મસ્તરામની મસ્તી: એલા AI વાળા, આવું મશીન લાવોને…!

– મિલન ત્રિવેદી
`આવી ગયું છે ધમાકેદાર મશીન. જે તમારા પગ દુખતા હશે, હાથ દુખતા હશે, કે માથું દુખતું હશે તો દબાવી આપશે…
`બોલો બહેન, આ ભાવમાં ફરી નહીં મળે. મોબાઈલના ચાર્જરથી ચાર્જ પણ થઈ જાય… જરાય વધારે ઇલેક્ટ્રિસિટી ન બાળે. બે વર્ષની વોરંટી, વર્ષમાં બે સર્વિસ ફ્રી, આવી શોધ વર્ષોમાં એકાદ વાર થાય છે… રોજ ઘણા મશીન વહેંચાય છે…..કહેશો, તો આપી દઉં?’
ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે. તમારા ભાઈ 24 કલાક આ સેવા પૂરી પાડે છે. બે ટાઈમ જમવાનું આપીએ એટલે વગર ઇલેક્ટ્રિસિટી એ ચાર્જ થઈ જાય છે. લાઈફ ટાઈમ ગેરંટી, જો મશીન કામ ના કરે તો હું વર્ષમાં ગમે તેટલી વાર ફ્રીસર્વિસ’ કરી નાખું. ઘણીવાર તો ખાધા પીધા વગર લો બેટરીમાં પણ સાં કામ આપે છે.
બહુ હોંશભેર આ સંશોધન થયું અને પહેલાં જ ગરાગ (ઘરાક)માં કસ્ટમર ફીડબેક એવું આવ્યું કે ભાઈએ બધા મશીન ભંગારમાં આપી દીધા.
મેડિકલ સાયન્સમાં પણ હવે રોબોટિક સર્જરી થાય છે.
સર્જન ભૂલથી બીજું કંઈ કામ કરવા જાય કે તરત જ રોબોટ બોલે કે `મોબાઇલમાંથી માથું ઊંચું કરો, સર્જરીમાં ધ્યાન
રાખો, બીજે ડાફોળિયાં મારવા રહેવા દેજો ખોટી કાપા કુપી ન કરશો.’
આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ એલા, મને કોઈક તો પરણાવો…
જોકે, તેમાં પણ એવું મશીન શોધવાની જરૂર છે કે જેવો દર્દીને ભાવતાલમાં સમજાવી અને સુવડાવી દો અને રોબોટ ચાલુ કરો એટલે રોબોટ બોલે કે આ દર્દીના તમે જરૂરત કરતાં વધારે પૈસા લીધા છે.’ અથવા તો એમ કહે કેઆને ઓપરેશનની જરૂર જ નથી ખોટા ગાળિયા કરોમાં. તુમારી પરજા નબળી હોગી ઔર તુમ કો હોંહરવા નિકલેગા.’
હા, દર્દીને બેભાન કરતા પહેલાં જો રોબોટ ચાલુ કરી દીધો તો એ દર્દીના કાનમાં પણ બોલે કે `કાળા બજારમાં બે નંબરના પૈસા કમાણો એમાં તું અહીં હલવાણો.’
2025નું વર્ષ પૂં થશે અને 26 ચાલુ થશે 31મી તારીખે રાત્રે 8 વાગ્યા પછી અંગ્રેજી ભાષામાં સંકલ્પ લેવાનું ચાલુ થશે :
ફ્રોમ ટુમોરો આઈ વિલ ગો ફોર ધ વોક , બ્રો… આમાં કોઈ ગ્રામર જોવાની જરૂર નથી ભાવનાઓ કો સમજો. સો ટકા સંકલ્પમાંથી 99.99 ટકા સંકલ્પો પહેલાં જ અઠવાડિયામાં ભ્રષ્ટાચારી નેતા અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો દ્વારા નવનિર્મિત પુલની જેમ કડડભૂસ થઈ જાય છે.
સો કિલો આસપાસના દાગીના બિચારા ચાલવા તો માગતા હોય છે, પરંતુ પોતાનું વજન પોતે ઉપાડી શકતા નથી એટલે વાહનમાં જઈ વોકિગ ટે્રકની સામે પડેલ બાંકડા ઉપર બેસી વોકિગ કરતા કે જોગિંગ કરતા લોકોને જોઈ જીવ બાળતા હોય છે.
હવે તો જો કે તેમના માટે પણ મશીન આવી ગયા છે કે મશીન ઉપર સૂઈ જાવ એટલે આપોઆપ હાથ- પગ હલાવી તમને ઘરવાળા ઘઘલાવીને પરાણે કસરત કરાવતા હોય તેના કરતાં સરસ રીતે ફોસલાવીને કસરત કરાવે…. આ મશીન વઢે પણ નહીં. મશીનનું મેન્ટેનન્સ સાવ ઓછું. બગડે તો બીજું લઈ શકાય. આજુબાજુવાળાનું પણ માગી શકાય. ભંગારમાં પણ દઈ શકાય.
આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ ત્રિભોવનકાકાનો મનિયો નવી ગાડી લાયો…
પહેલાના જમાનામાં ચટણી બનાવવા માટે ખરલ અને દસ્તો આવતા. ધીમે ધીમે તેમાં અપગ્રેડેશન આવ્યું અને અત્યારે મિક્સર ગ્રાઈન્ડરમાં સરસ મજાની ચટણી થઈ જાય.
હવે તો એ AIવાળાઓને એટલું કહેવાનું કે એવું મશીન શોધો કે આપણા શરીર ઉપર ફીટ કરી દઈએ એટલે ચાલતા
ચાલતા નીકળો કે વાહન પર નીકળો તમને ઉઘરાણીવાળાથી એલર્ટ કરે.
ગાડી લઈને જાતા હો તો તરત જ મશીન બોલે કોડા,જમણી બાજુ વાળી લે આગળ ચાર ચોક ઉપર તારો લેણિયાત ઊભો છે. ગાડી પાછી વાળીલે જમણી બાજુ વાળીશ તો તરત જ ટ્રાફિક પોલીસ દંડ કરશે તારી પાસે લાયસન્સ નથી.’ અમુક આળસુ તો એવા હોય છે કેખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે’ આટલી જ દિનચર્યા હોય. આપણે એમ કહીએ કે તમારે જલસા છે બેઠા બેઠા ખાવાનું આવી જાય છે. કોઈ મહેનત નહીં. તો તરત જ ગુસ્સે થઈ અને કહે `ચાવે છે કોણ તારો બાપ?’ માટે AIવાળા, એવું મશીન બનાવો કે ચાવીને આપો તો સીધેસીધું ગળે ઉતારવા તૈયાર હોય.
લોકો શરીર ઉતારવા માટે સાઈકલ લઈ અને નીકળતા હોય, પરંતુ હવે તેમાં પણ બેટરી ફીટ કરાવવા લાગ્યા છે. ખાલી ઉપર બેસી રહેવાનું ને બેટરીથી વ્હીલ ફરે.
રસોઈ કરવા માટે પહેલાં ચૂલો સળગાવવાથી માંડી ચૂલો ઠારવા સુધી બહેનો જ મહેનત કરતાં. ધીમે ધીમે જમાના પ્રમાણે સુધારો આવતો ગયો અને અત્યારે રોટલી વણવાના મશીન, પૂરી તળવાના મશીન, દાળ- શાક ભાત બધું જ ઓટોમેટિક થઈ જાય તેવાં મશીન બજારમાં ઉપલબ્ધ છે. કચરો- પોતું કરવા માટે પણ રોબોટ આવી ગયા. જોકે બહેનો કાયમ કહે છે કે રોબોટ પતિની તોલે ના આવી શકે. પતિદેવ જેવી સફાઈ નથી થતી.
એક દિવસ માણસ આ મશીનથી એટલો કંટાળ્યો છે કે પડ્યા પડ્યા AI ને એ પ્રાર્થના કરશે કે સુખી થવાનું મશીન શોધો, ભાઈસા’બ…!
વિચારવાયુ:
AI ગમે તેટલું આગળ વધે, પરંતુ પ્રેમ, લાગણી, વાત્સલ્ય, મમતા… નો અહેસાસ ન કરાવી શકે. માનવતાના પાઠ ન શીખવી શકે એ વાસ્તવિકતા માનવીએ સ્વીકારવી જ પડશે…



