વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: શું ઉંદર સ્થપતિ છે?

  • હેમંત વાળા

ઘણી ચર્ચા માગી લે તેવો આ પ્રશ્ન છે. એમ જણાય છે કે મોટાભાગના લોકો ઉંદરને સ્થપતિ તરીકે માનવા તૈયાર હશે. તે પોતાનું દર પોતાની રીતે જાતે જ બનાવે છે, તેનો ઉપયોગ પણ કરે છે, અને આ દર તેની દરેક પ્રકારની જરૂરિયાતો સંતોષે પણ છે. અહીં તેને વાતાવરણનાં વિપરીત પરિબળોથી રક્ષણ મળે છે. અહીં શિકારી પશુ-પક્ષીથી પણ તે પોતાની જાતનું રક્ષણ કરી શકે છે. અહીં તેનું કુટુંબ વસે છે, અહીં જ તેનાં સંતાનો ઉછરે છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ ઉંદર માટે આ સૌથી અસરકારક આવાસ છે.

આવાસની રચનામાં ઉપયોગિતાનું મહત્ત્વ આમ પણ વધુ છે. આવાસની રચના પાછળના મુખ્ય હેતુમાં જે તે કાર્ય માટેની અનુકૂળતા, પાસેની સામગ્રી – ઉપકરણો – સંપત્તિની સાચવણી તથા વિપરીત પરિસ્થિતિ સામે રક્ષણનો સમાવેશ થાય છે. આ તો આવાસમાં હોવું જ જોઈએ, આટલી બાબતોનો આવાસમાં સમાવેશ થયેલો હોવો જ જોઈએ. ઉંદરના બનાવેલા દરમાં આટલું તો સિદ્ધ થાય છે. પણ એટલું પૂરતું નથી.

આવાસ એ સાધન નથી, એ ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિ છે. આવાસમાં વ્યક્તિની દરેક પ્રકારની – ભૌતિક, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક, ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક, પરંપરાગત – જરૂરિયાતો સંતોષાવી જોઈએ. આવાસ માત્ર ઉપયોગિતા પ્રમાણેનું નિર્ધારણ નથી, તેની સાથે વ્યક્તિત્વ, લાગણીઓ, બુદ્ધિમતા, પરંપરા, મૂલ્યો, પસંદગીનો અગ્રતાક્રમ જેવી બાબતો પણ સંકળાયેલી હોય છે. આવાસમાં આ બધી બાબતોનો સમાવેશ, ઉપયોગિતા સાથે બાંધછોડ કર્યા વગર, કળાત્મક રીતે થઈ શકે તે જોવાનું કામ સ્થપતિનું છે. મજબૂતાઈ અને ઉપયોગિતા સાથે સ્થપતિ સંવેદનાઓ અને વ્યક્તિત્વને આવાસની રચનામાં સાંકળી લે છે. કદાચ ઉંદર પાસે આ પ્રમાણેનું સામર્થ્ય નથી.

જેની ઉપયોગિતામાં યાંત્રિકતા હોય તેને મશીન કહેવાય. પાણી ચઢાવવાનો પંપ મશીન છે, આ પંપ સ્થાપત્યની રચના નથી. જે માત્ર ઉપયોગી છે તેને સાધન કહેવાય, કલાત્મક રચના નહીં. હથોડી સાધન છે, હથોડી સ્થાપત્યની રચના નથી. હથોડી સાથે કોઈપણ પ્રકારની દ્રશ્ય અનુભૂતિ સંકળાયેલી નથી હોતી. હથોડીની રચનામાં સાંસ્કૃતિક પરંપરા પ્રતિબિંબિત નથી થતી. હથોડી વ્યક્તિને ગૌરવ અપાવે તેવી રચના નથી. હથોડીમાં ભાવનાત્મક ખુશી અપાવવાની ક્ષમતા નથી હોતી. આ પરિપ્રેક્ષ્યમાં ઉંદરનું દર સાધન સમાન છે. એ ઉપયોગી છે પરંતુ તેનામાં કલાત્મકતા કે ભવિષ્યની વિચારસરણીને પ્રતિબિંબિત કરવાની ક્ષમતા નથી. જો આ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તો, જો આ સત્ય સ્વીકારવામાં આવે તો, ઉંદર સ્થપતિ નથી, માત્ર ખોદકામ કરીને પોતાની પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાત માત્ર સંતોષાય એ પ્રમાણે ખોદાણ કરનાર શ્રમિક છે.

આ પ્રશ્ન પછી પક્ષીઓ માટે પણ પૂછી શકાય, શું પક્ષી સ્થપતિ છે. પક્ષીની બાબતમાં ક્યારેક આ જવાબ હામાં આવી શકે અને ક્યારેક નામાં. કેટલાક પક્ષીઓ માત્ર રહેવા માટેની ગોઠવણ તૈયાર નથી કરતાં, પરંતુ તેમાં કલાત્મકતા અને લાગણીઓ ઉમેરે છે. એ પક્ષીઓ એનું ધ્યાન રાખે છે કે પોતાનો માળો જોવાલાયક હોય, તે માળો તેને ગૌરવ અપાવી શકે તેવો હોય. આવાં પક્ષીઓ પોતાના વ્યક્તિત્વના પ્રતિબિંબ તરીકે, પોતાની પસંદગીની રજૂઆત તરીકે પોતાના માળાને દર્શાવી શકે. આ પક્ષીઓ સ્થપતિ છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા

સ્થાપત્યની પ્રત્યેક રચનામાં આવાસમાં સૌથી વધુ સંવેદનશીલતા વણાયેલી હોવી જોઈએ. અહીં લાગણીઓને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝીલાવવું જોઈએ, સામર્થ્યની રજૂઆત થવી જોઈએ, પરંપરા તથા ભૂતકાળને સ્થાન મળવું જોઈએ, વર્તમાન સંતોષાવો જોઈએ, ભવિષ્યના સપનાની વાત થવી જોઈએ, કૌટુંબિક સમીકરણો ઘડાવા જોઈએ, સામાજિક સમીકરણને સ્થાન મળવું જોઈએ, બૌદ્ધિક વિચારધારા વ્યક્ત થવી જોઈએ, પસંદ-નાપસંદ અનુસારની અભિવ્યક્તિ હોવી જોઈએ અને ક્યાંક મૂંઝવણ તો ક્યાંક સ્પષ્ટતા વર્તાવી જોઈએ. આ બધું કરવાની ઉંદરની ક્ષમતા ન હોય.

આવાસની રચનામાં સાથે સાથે ઉષ્માની અનુભૂતિ થવી જોઈએ, પોતાપણાનો ભાવ સ્થાપિત થવો જોઈએ, ગૌરવની અનુભૂતિ થવી જોઈએ, જિંદગીની સરળતા માટે એક પ્રકારનો વિશ્વાસ સ્થાપિત થવો જોઈએ, સરળતાની સાથે સાથે રસ પણ જળવાયેલો હોવો જોઈએ, ચોક્કસ સમયાંતરે થોડા બદલાવની સંભાવના પણ હોવી જોઈએ, કુટુંબની દરેક વ્યક્તિની સંભાવનાઓને અનુરૂપ પરિસ્થિતિ હોવી જોઈએ, ક્યાંક વ્યક્તિગતતા દેખાવી જોઈએ તો ક્યાંક સામૂહિકતા માટે સ્થાન હોવું જોઈએ અને આ બધા સાથે થોડો રોમાંચ, કંઈક આત્મીયતા અને થોડીક અગવડતા પણ જરૂરી છે.

એક રીતે જોતાં આવાસ એ જીવંત અસ્તિત્વ છે. તે પ્રતિભાવ આપે છે અને પ્રતિભાવ ઘડે છે. એ કંપન સ્થાપિત કરે છે અને કંપન ઝીલે છે. તે કુટુંબના સભ્યોના વિકાસમાં મદદરૂપ થાય છે અને સ્વયં પણ વિકાસ પામે છે. આવાસ ધબકે છે અને ધબકારને સાચવે છે. આવાસ એ કંઈ ઈંટ-સિમેન્ટની ગોઠવણી માત્ર નથી, તે તો ધબકતું અસ્તિત્વ છે. આવાસ કંઈ ટેકનોલોજી કે કૌશલ્યનો નમૂનો નથી, તે વિવિધ પ્રકારની ભાવનાનો સરવાળો છે. આવાસ કંઈ ભૌતિક અસ્તિત્વ નથી, કુટુંબ સાથે જોડાયેલ કુટુંબનું સભ્ય છે. આવાસનું આ રીતનું નિર્ધારણ સંવેદનશીલ સ્થપતિ જ કરી શકે. ઉંદરમાં આ પ્રકારની ક્ષમતા હોવાની સંભાવના નથી.

અહીં ઉંદરની વાત નથી કરવાની, આવાસની રચનામાં જે પ્રકારની સંવેદનશીલતા જરૂરી છે તેની વાત કરવાની છે. હકીકત તો એ છે કે આજના સમયે કેટલાક આવાસ ઉંદરના દર સમાન હોય છે. તેમાં પણ ખાસ કરીને ડેવલોપર દ્વારા બનાવેલા આવાસ મહદ્અંશે આ શ્રેણીમાં જ આવે. અહીં માત્ર ઉપયોગિતા સંતોષાતી હોય છે, લાગણીઓ નહીં. અહીં જરૂરિયાતો પર ધ્યાન અપાયું હોય છે, વ્યક્તિગત સંવેદનાઓ પર નહીં. અહીં માત્ર નિર્ધારિત બજેટમાં માળખું ઊભું થઈ જતું હોય છે, તેમાં જીવંતતા નથી પરોવાતી. આ આવાસ દર સમાન હોય છે અને તેના સ્થપતિ ઉંદર સમાન.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પર્વતના શિખર પર બેસવા ઈચ્છતા માણસને પણ હોટેલ તો જોઈએ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button