વીક એન્ડ

દો સિતારોં કા મિલન: અમેરિકા ને ઇન્ડિયાની જુગલબંધી

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

ખરેખર તો `ફટાકડો ફોડતા કોઇની ચડ્ડી સળગી ગઇ’ જેવા નાના- મોટા સમાચાર આપણી આસપાસ રોજ વહેતા જ હોય છે, છતાંયે આપણને જ એની ખબર નથી હોતી. હમણાં અમેરિકામાં પત્રકારોનો સખત સમુદાય ચિંતામાં બેઠો છે. બે મોટા માથાના નેતા અંદર ઘૂસીને શું ને શું યે વાતો કરતા હશે? પત્રકારો, કોઇ સોલિડ સમાચારને સૂંઘી રહ્યા છે, પણ નવાઈની વાત છે કે અંદરથી કોઈ ચટપટા સમાચારની ગંધ જ નથી આવી રહીને!

વાત એમ છે કે દુનિયાના બે મોટા નેતા સાચેસાચે ધંધાધાપા માટે કે ખોટેખોટે યુદ્ધ-મંત્રણા માટે ભેગા થયા છે પણ પત્રકારોને લાગે છે કે મંત્રણા કરવાને બદલે બેઉ નેતા બહાર આવે અને એમને છાપાનાં પહેલાં પાનાં પરની હેડલાઈન માટેનો કોઇ રેડીમેડ ચટપટો
મસાલો આપે કે પછી એ નેતાઓ એમના અલગ અલગ મૂડના નાટ્યાત્મક ફોટાઓ તો આપે…શું છે કે આ દુનિયામાં યુદ્ધને બદલે શાંતિ થોડીવાર પછી સ્થપાય કે ના સ્થપાય એ ચાલશે પણ છાપું તો કાલે સવારે જ આવવાનું છેને? એ તો એકદમ સનસનાટી અને ધમાકેદાર સમાચારો સાથે જ નીકળવું જોઈએ એટલે કોઈ જોરદાર સમાચાર, ગમે તે રીતે પણ આપવા જ પડશેને?

અંદર મંત્રણા બરાબર જામીને ચાલી રહી છે, એનાથી વધારે જોરદાર સમાચાર એ છે કે અચાનક મંત્રણા અટકી ગઈ છે! બિચારા પત્રકારોના નસીબમાં કોઈ ધમાકેદાર સમાચાર નથી તો કંઈ નહીં પણ કમસેકમ કાંઇક હળવા મજેદાર સમાચાર તો મળે! પણ જ્યારથી અમેરિકાના અને ઇન્ડિયાના નેતાઓ મળ્યા છે ત્યારથી અંદરથી રૂમનો દરવાજા બંધ કરીને જ બેઠા છે. ખબર નહીં બંને શું ને શું વાત કરી રહ્યા છે? વળી ખબર નહીં કે એ લોકો વાતો કરી પણ રહ્યા છે કે નહીં? બેઉ અંદર બંધ બારણે ચાદર ઓઢીને સૂઈ તો નથી ગયા ને? પત્તાનો જુગાર તો નથી રમતાને? બની શકે કે એ બન્ને અંદર ચેસ રમતા હોય અને એકદમ રસાકસીવાળી ગેમ ચાલતી હોય ને બહાર ઊભેલા બિચારા પત્રકારોને લાગતું હોય કે અંદર શાંતિ મંત્રણા લાંબી બહુ ચાલી હોં! પત્રકારો દુુ:ખી દુ:ખી થઈ રહ્યા છે. આના કરતાં તો આ નેતાઓ રૂમની બહાર જ સારા હતા. કમસેકમ એકબીજાની વિદ્ધ કંઇક બોલતા તો હતા. કમબખ્ત કોઇક હેડલાઈન તો એમાંથી બનતી હતી.

જોકે એવું યે કદાચ હોય કે અંદર અમેરિકાનાં નેતા, ઇન્ડિયાના નેતાને કોઇ નવો દારૂ ચખાડતા હોયકાં તો એવું પણ હોય કે ઇન્ડિયાના નેતા અમેરિકાનાં પ્રેસિડન્ટને કોઇ ખાસ ફિલ્મ બતાવી રહ્યા હોય અથવા કદાચ બંને એકબીજાને પોતે સત્તામાં કેવી રીતે આવ્યા એના કિસ્સાઓ સંભળાવી રહ્યા હોય અથવા કંઇ નહીં તો એકમેકને કોબીનું શાક બનાવવાની રીત શીખવી રહ્યા હોય…. રૂમ બંધ છે કે ચાવી ખોવાઈ ગઈ છે? ખબર નહીં, એ લોકો અંદર શું કરી રહ્યા છે? એનું જબં સસ્પેન્સ જામ્યું છે એ હકીકત છે. જો આમાંનું કંઈ થઈ પણ રહ્યું હશે તો મને લાગે છે કે દુનિયામાં શાંતિ ફેલાવાની છે, પછી ભલેને છાપાનું વેચાણ ન વધે! તમે સમાચાર સૂંઘવા માંગો છો તો જરૂરી નથી કે ગંધ આવે જ. તમે દુશ્મનીની દુર્ગંધ ઇચ્છો અને કદાચ ત્યાંથી દોસ્તીની સુગંધ પણ આવી જાય! જો આમ થાય તો અમેરિકામાં ભેગા થયેલા ઘણા પત્રકારોને ઊંડો આઘાત લાગશે. આમ તો એ લોકો અનુભવી છે તોયે આશા માંડીને બેઠા છે કે કાશ, બંને નેતામાં અંદરોઅંદર ઝગડો થાય ને બેઉ આખરે લડીને છૂટા પડે.

રાજકારણમાં જો કંઈ નથી થતું' એનો મતલબકંઈ થઈ રહ્યું છે’. યુદ્ધની વાતો ના કરવાથી શાંતિ ફેલાય છે પણ જોકે શાંતિની વાતો યે ન કરવી પડે તો જ દુનિયામાં વધારે શાંતિ ફેલાઈ શકે એમ છે. મને તો ત્યારે મજા આવશે કે આ મીટિગ માટે જ કરોડોના ખર્ચા કર્યા પછી બંને મહાનુભાવ મળીને ખાલી બેઠાંબેઠાંએ એયને કેરમ રમે! ખરેખર, એ બે મળીને ખાલી આ જ કામ કરવું જોઈએ. કમનસીબે એ લોકો મહાસત્તાઓનાં સર્વેસર્વા છેને? એ લોકો શસ્ત્રો અને બોમ્બની વાત કરવા માટે જ શાપિત આત્માઓ તરીકે જન્મ્યા છે. જો કે આમ તો પત્રકારોની પેલી ભીડ પણ એ જ શાપિત સંસ્કૃતિની પેદાશ છે, જે લડાઈ બંધ થવાની ક્ષણે પણ લડાઈ થવાની રાહ જોઇને ગીધની જેમ બેઠા છે. એ લોકોને ઈતિહાસથી વધારે ઈતિહાસના પલટામાં વધારે રસ છે કે કાશ, કંઈક તો યુદ્ધ જેવું ફાટી નીકળે ને કંઈ તો સમાચાર એમને મળે! છાપું તો રોજ કાઢવું પડે ને એકાદ હેડલાઇન તો જોઇએને?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button