી આ મ્યુઝિયમની રચનામાં પાણીનું મહત્ત્વ સમજમાં આવે છે.

આ મ્યુઝિયમમાં બોટ દ્વારા અથવા કિનારાથી પગપાળા પહોંચી શકાય છે અને આ બંને સંભાવના ભિન્ન ભિન્ન પ્રકારની પ્રાથમિક ભૂમિકા સ્થાપિત કરે છે. ત્રણ માળની આ રચનામાં દરેક સ્થાનનું ચોક્કસ રીતે નિર્ધારણ કરાયું છે જેને કારણે તેની ઉપયોગીતામાં કોઈ વિક્ષેપ ન પહોંચે અને વિશ્વની નોંધપાત્ર કલાકૃતિની પ્રદર્શનીમાં તકલીફ ન પડે.

વળી સ્વાભાવિક છે કે આ પ્રકારની રચનાની મજબૂતાઈ તથા તેના સંરચનાગત માળખામાં વિશેષ પ્રકારની ગોઠવણ કરવી પડે. સામાન્ય મકાનમાં જે તે પ્રશ્નનો જે રીતે ઉકેલ આવી શકે તે પ્રકારનો ઉકેલ આ મ્યુઝિયમની રચનામાં સંભવ ન હોય. ક્યારેક તો એમ જણાય છે કે આ રચનાની દરેક તક્નિકી બાબત માટે વિશેષ સાવચેતી રખાઈ હશે.

મકાનના વિવિધ ભારવાહક ભાગોની રચના હોય કે કૃત્રિમ પ્રકાશ વ્યવસ્થાની ગોઠવણ, સમુદ્રનાં પાણીની સપાટીમાં સમયાંતરે થતી વધઘટ હોય કે સમુદ્રી જીવજંતુની હાજરીના પ્રશ્નો, નિયંત્રિત વાતાવરણમાં મુલાકાતીઓની નિયમિત આવનજાવનની વ્યવસ્થા હોય કે આકસ્મિક કટોકટીના સમયે લોકોને મ્યુઝિયમની બહાર લઈ આવવાનું આયોજન, પાણીની હાજરીથી ઉત્પન્ન થતાં ભેજના પ્રશ્નો હોય કે વરસાદના પાણીના નિકાલની ગોઠવણી વ્યવસ્થા, અહીં દરેક પરિસ્થિતિમાં તક્નિકી બાબતોમાં વિશેષ પ્રકારની ચોકસાઈની આવશ્યકતા રહે.

એકંદરે એમ કહી શકાય કે આ એક નવાં જ પ્રકારની પરિસ્થિતિમાં, નવાં જ પ્રકારના હેતુસર, નવાં જ પ્રકારનાં પડકાર ઝીલવા માટે નવાં જ પ્રકારના સ્થાપત્યકીય અભિગમ માટેનો પ્રશંસનીય પ્રયાસ છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્યનાં ક્ષેત્રમાં થતા દાવા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button