વીક એન્ડ

કાચ અને જંગલની જુગલબંધી

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

જંગલની વચ્ચે રહેવાની મજા જ કંઈક ઓર હોય છે. ઝાડ-પાનનું કુદરતી સૌંદર્ય, મનને ભાવિ જાય એવી ઠંડક, હલકી હલકી પવનની લહેરી, હવામાં ભેજનું ઇચ્છનીય પ્રમાણ, ચળાઈને આવતો પ્રકાશ, તડકા-છાંયડાની રમત, માનવ સમુદાયથી અંતર, પંખીઓનો કલરવ અને આ બધા સાથે કુટુંબીજનોનો સહેવાસ – આ એક રોમાંચ કરી દેનારી પરિસ્થિતિ કહી શકાય.
સાથે સાથે અહીં ક્યાંક સગવડતાનો અભાવ હોય, જીવજંતુનો ત્રાસ હોય, ક્યારેક હિંસક પ્રાણીઓનું જોખમ પણ હોય, અને કટોકટીની પરિસ્થિતિમાં રહેલું જોખમ – તકલીફ તો છે. આમ પણ વિશ્ર્વમાં એવી એક પણ પરિસ્થિતિ નથી કે જ્યાં માનવીને માત્ર સુખ અને આનંદ પ્રાપ્ત થાય. પણ માનવી તેની સામે તેનું નિરાકરણ ગોતી લે છે. તેને જે જોઈએ છે તે મેળવવાની વ્યવસ્થા કરી લે છે અને તેની સાથે આવતી અણગમતી બાબતોની તેને બાદબાકી કરતા પણ આવડે છે. કેરી ખાઈ અને ગોટલો ફેંકી દેવાની આવડત તેણે કેળવી લીધી છે. જંગલમાં બનતા ઘરમાં આ વાત સરસ રીતે જોવા મળે છે.

બહારના વિશ્ર્વ સાથેનો દ્રશ્ય સંપર્ક જળવાઈ રહે તે માટે કાચ એ અગત્યની બાંધકામની સામગ્રી છે. જંગલ જેવા સ્થાને આવાસની રચનામાં કાચ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં ફરસ અને છત માળખાગત સામગ્રીમાંથી બનાવવામાં આવે અને દીવાલોની રચનામાં કાચનો મહત્તમ ઉપયોગ થાય. હા, ક્યાંક સંરચનાગત સ્થાનો પર અપારદર્શક દીવાલો બનાવવાની જરૂર હોય. પણ તે સિવાય કાચ થકી જ જાણે સ્થાપત્યની રચના થઈ હોય તેમ જણાય. ઘણાં મકાનોમાં તો ફરસ, છત તથા દાદર પણ કાચથી બનાવાય છે. આ એક ખરેખર અનેરી અનુભૂતિ છે.
અહીં જાણે ગોપનીયતાનું મહત્ત્વ જ ન હોય. બહારની અને અંદરની, બધી જ બાબતો સાથે દ્રશ્ય સંપર્ક જળવાયેલો રહે. ઓરડાઓ વિશાળ લાગે. નજરમાં ક્યાંય અવરોધ ન આવે. સમગ્ર સ્થાન એકીકરણ પામેલું હોય તેમ જણાય. માનસિકતાથી પણ બધા જ પરસ્પર સાથે જોડાયેલા રહે. કુટુંબનાં સભ્યો વચ્ચે આત્મીયતા વધે અને એક પ્રકારની પારદર્શિતા પણ સ્થપાય. આ બધી મજાની ઘટના છે.

દ્રશ્ય અનુભૂતિને વધુ સમૃદ્ધ કરવા, કાચ રંગીન કે કોઈ ચોક્કસ પ્રકારની ડિઝાઇન અંકિત થયેલો પણ હોઇ શકે. કાચમાં અમુક પ્રકારની અપારદર્શિતા કે અર્ધપારદર્શિતા લાવવા માટે કેટલીક વિશેષ પ્રક્રિયા પણ કરાતી હોય છે – આ રીતે કાચની રચનાને એક વિશેષ સ્તરે લઈ જવાય. પણ સાથે સાથે એ પણ સમજવું પડે કે કાચને ઇચ્છિત આકારમાં ઢાળવો અઘરો છે. જો કાચને અમુક આકાર આપવામાં આવે તો તેની તૂટી જવાની શક્યતા વધી જાય છે. વળી કાચ એવી સામગ્રી નથી કે જેનાથી આબોહવાનાં વિપરીત પરિબળો આવાસમાં પ્રવેશતા અટકે. કાચની સફાઈ પણ મુશ્કેલ બની રહેતી હોય છે. કાચ જાડો હોય તો પણ તેની બરડતા માટે ખાસ પ્રાવધાન રાખવું પડે.

આવાસ એક કુટુંબને આશરો આપતી માત્ર એક છત નથી. અહીંયા કુટુંબના ંસમીકરણો દ્રઢ બનવા જોઈએ – જેની માટે આવાસની પારદર્શિતા ઇચ્છનીય કહેવાય. અનિચ્છનીય જીવજંતુ તથા આબોહવાને દૂર રાખવા માટે આવાસને કાચ થકી બંધિયાર બનાવાય છે તેમ પણ કહેવાય. આનાથી પણ કુટુંબના સભ્યો અંદરની તરફ વળે છે જેને કારણે પરસ્પરનો સંબંધ વધુ સઘનતા પામી શકે.
જંગલમાં આવેલા કાચના ઘર એ એવી ઘટના છે કે જેમાં રસપ્રદ વિરોધાભાસની પ્રતીતિ પણ થાય. જંગલના માહોલનું જે ટેક્સચર હોય છે તેનાથી કાચ સાવજ જુદા પ્રકારની અનુભૂતિ આપે. કાચ અને કુદરતની વિશેષતાઓ ભિન્ન ભિન્ન છે – તેથી બંને વચ્ચે ટકરાવો શક્ય છે. સ્થાપત્યમાં આ ટકરાવને હકારાત્મકતાથી ઢાળવો પડે. કાચની પોતાની દ્રઢતા છે તો કુદરતમાં એક પ્રકારની નરમાશ છે. કાચમાં ઔદ્યોગિકતા સ્પષ્ટ દેખાય છે તો કુદરતમાં નૈસર્ગિકતા જોવા મળે. કાચ એ ચકચકતી સીધી સપાટી છે તો કુદરત જુદી જુદી બરછટતાવાળી વાંકીચૂકી સપાટીઓનો સમૂહ છે. કાચને જોઈને ક્યારેય એવો ભાવ ઊભો ન થાય કે જાણે એ જંગલ માટે બનાવાયો હોય તો જંગલ માટે પણ એમ કહેવાય કે ક્યારેય તે કાચને સ્વીકારવા તૈયાર નહીં થાય. છતાં પણ બંનેનું સહ અસ્તિત્વ સ્થાપત્યના ક્ષેત્રની અનેરી
ઘટના છે.

એમ લાગે છે કે અહીં જાણે બંનેને તેમની સંભાવનાઓની સીમા તપાસવાની તક મળે છે. અહીં બંને પોતાનું મહત્ત્વ અને ઉપયોગિતા સિદ્ધ કરી શકે છે. જંગલમાં બનેલ કાચના
આવાસમાં કાચ પોતાનું કામ મહત્તમ ક્ષમતાથી કરે છે તો સામે જંગલ પણ પોતાની ગંભીરતા તથા ઓળખ ગુમાવતું નથી. જંગલને ખલેલ પાડ્યા વગર જાણે કાચ પોતાનું કામ સરળતાથી પાર પાડે છે અને જંગલ પણ અજાણ્યા અસ્તિત્વને પોતાની અંદર સરસ રીતે સમાવી લે છે. ગુણાત્મક રીતે અહીં બંને વિરોધી હોવા છતાં એકબીજા સાથે સહજતાથી ગુંથાઈ જાય છે. એમ લાગે કે બંને પરસ્પર એકબીજા માટે જ સર્જાયા છે.

જેની સાથે સહજ અસ્તિત્વ વિરોધાભાસી હોય ત્યાં પણ પરસ્પર સંમેલિત થઈને એક સંકલિત અસ્તિત્વ ઊભું કરવાની આ સ્થાપત્યની મજાની ચેષ્ટા છે. અહીં કાચ જંગલનું મહત્ત્વ વધારે છે તો જંગલ કાચને તેના કાર્ય માટે અનુકૂળતા બક્ષે છે. અહીં પ્રતિબિંબમાં જાણે લીલોતરીને કાચ ઝીલી લે છે અને જંગલ પોતાના ઓર્ગેનિક – કાર્બનિક વિકાસમાં કાચને હકારાત્મક સ્થાન આપે છે. કાચ જંગલની જે તે ખાસિયતને વધારે દીપાવે છે તો જંગલ કાચના ત્યાંના અસ્તિત્વને અર્થપૂર્ણ બનાવે છે. કાચ થકી જંગલની મજા માણાય છે અને જંગલને કારણે કાચ સ્વીકૃત બને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button