ગ્લેમરનો અજગર ગળે ટુંપો દેવાનું શરૂ કરે પછી… લાઈફ એન્ડ ડેથ ઓફ ગ્લેમર ગર્લ્સ
સનસનાટી મચાવવા માટે કુખ્યાત પૂનમ પાંડે અચાનક ગુજરી ગઈ હવે યાદ રહેશે માત્ર એના પેલા’ વિડિયોઝ!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
પૂનમ પાંડે મરી ગઈ. ધારવા કરતાં બહુ ગુપચૂપ રીતે ગુજરી ગઈ, કેમકે એક સમયે એણે જે પ્રકારની સનસનાટી મચાવી દીધેલી એ જોતા લાગતું હતું કે આ છોકરી કાયમ ચર્ચામાં રહેશે, પણ એવું થયું નહિ. સોશિયલ મીડિયા અને પોર્ન સાઈટ્સની બહાર પૂનમ ભાગ્યે જ પોતાની ઓળખ ઉભી કરી શકી. ઘણા સજ્જન વાચકોને તો આવી કોઈ અભિનેત્રી’ હતી, એવું ય એની મોતના સમાચાર વાંચીને જ જાણવા મળ્યું હશે! તો પછી એણે જીવતેજીવ મચાવેલી સનસનાટીનું શું? એની કોઈ કિંમત જ નહિ? સનસનાટી છોડો, એક વ્યક્તિ તરીકે પૂનમની કોઈ કિંમત જ નહોતી? ઘણા પ્રશ્ર્નો છે, જે કોઈ પૂછવાનું નથી. કેમકે પૂનમ કેન્સરમાં મરી છે. એની હત્યા થઇ હોત, કે એણે આત્મહત્યા કરી હોત તો મોટી સનસનાટી મચી ગઈ હોત અને થોડા પ્રશ્ર્નો ચોક્કસ પૂછાયા હોત. થોડા દિવસ પૂરતી થોડી ચર્ચાઓ પણ થાત.
ખેર, અત્યારે તો એવો માહોલ છે કે અઠવાડિયા પછી કોઈ પોર્ન સાઈટ કે એપ્લીકેશન પર એના વિડિયોઝ માણી રહેલા દર્શકને ખબરે ય નહિ હોય, કે એ જેને જોઈને પ્લેઝર મેળવી રહ્યો છે એવી આ અભિનેત્રી’ ક્યારની ય અંતિમ વિદાય લઇ ચૂકી છે.
નોન-ગ્લેમરસ શહેર કાનપુરમાં જન્મેલી પૂનમને મોડેલિંગનો ચસ્કો લાગ્યો, અને એને પોતાની કરિયર તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું. મોડેલિંગને લગતી એક પ્રતિષ્ઠિત સ્પર્ધાના ટોચના નવ સ્પર્ધકોમાં એનો નંબર આવ્યો અને ફેશન મેગેઝિનના કવર પર ચમકવાની તક મળી. આ ઘટના દ્વારા પૂનમે પ્રથમ વખત ગ્લેમર ઇન્ડસ્ટ્રીનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. એ પછી એ અનેક વાર ધ્યાન ખેંચવાના સફળ-નિષ્ફળ પ્રયત્નો કરતી રહી. એના મગજમાં એવું ઠસી ગયું કે લોકોને આકર્ષવા માટે જો કોઈ હાથવગું હથિયાર હોત તો એ છે સનસનાટી. કમનસીબે આવું માનનારી પૂનમ એકલી નથી.
આધુનિક યુગમાં ભારતીય યુવતીઓને જેનું ગ્લેમર આકર્ષતું રહે છે, એવા મોડેલિંગ અને ફિલ્મ જેવા શો-
બિઝનેસની અનેક પ્રકારની કાળી બાજુ છે, જેના વિષે સમયાંતરે માધ્યમોમાં વાત થતી રહે છે. લવ- સેક્સ-દગો-અન્ડરવર્લ્ડ- ડ્રગ્સ- ગળાકાપ સ્પર્ધા, વગેરે જેવાં પરિબળો વિષે ચર્ચા થતી રહે છે, પણ આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ છોકરીઓની ગ્લેમર-ભુખ વિષે પ્રમાણમાં ઓછી વાત થાય છે. હકીકતે આ ગ્લેમરની ભૂખ જ બીજા અનેક દૂષણોને જન્મદાત્રી છે.
ગ્લેમર એટલે શું? સરળ વ્યાખ્યા મુજબ જોઈએ તો ગ્લેમર’ એટલે બીજી સાધારણ વસ્તુઓ અથવા વ્યક્તિઓ કરતાં વધુ આકર્ષક, વધુ લલચામણા દેખાવાનો મોહ! સુંદર ચહેરા માટેની ઘેલછા, એ હકીકતે ગ્લેમર પામવા માટેની ઘેલછા છે. તમે સરેરાશ કરતાં વધુ સારા - વધુ આકર્ષક દેખાતા હો એ શો બિઝનેસની જરૂરિયાત છે. અને એટલે જ શો બિઝનેસમાં આવી પડેલી છોકરીઓ વધુને વધુ ગ્લેમર પેદા કરવાના ચક્કરમાંથી ઉંચી નથી આવતી. એમાં સૌથી મોટા હથિયાર સાબિત થાય છે મીડિયા અને સોશિયલ મીડિયા. એક વાર રાખી સાવંતે કહેલું, કે હું તો મીડિયાની ‘બેટી’ છું અર્થાત મીડીયાએ જ રાખી સાવંતને ખ્યાતિ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. બાકી રાખીનું કોઈ પણ ક્ષેત્રમાં પ્રદાન કેટલું? છતાં બધા એને ઓળખે છે. મોડેલિંગ, એક્ટિંગ જેવા શો બિઝનેસ માટે ગ્લેમર પાયાની જરૂરિયાત છે. અને ગ્લેમરસ દેખાવા માટે હજારો છોકરીઓ સોશિયલ મીડિયા અને (પૈસા ખર્ચવાની ત્રેવડ હોય તો) મીડિયાનો ઉપયોગ
કરતા રહે છે. રાખી સાવંત વિડીયો સામે પોતાના બ્રેસ્ટ્સ ડોનેટ કરવાની વાત કરે, કે ઉર્ફી જાવેદના ડ્રેસ પર એ રીતે બ્રેસ્ટ ચીતર્યા હોય કે કશું પહેર્યું જ ન હોય એવુ લાગે… આ બધા કારનામા પાછળ આ છોકરીઓની ગ્લેમર મેળવવાની ભૂખ જ જવાબદાર હોય છે.
પૂનમ પાંડે તરફ પાછા ફરીએ. પૂનમ પાંડેને સૌથી પહેલી પ્રસિદ્ધિ મળી એક ક્રિકેટ વર્લ્ડ કપ વખતે. એ પહેલા એણે ટ્વિટર સહિતના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપર પોતાની અંગપ્રદર્શન કરતી તસ્વીરો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધેલું. મોડેલિંગ જેવા બિઝનેસમાં કોઈ યુવતી સફળ થવા માંગતી હોય, તો થોડા હોટ’ ફોટોઝ તો મૂકવા જ પડે.
એમાં કંઈ નવાઈ નથી. પણ પૂનમે તો લગભગ સેમી ન્યૂડ કહેવાય એવી તસ્વીરો પોસ્ટ કરેલી. સ્વાભાવિક છે કે આ તસ્વીરોને કારણે બીજી મોડેલ્સની સરખામણીએ વધુ લોકો પૂનમને ઓળખતા થઇ ગયા. એવામાં ૨૦૧૧ ની સાલમાં ક્રિકેટનો વિશ્ર્વકપ ખેલાયો. કેટલાક માટે આવી રમતના મેદાનો પણ પોતાનું ગ્લેમર દેખાડવાનું સાધન બની રહે છે. પૂનમે જાહેરાત કરી કે જો ભારતીય ટીમ વિશ્વકપ જીતશે તો પોતે ટીમ ઇન્ડિયા માટે પોતાના સર્વ વસ્ત્રોનો ત્યાગ કરશે! ડાન્સ કરતા કરતા પોતાના શરીર પરથી એક પછી એક વસ્ત્રો ઉતારતા જવાની કળા’ને સ્ટ્રીપટીઝ કહે છે. ટીમ ઇન્ડિયા ખરેખર એ વિશ્ર્વકપ જીતી ગઈ, પણ બીસીસીઆઈ દ્વારા પરમિશન ન મળી હોવાનું બહાનું કાઢીને પૂનમે સ્ટ્રીપટીઝ શો કેન્સલ રાખ્યો. જો કે પાછળથી એણે પોતાની મોબાઈલ એપ પર ખરેખર સ્ટ્રીપટીઝ કરીને દર્શકોને સંપૂર્ણ નેકેડ શો બતાવીને પોતાનું વચન પાળ્યું ખરુ!
ભારતીય સ્ટાન્ડર્ડ મુજબ આ વધુ પડતું કહેવાય. પણ પૂનમ વધુ પડતું’ જ કરવા માંગતી હતી. રાખી સાવંત કે ઉર્ફી જાવેદ પણ આવું વધુ પડતું’ જ કરી નાખવા માંગતા હોય છે. કેમકે આ છોકરીઓ બરાબર સમજે છે કે આવી વાત જ એમને મફતની પબ્લિસિટી અપાવે છે. મોટી હીરોઇન્સ પણ જ્યારે પોતાની કેરીયરના શરૂઆતી વર્ષોમાં સંઘર્ષ કરતી હોય, ત્યારે આવું કંઈક ગતકડું કરી નાખે. ટોચની હિરોઈને શરૂઆતી દોરમાં કરેલું તસતસતા ચુંબનનું દ્રશ્ય, કે બીજી એક હીરોઈને બિકીની પહેરીને કરેલો ડાન્સ આવા જ ગતકડાં હોય છે. આમાં જે છોકરી હોંશિયાર-ટેલેન્ટેડ હોય, એ શરૂઆતી ગતકડાં દ્વારા લોકોનું ધ્યાન ખેંચે છે, અને પછી પોતાની ટેલેન્ટના જોરે કેરીયરમાં સેટ થઇ જાય છે, પણ જે છોકરીઓમાં ટેલન્ટ હોતું જ નથી, એ માત્ર ગતકડાનાં જોરે ટકી રહેવા હવાતિયા મારતી રહે છે. રાખી, ઉર્ફી કે પૂનમની ગણના આવી છોકરીઓમાં થાય. પણ એમની કેરિયરનું શું?
પૂનમ પાંડેને એકાદ-બે પ્રોજેક્ટ સિવાય ભાગ્યે જ કોઈ મેઈનસ્ટ્રીમ રોલ્સ મળ્યા. એકમાત્ર ફિલ્મ નશા’ અને થોડા મ્યુઝિક આલ્બમ્સ એણે કર્યા, જેમાં એની ભૂમિકા સેક્સ સાઈરન જેવી જ રહેતી. તકલીફ આજ છે. શો બિઝનેસમાં મોટી મોટી આશાઓ લઈને આવતી ગ્લેમર ગર્લ્સ પોતાની ચામડી દેખાડીને કેરિયરની સીડીના શરૂઆતી પગથિયા ફટાફટ ચડી જશે, પણ એ પછી એજ ગ્લેમર અજગર બનીને એમની ફરતે ભરડો લઇ લે છે. જેવા રોલ માધુરી, શ્રીદેવી, કંગના કે કેટરીનાને મળ્યા, એવા રોલ્સ આ ગ્લેમર ગર્લ્સને ક્યારેય નથી મળતા. જેની સીધી અસર એમના અંગત જીવન ઉપર પણ દેખાય છે. બહુ થોડી છોકરીઓ પૈસાદાર મૂરતિયો પસંદ કરીને ઠરીઠામ થઇ જાય છે. બાકી મોટા ભાગની કોઈકની રખાત બનીને રખડી પડે! કેટલીય ગ્લેમર ગર્લ્સ ઢળતી ઉંમરે (અને યુવાનીમાં પણ) પેટનો ખાડો પૂરવા માટે વેશ્યાવૃત્તિ અને ડ્રગ પેડલર જેવા કામોમાં સંડોવાય છે. દક્ષિણની ફિલ્મોની આવી જ એક રેશમા તરીકે જાણીતી હિરોઈન’ પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ. પોલીસવાળાએ એને ઉભી રાખીને વિડીયો ઉતાર્યો, જેમાં એ કહી રહ્યો હતો કે તેરી ફિલ્મે મૈને દેખી હૈ.
અહીં એ રેશમાની પેલી’ ફિલ્મો વિષે વાત કરતો હતો, અને રેશમા ઉભી ઉભી સ્માઈલ આપવા સિવાય કશું કરી શકે એમ નહોતી!
પૂનમે ૨૦૨૦માં પોતાના વર્ષો જૂના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કરી લીધા. આ સેમ બોમ્બેએ હ્રીતિક રોશન, અક્ષય કુમારથી માંડીને ટાઈગર શ્રોફ અને ઉર્વશી રોતેલા સહિતના સ્ટાર્સને લઈને એડવર્ટાઈઝ સહિતનું શૂટિંગ કર્યું છે. પરંતુ પોતાની સગ્ગી પત્ની પૂનમ પાંડેને લઈને કોઈ સારો વિડીયો બનાવવાને બદલે એણે પોર્ન ક્લિપ્સ જ બનાવ્યે રાખી. પૂનમની છાપ જ એવી હતી! એક વાર તો ગોવા પોલીસે જાહેરમાં અશ્લીલ વિડીયો શૂટ કરવા બદલ આ યુગલ સામે ફરિયાદ પણ નોંધેલી!
તો સમસ્યા આ જ છે. એક વાર ગ્લેમરનો સહારો લઈને કેરિયરની સીડી ઝડપથી ચડી જવા માંગતી છોકરીઓ પૈકીની મોટા ભાગની છોકરીઓના ગળે એમનું જ ગ્લેમર એવો અજગર ભરડો લઇ લે છે, કે પછી ન તો નોર્મલ જીવન જીવવા મળે છે, કે ન તો નોર્મલ રોલ મળે છે! પૂનમ પાંડેમાં લોકોનો રસ માત્ર ગ્લેમર-ન્યૂડ વિડિયોઝ પૂરતો જ રહ્યો. એનો પતિ સેમ બોમ્બે જાનવરની જેમ એની પીટાઈ કરતો. એક વાર તો માર ખાઈ ખાઈને પુનમને બ્રેઈન હેમરેજ થઇ ગયું, પણ એ સમાચારોને ક્યારેય પેલા વર્લ્ડ કપવાળા સમાચારો જેટલી પ્રસિદ્ધિ ન મળી! પૂનમને ગર્ભાશયનું કેન્સર ક્યારે થયું, એ વિષે પણ માધ્યમોમાં ક્યાંય કોઈ ચર્ચા જોવા ન મળી. કેમકે લોકોને એમાં રસ હતો જ નહિ. એમને માત્ર પૂનમના પેલા’ વિડિયોઝમાં જ રસ પડતો, કેમકે પૂનમે પ્રખ્યાત થવા માટે એ વિડિયોઝ જ લોકોને દેખાડેલા!
આજે પૂનમ મરી ગઈ. હવે કદાચ એક-બે દિવસ સુધી એના અંગત જીવન વિષે થોડી વાતો થશે. એ પછી જોવાતા રહેશે વિવિધ પોર્ન સાઈટ્સ પર પડેલા પેલા વિડિયોઝ. ગ્લેમર ઇઝ અ ગ્રેટ શોર્ટ કટ, યુ નો!