શા માટે મતગણતરી પહેલા જ વિપક્ષી ગઠબંધનના નેતાઓ પહોંચ્યા ચૂંટણી પંચ ?
નવી દિલ્હી : દેશમાં ગઇકાલે લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. ત્યારબાદ વિવિધ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા. જ્યારે આજે INDI ગઠબંધનના નેતા એક પ્રતિનિધિમંડળ લઈને ચૂંટણી પંચ પહોંચ્યા હતા. પ્રતિનિધિમંડળ વતી ચૂંટણી પંચને માંગ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચ મતગણતરીની પ્રક્રિયામાં કડક તકેદારી રાખી.
મતગણતરીની આખી પ્રક્રિયા નિયમ મુજબ થાય અને સુપરવાઇઝરે નિયમોનો અમલ કરવો જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી. તે ઉપરાંત પોસ્ટલ બેલેટની ગણતરીને લઈને પણ પંચ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. INDI ગઠબંધનના નેતા અભિષેક મનુ સિંધવી, ડી રાજા, રામ ગોપાલ યાદવ, નાસિર હુસૈન, સંજય યાદવ, સલમાન ખુર્શીદ અને સીતારામ યેચુરી સામેલ થયા હતા.
ચૂંટણી પંચને પોતાનો અભિપ્રાય રજૂ કર્યા બાદ સીપીએમના નેતા સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, “મતગણતરી નિયમો પ્રમાણે થવી જોઈએ. સુપરવાઇઝરોએ આ નિયમોનો અમલ કરવો જોઈએ. મતગણતરીની પ્રક્રિયા CCTV દેખરેખ હેઠળ થવી જોઈએ અને કંટ્રોલ યુનિટની પણ ચકાસણી થવી જોઈએ. યેચુરીએ કહ્યું હતું કે જ્યારે EVM સીલ કરવામાં આવે છે ત્યારે તેની ચકાસણી માટે કાઉન્ટીંગ એજન્ટ હોય છે અને ગણતરી દરમિયાન તેમની પૃષ્ટી થવી જોઈએ.
આ પણ વાંચો: વિપક્ષી ગઠબંધનમાં ડખા : મમતા બેનર્જીએ કહ્યું અમે ઈન્ડિયા ગઠબંધનને માત્ર બહારથી જ સમર્થન કરીશું !
અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે અમે ગઠબંધનના નેતાઓ ત્રીજી વખત ચૂંટણી પંચની સમક્ષ મળ્યા છીએ. પોસ્ટલ બેલેટથી ચૂંટણીના પરિણામમાં ઘણો ફરક પડે છે. ચૂંટણી પંચની જોગવાઈ છે કે પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. અમે પણ એ જ કહીએ છીએ કે પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થાય અને બાદમાં ઇવીએમની ગણતરી થવી જોઈએ. ઇવીએમની ગણતરી થાય તે પહેલા પોસ્ટલ બેલેટનું પરિણામ જાહેર કરી દેવું જોઈએ અને તે પછી ઇવીએમનું પરિણામ આવવું જોઈએ.
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે, ‘અમે મતગણતરીની પ્રક્રિયા દરમિયાન કડક દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરી છે અને પંચે અમને સંતોષકારક જવાબ પણ આપ્યો છે. અમે કોઈ જ નિયમો પર સવાલ નથી ઉઠાવ્યા પરંતુ અમે તેનું પાલન કરવામાં આવે તેની ખાતરી કરી છે અને તેનું પ્રામાણિકપણે પાલન કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. આ મિટિંગ ઘણી આશાસ્પદ રહી છે.