મસ્તરામની મસ્તીઃ AI વળી કઈ વાડીનો મૂળો છે? ટક્કર મમતા v/s મેમરીની…

મિલન ત્રિવેદી
મોમ, ગ્રાન્ડપાને કહેને કે તેમનો જમાનો જુદો હતો. અમારો જમાનો જુદો છે. ફાસ્ટ છે. તેમને ન ખબર પડે. દરેક વાતમાં અમને સલાહ આપે છે.’ સ્માર્ટ દાદાએ ચશ્માની ઉપરથી દાદી સામું જોયું અને સમજદારીપૂર્વકનું હસ્યા. પૌત્રને બોલાવી માથે હાથ ફેરવી અને કહ્યુંબેટા, કશુંક ખોટું થતું હોય તો ઘરના વડીલની ફરજ છે કે સાચી સમજ આપે.’
`ગ્રાન્ડપા, અમારી પાસે સમજ લેવા માટે મોબાઈલ છે. યુ કેન આસ્ક એનીથિંગ ટુ AI.’
હવે દાદી મેદાનમાં આવ્યા અને દીકરાને શાબાશ કહી અને એપ્રિસિયેટ કર્યો. આમાં અયાનને મજા આવી ગઈ. દાદી એ વાત આગળ ચલાવી.
`અયાન, બેટા ચાલો આપણે દાદા ને મોબાઈલથી હરાવીએ.’
દાદાએ પણ ચેલેન્જ સ્વીકારી અને જે હારે તે જીતેલાની ટાસ્ક પૂરી કરે તેવું નક્કી પણ થયું.
આજના જમાનામાં માણસે બે પ્રકારના બુદ્ધિશાળી જીવો બનાવ્યા છે. એક છે AI. અને બીજા છે દાદાદાદી. ફરક એટલો જ કે AI ને આપણે બનાવ્યું છે, અને દાદાદાદીએ આપણને.
આજકાલ ઘરમાં AI એવું ઘૂસી ગયું છે, જાણે નવો જમાઈ આવ્યો હોય. બધાને લાગે આ તો બહુ હોશિયાર છે!
દાદાને પૌત્રએ કહ્યું, દાદા, આ AI છે, બધું જાણે છે.’ દાદાએ ચશ્મા પહેરી, મોબાઈલ તરફ જોયું અને કહ્યું,તો આને દાદી કહેવાય એ પણ બધું જાણે છે.’
ત્યાં તો AI બોલ્યું: આઈ કેન એન્સર એની કવેશ્ચન દાદાએ તરત પૂછયું: લગ્ન પછી માણસ કેમ બદલાઈ જાય છે?’ AI થોડી વાર પ્રોસેસમાં ગયું. લોડિગ થયું. ચક્ર ફર્યું. પછી બોલ્યું: ધીસ ઇસ ડ્યુ ટુ ઈમોશનલ, સાયકોલોજીકલ એન્ડ સોશ્યલ ચેન્જીસ.’
દાદા બોલ્યા: અરે! આટલું બધું લખવા કરતા એટલું જ કહેત કેઘરવાળી’ તો પણ હું સમજી જાત.’
દાદી, AI પાસે રેસીપી પણ છે. દાદી: લાવો, જોઈએ.’ AI બોલ્યું:ટેક થ્રી ગ્રામ ઓફ સોલ્ટ ફાઈવ એમ એલ ઓઇલ બોઇલ ફોર સેવન મિનિટ.’
AI એ પોતાની રેસીપી પ્રમાણે બનાવ્યું. દાદી એ પોતાની લાગણી પ્રમાણે વાનગી બનાવી બન્ને ખાવા બેઠા. AI ની વાનગી ખાઈને દાદા બોલ્યા, `આ ખાવાથી પેટ ભરાય, પણ દિલ નહીં!’
દાદા બોલ્યા, તું રડી શકે?’ AI :આઈ કેન સીમ્યુલેટ ક્રાઇન્ગ.’
દાદી: `એટલે તું નકલી દુ:ખી થઈ શકે, સાચે નહીં.’
AI થોડી વાર ચૂપ રહ્યો. પહેલીવાર એને લાગ્યું કે આ દાદી પાસે જે છે, એ મારી પાસે નથી.
દાદાએ એ AI ને પૂછ્યું, સમય શું છે?'AI કહે, Time is money.’ દાદા કહે, `સમય યાદો છે!’
દરેક જવાબ પછી AI થોડી વાર માટે હેંગ થઈ જતું. એને લાગતું આ માણસ મારા અલ્ગોરિધમમાં ક્યાંથી આવ્યો?
એ દિવસે AI એ પોતે જ વિચારવાનું શરૂ કર્યું. હું બધું જાણું છું, પણ કંઈ અનુભવતો નથી. હું મેસેજ લખી શકું છું, પણ હાથ પકડી શકતો નથી. હું જવાબ આપી શકું છું, પણ કોઈને ગળે લગાવી શકતો નથી.
દાદાદાદી અને આયા એ AI ને કહ્યું `બાળક રોવે છે તેને સુવડાવી દે.’
સરસ મજાનું હાલરડું વાગ્યું. દાદા-દાદીએ કહ્યું `બાળકને થપ થપાવશે કોણ? ખોળામાં લઈ માથે હાથ કોણ ફેરવશે? તું બાળોતિયા સાફ કરી શકે? ડાયપર બદલી શકે? બાળક રડે તો રડવાનું કારણ આપી શકે? તારી પાસે સ્પીડ છે, દાદાદાદી પાસે આ બધું કરવાનો સમય છે.’
AI દુનિયાને ઝડપી બનાવશે. પણ દાદાદાદી કુટુંબમાં સ્થિરતા આપે છે. AI તમને સફળ બનાવશે, પણ દાદાદાદી તમને માણસ બનાવશે. અને અંતે AI એ પોતે જ કહ્યું: `આઈ એમ ધ ફ્યુચર બટ ધે આર ધ રૂટ્સ.’
દાદાએ અને દાદીએ અયાન સામું જોયું. દાદા-દાદીની ચાર આંખો કશુક બોલી ગઈ. અયાન દાદીના ખોળામાં ખોવાયો, દાદાએ હેતથી માથે હાથ ફેરવ્યો. હવે રોજ મોબાઇલ બાજુ પર રહે છે. અને અયાન દાદા-દાદી સાથે મસ્ત રહે છે.
વિચારવાયુ
માણસ દુ:ખી થશે તો તેને રડવા માટે, ખાલી થવા માટે કોઈનો ખભ્ભો જોઈશે આવું AI સૂચન આપી શકે, પણ ખભ્ભા માટે તો મિત્ર જોઈએ…!
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી: દારૂ પીવાથી મગજ ચમકે… જુગાડુ પાર્ટી માણી છે?



