વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ શિમોગ્યા-કુ રેલ મ્યુઝિયમમાં મળ્યો અવિસ્મરણીય અનુભવ…

પ્રતીક્ષા થાનકી

ઘણીવાર એમ લાગે કે ક્યાંક ફરવા જઈએ છીએ ત્યાં જગ્યાઓ વચ્ચેનાં અંતરનો, ત્યાં કેટલો સમય વિતાવવો, શું પ્રવૃત્તિ કરવી તેનો અંદાજ લગાવવો અને પ્લાનિંગ કરવાનું ઇન્ટરનેટ પહેલાંના સમયમાં ખરેખર મુશ્કેલ બની રહ્યું હોવું જોઈએ. આજકાલ તો પ્લાન સાથે એક્સેલ શીટ બની જાય છે અને અનુભવો સાથે એ પણ સ્પષ્ટ થતું જાય છે કે જેમ ટોક્યોમાં અલગ અલગ વોર્ડ છે એમ ક્યોટોમાં પણ છે.

અને દરેક વોર્ડ એટલે કે વિસ્તારનો પોતાનો અલગ મોભો છે. ત્યાં શક્ય હોય તો કમસેકમ એક આખો દિવસ તો પ્લાન કરવો જ. હવે એવું પણ બને કે એક વોર્ડથી બીજા વોર્ડ સુધી સરળતાથી ટ્રેનમાં પહોંચી જવાય, કેટલાંક સુધી ચાલવાની પણ ઇચ્છા થઈ આવે. જ્યારે સ્થળો વિષે વાંચો કે કોઈ મિત્રોનાં ફોટા જુઓ તો ક્યારેક એવું લાગે કે આખુંય ક્યોટો એક-બે દિવસમાં જોઈ શકાતું હશે. ત્યાં પહોંચો પછી ખબર પડે કે અહીં તો આખુંય વેકેશન ક્યોટોમાં જ વિતાવ્યું હોત તો પણ ઓછું પડત.

આ પરિસ્થિતિમાં ઘણીવાર યાદ આવે કે જ્યારે ભારતમાં કેટલાંક પરિચિતોને ખબર પડે કે હું જર્મની રહું છું, એટલે તરત જ પોતે ત્યાં કોઈને ઓળખતા હોય તેનું શહેર અને સરનામું આપીને કહે કે તેમને તો ઓળખતા જ હશો ને. સ્વાભાવિક છે, દરેક વ્યક્તિ બધી દુનિયાભરનાં ભૂગોળ, શહેરો વચ્ચેનાં અંતર અને ત્યાંનાં વાતાવરણ અને કલ્ચર વિષે જાણકાર હોય તે જરૂરી નથી.

ઘણી દુનિયા જોઈ હોવાં છતાં, ક્યોટોમાં શિમોગ્યા-કુ પહોંચ્યા પછી એવું લાગ્યું કે અમે ક્યોટોને જરા અન્ડરએસ્ટિમેટ કરી દીધું હતું. એમ લાગ્યું કે થોડી શ્રાઇન અને બગીચાઓ જોઈને આગળ ચાલી નીકળીશું, પણ અહીંથી ઓસાકા જવાનો સમય નજીક આવતો જતો હતો અને હજી ક્યોટોના વોર્ડ એટલે કે વિસ્તારો એક પછી એક સરપ્રાઇઝ આપ્યે જતા હતા.

શિમોગ્યા તો આખું ને આખું શહેર જ હોય તેવું લાગતું હતું. વળી તેને શિમોગ્યા-કુ કેમ કહેવાતું હતું તે પણ જાણવાની જિજ્ઞાસા હતી. આ પહેલાં પણ ફુજી જોવા જે શહેરમાં ગયાં હતાં, તેમાંનું એક કાવાગુચી-કો હતું. ત્યાં કો'નો અર્થ હતો લેક, કાવાગુચી સરોવર. હવે આકુ’ અલગ લખવા પાછળનું રહસ્ય તો જાણવું જ રહ્યું. વાત સરળ હતી, કુ' એટલેવોર્ડ’ અથવા વિસ્તાર. આપણે ત્યાં સ્થળોની પાછળ પુર',ગામ’ જેવાં શબ્દો કેટલાંક નામો સાથે કાયમ માટે જોડાઈ જતા હોય છે. એવું જ કંઈક શિમોગ્યા-કુ સાથે બની ગયું હતું.

એક વાર શિમોગ્યા-કુ પહોંચ્યા પછી પહેલાં તો ત્યાંના રેલવે મ્યુઝિયમ જ જવું પડ્યું. જાપાનની ટ્રેનો પ્રત્યે આટલો લગાવ દેખાડ્યા પછી તેમના વિષે વધુ માહિતી, ફોટા, ઇતિહાસ અને થોડી મજેદાર વાતો બતાવતું કોઈ મ્યુઝિયમ રસ્તામાં આવતું હોય તો તેને કેમ કરી જતું કરી શકાય. ત્યાં જાપાનીઝ ટ્રેનોનાં મોડેલ્સને નજીકથી જોવા તો મળ્યાં જ, સાથે ટ્રેન ચલાવવાનું સિમ્યુલેટર વાપરીને લાગ્યું કે ખરી સ્પીડ શું ચીજ છે.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ માન્ગા મ્યુઝિયમ-અનોખી ચિત્રવાર્તાઓના સર્જનને સમજવાની મજા…

ત્યાં નાનાં છોકરાંઓને તો જાણે સપનાં પૂરાં થઈ રહૃાાં હોય એટલી મજા આવતી હતી. ઘણી વાર લાગે કે નિન્ટેન્ડો મ્યુઝિયમ કે ડિઝની વર્લ્ડ યાદગાર બની રહેશે, પણ ઘણી વાર માત્ર ટ્રેન ચલાવી હોય તેવો અનુભવ તે બધાં કરતાં વધુ સ્પર્શી જતો હોય તેવું લાગતું હોય છે. તેમાં પણ જો સાચા સમયે પહોંચી જાઓ તો ત્યાં સ્ટીમ લોકોમોટિવમાં ચક્કર મારવાનો પણ મેળ પડી જાય. એક જ મુલાકાતમાં ફાસ્ટ બુલેટ ટ્રેન અને અત્યંત ઐતિહાસિક છૂકછૂક ગાડી, બંનેમાં જલસા કરવા મળી જાય.

રેલવે મ્યુઝિયમમાં કરેલી મજાને તે દિવસે કોઈ ટોપ નહીં કરી શકે તેવું લાગતું હતું. ત્યાંની ગિટ શોપમાં ટ્રેનનાં મોડેલ્સ જોઈને એટલી મજા આવી ગઈ કે એકવાર તો મોડેલ-ટે્રન કલેક્શન શરૂ કરવાની ઇચ્છા થઈ આવી. ક્યારેક થોડી સારી, ઐતિહાસિક કે આકર્ષક સ્ટેમ્પ હાથ લાગી જાય તો સ્ટેમ્પ કલેક્શન ચાલુ ન કરી દેવાનું હોય એ વિચારથી અમે ટ્રેન કલેક્શનનો આઇડિયા માંડી વાળ્યો અને માત્ર યાદોનું કલેક્શન કરીને ત્યાંથી આગળ ચાલ્યાં.

ક્યોટો ટાવર પર જઈને આખું શહેર જોયું, છતાંય સતત રેલવેના જ અનુભવો યાદ આવ્યા કર્યા. અમે બંને થોડાં નર્ડી તો ખરાં જ. હવે શિમોગ્યા-કુની પણ પોતાની શ્રાઇન અને ગાર્ડન છે જ, પણ તેનાથી વધુ રસ અમને ત્યાંની રામેન ગલીમાં હતો. એવી ગલી જ્યાં માત્ર રામેન જ મળે. આપણે પારાઠાવાળી ગલી હોય તો જાપાનમાં રામેનની ગલી હોય જ ને. હજી આગલા દિવસે જ રામેન મ્યુઝિયમમાં ઘણા જલસા કર્યા હતા. તો પણ આ રામેન ગલીમાં વધુ અલગ પ્રકારનાં ઉડોન દબાવ્યાં અને મજા લીધે રાખી.

અહીં એક લોકપ્રિય સેન્ટો પણ છે. હજી અમે મન ભરીને સ્પાની મજા ન હતી લીધી. આમ તો હાકોને પાસે ઓનસેનનો તો મેળ પડ્યો હતો. અહીં સેન્ટો હતું. હવે સેન્ટો અને ઓનસેનમાં શું ફરક એ પ્રશ્ન થયો. ઓનસેનમાં કુદરતી ગરમ પાણીના ઝરા હોય, જ્યારે સેન્ટોમાં ટાંકીનું જ પાણી ગરમ કરીને સોના અને હોટ પૂલની મજા લેવાની હોય છે. મોટાભાગે ઓનસેનમાં તો ટેટુ કરાવેલાંને પ્રવેશની સખત મનાઈ હતી. સેન્ટો પ્રમાણમાં થોડાં ઓછાં સ્ટ્રિક્ટ હતાં.

સાંજે સનસેટ પહેલાં અમે ભીડ હોવા છતાં ક્યોટો ટાવર પર સનસેટ માટે ઓબ્ઝર્વેશન ડેક પર પહોંચી ગયાં. અને અંધારું થતાં જ ત્યાંથી ક્યોટો સ્ટેશન આસપાસનાં લાઇટ ઇન્સ્ટોલેશન પણ દેખાવા લાગ્યાં. જોતજોતામાં થોડી વાર માટે અમારો રેલવેનો અનુભવ ઓવરશેડો થઈ ગયો હતો. ક્યોટોમાં અમે સાકુરાનાં ફૂલોની પીક સીઝન ચૂકી જવાનાં હતાં તે તો યાદ પણ ન આવ્યું. હજી તો અહીં ટી સેરિમોનીનો અનુભવ બાકી હતો.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ રામેન ફેક્ટરી – ક્યોટોમાં ધીમો ને રિલેક્સ્ડ દિવસ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button