ભાત ભાત કે લોગ : `1955 સિસ્ટમ’ : આ છે જાપાનની યુનિક રાજકીય વ્યવસ્થા

-જ્વલંત નાયક
રાજકારણ ક્ષેત્રે સતત નવું નવું વાંચતા રહેવાથી કેટલાક વિશિષ્ટ પારિભાષિક શબ્દો સાંભળવા મળે છે. આ એવા શબ્દો છે જેમની સાથે ચોક્કસ ઇતિહાસ સંકળાયેલો હોય… જેમ કે one-party dominant system – એકપક્ષીય પ્રભુત્વ પ્રણાલી. ભારતે સ્વતંત્રતા મેળવી એ પછી 1952માં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. એમાં કૉંગ્રેસ પક્ષને બહુમતી મળી. 1977 સુધી લગભગ અઢી દાયકા જેટલો સમય કૉંગ્રેસનું એકધાં શાસન રહ્યું. આને કહેવાય એકપક્ષીય પ્રભુત્વ. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારનું શાસનતંત્ર જોવા મળ્યું છે, જ્યાં એક જ પક્ષે દાયકાઓ સુધી શાસનધૂરા સંભાળી હોય.
1977ની જનતા સરકાર બાદ ફરી એક વખતે નવ વર્ષ (1980 થી 1989 વચ્ચે) કૉંગ્રેસનો દબદબો રહ્યો. એ પછી મોરચા સરકારોનો દોર ચાલ્યો. 2014થી આજદિન સુધી આશરે અગિયાર વર્ષથી ભાજપના વડપણ હેઠળનો રાજકીય મોરચો સત્તા પર છે. આ રીતે એક જ પક્ષના પ્રભુત્વ હેઠળ શાસન ચાલતું હોય ત્યારે એ પ્રકારની લોકશાહીમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે, જેની અસર આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર પણ પડે છે.
હવે રાજકારણના બીજા એક પારિભાષિક શબ્દની વાત કરીએ, જે પ્રમાણમાં ઓછો જાણીતો છે. કારણકે એ ટચૂકડા દેશ જાપાન પૂરતો જ સીમિત છે. આ શબ્દ એટલે 1955 સિસ્ટમ' (કે
સિસ્ટમ 1955) આ શબ્દ પણ એકપક્ષીય પ્રભુત્વ દર્શાવવા માટે જ વપરાય છે, પણ એનું પશ્ચાદભૂ જરા જુદા પ્રકારનું અને અત્યંત રસપ્રદ છે.
શું છે આ 1955 સિસ્ટમ?
આ સિસ્ટમ સમજતા પહેલા બે નવા શબ્દો જાણવા પડશે સ્કેપ અને યાકુઝા. સ્કેપ (SCAP)એટલે
Supreme Commander for the Allied Powers.બીજા વિશ્વયુદ્ધની હાર પછી અમેરિકી જનરલ ડગ્લાસ મેકઆર્થરને જાપાનમાં `સ્કેપ’ તરીકે નિમણુંક આપવામાં આવી. વિજેતા દેશો ઇચ્છતા હતા કે જાપાનમાં હવે પછી જે સરકાર આવે એની નીતિઓ લોકશાહી તરફી બીજા શબ્દોમાં કહીએ તો યુએસ, યુકે અને યુરોપને અનુકૂળ હોય.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : યે કૈસા દર્દ કા રિશ્તા…? દર્દના સંબંધે જોડાયેલી છે બે પ્રજાની પીડાભરી કથા
બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદી રશિયાને કંટ્રોલમાં રાખવું જરૂરી હતું. આથી એશિયન દેશો સામ્યવાદના પ્રભાવ હેઠળ રશિયાના ખોળામાં ન બેસી જાય એનું ધ્યાન અમેરિકાએ ખાસ કરીને અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ'એ રાખવાનું હતું. મેકઆર્થરનું મુખ્ય ધ્યેય પણ આવું જ હશે, પણ થયું એવું કે જાપાનમાં 1955માં યોજાયેલ સામાન્ય ચૂંટણીઓમાં જાપાનીઝ સોશ્યલ પાર્ટી
જેએસપી’ના બેનર હેઠળ ડાબેરીઓ અને જમણેરીઓ એક થઇ ગયા. જાપાનીઝ ડેમોક્રેટિક પાર્ટીએ એકલા હાથે બહુમત તો મેળવી લીધો પણ સામ્યવાદીઓની વધેલી તાકાત અમેરિકાથી માંડીને જાપાનની બિઝનેસ લોબી સુધીના બધાને અકળાવતી હતી. એ પછી જે થયું તે અદ્ભુત હતું.
જાપનાના ડાબેરીઓ અને જમણેરીઓ ભેગા થઈને સામ્યવાદી બની ગયા. એના તોડ તરીકે લિબરલ્સ (લિબરલ પાર્ટી) અને ડેમોક્રેટ્સ (સત્તાધારી જાપાનીઝ ડેમોક્રેટિક પાર્ટી) પણ એક થઇ ગયા. આ રીતે જે નવી પાર્ટી બની એ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP’તરીકે ઓળખાઈ. 1955માં થયેલી આ ગોઠવણ મુજબ આજદિન સુધી (વચ્ચેના અમુક અપવાદો બાદ કરતાં) જાપાનની શાસનધૂરા આલિબરલ ડેમોક્રેટિક પાર્ટી’ના હાથમાં જ રહી છે. આ ગોઠવણ રાજકારણમાં `1955 સિસ્ટમ’ તરીકે પ્રખ્યાત છે.
ઓકે ફાઈન, પણ હમણાં અન્ય એક શબ્દ યાકુઝા'નો પણ ઉલ્લેખ કરેલો. આ યાકુઝા એટલે શું? 1955 સિસ્ટમ સાથે યાકુઝાને શું સંબંધ હતો? ટૂંકમાં કહીએ તો
યાકુઝા’ એટલે જાપાનીઝ માફિયા. જેમ જાપાનીઝ પ્રજા મધ્યયુગમાં સામુરાઈ યોદ્ધાઓને માનથી જોતી. એમ વીસમી સદી દરમિયાન ગેન્ગસ્ટર્સને પણ માનની નજરે જોવામાં આવતા. યાકુઝા ખુલ્લેઆમ પોતાનો બિઝનેસ કરતા અને નેતાઓને જરૂર પડે ત્યારે યાકુઝા પોતાની આવડત મુજબ વિવિધ રાજકીય પક્ષોને કેટલીક વિશિષ્ટ `સેવા’ પ્રદાન કરતા. વિરોધી રાજકારણીનું અપહરણ કરવાથી માંડીને કાસળ કાઢી નાખવા સુધીના કામ યાકુઝા દ્વારા લેવામાં આવતા. રાજકીય રેલીઓમાં પણ યાકુઝાની હાજરી રહેતી. મજાની વાત એ હતી કે યાકુઝાની છાપ જાપાનની ભૂમિને વફાદાર લોકો તરીકેની હતી. એટલે લોકો એમને ગુનેગાર તરીકે જોવાને બદલે દેશભક્ત તરીકે જોતા! અમેરિકી ખુફિયા એજન્સી સીઆઈએ આવો મોકો છોડે?
કહેવાય છે કે સીઆઈએ દ્વારા યાકુઝાને જાપાનીઝ રાજકારણમાં વિધિવત એન્ટ્રી અપાવવામાં આવી. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં યાકુઝા ગેન્ગ્સના સરદારોનો ખાસ્સો પ્રભાવ હતો. એલડીપી તરફથી 1957મા પ્રધાનમંત્રી તરીકે નોબુસુકે કિશીની વરણી થઇ. આ કિશી મહાશય તો પોતે જ ગેન્ગસ્ટર જેવા હતા. ભૂતકાળમાં ન કરવા જેવા ઘણા ધંધા એમણે કરેલા. એટલું જ નહિ પણ યુદ્ધ પૂં થયા બાદ સ્કેપના ઓર્ડર પ્રમાણે નોબુસુકે કિશીને જેલમાં ય ધકેલવામાં આવેલા. તેમ છતાં કેટલાક અમેરિકન પોલિસી મેકર્સને લાગ્યું કે યુદ્ધ પછીના જાપાનને કિશી જ નેતૃત્વ પૂં પાડી શકશે.
આ બધું કઈ રીતે થયું એ તો તત્કાલીન અમેરિકન થિન્ક ટેન્ક જ કહી શકે. બટ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
2022માં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રાધાન શિન્ઝો આબેને કોઈકે ગોળી મારી દીધેલી. આ શિન્ઝો આબે એટલે નોબુસુકે કિશીના પૌત્ર. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ ભોગવેલ લાંબા શાસન દરમિયાન કિશી-સાટો-આબે તરીકે ઓળખાતા પરિવારનું ખાસ્સું પ્રભુત્વ રહ્યું.
આમાંથી આપણે શીખવા જેવો પાઠ એ છે કે રાજકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે ડાબેરીઓ અને જમણેરીઓ ભેગા થઇ શકે છે. સાથે જ લિબરલ્સ અને ડેમોક્રેટ્સ પણ એક પાર્ટીના છત્ર નીચે આવીને લગભગ પોણી સદી સુધી દેશનું શાસન સંભાળી શકે છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : પોન્ડ્સ મેન ઓફ ઇન્ડિયા: ખિસકોલી કર્મના હિમાલય જેવડાં પરિણામ…