હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીને ટક્કર આપનારી BJPની ઉમેદવાર માધવી લતા કોણ છે?
ભારતીય જનતા પાર્ટીએ તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટથી ડો. માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તૈહાદુલ (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે. હવે આ સીટ પર માધવી લતા અને ઓવૈસી વચ્ચે મુકાબલો જોવા મળશે. જ્યાં ઓવૈસી એક મુસ્લિમ ચહેરો છે તો માધવી લતાની છબી એક કટ્ટર હિંદુત્વવાળા ચહેરાની છે. ભાજપે પહેલીવાર હૈદરાબાદથી કોઈ મહિલાને ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ ભાજપે 2014 અને 2019માં આ બેઠક પરથી ભાગવત રાવને મેદાનમાં ઉતાર્યા હતા.
AIMIMનો ગઢ છે હૈદરાબાદ
હૈદરાબાદ લોકસભા મતવિસ્તારને AIMIMનો ગઢ માનવામાં આવે છે. આ મતવિસ્તાર 1984થી AIMIM પાસે છે. અસદુદ્દીન ઓવૈસીના પિતા સુલતાન સલાહુદ્દીન 1984માં લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે 20 વર્ષ સુધી આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો પુત્ર અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી લોકસભા સાંસદ છે. હાલમાં તેઓ આ મતવિસ્તારમાંથી સાંસદ છે.
કોણ છે માધવી લતા?
ભાજપે ઓવૈસી સામે જે ચહેરો મૂક્યો છે તે નવો છે. ઓવૈસીને તેના મતવિસ્તારમાં પડકાર આપવો મુશ્કેલ કામ છે પરંતુ માધવી લતા તેનો સામનો કરવા તૈયાર છે. માધવી લતા હૈદરાબાદમાં વિરિંચી નામની હોસ્પિટલ ધરાવે છે. તે આ હોસ્પિટલના ચેરપર્સન છે.. તે હૈદરાબાદમાં સામાજીક કાર્યો માટે સક્રિય છે, તે અનેક ટ્ર્સ્ટો અને સંસ્થાઓના માધ્યમથી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છે. તે લોપામુદ્રા ચેરિટેબલ ટ્ર્સ્ટ અને લતામાં ફાઉન્ડેશનની અધ્યક્ષ છે. માધવી લતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની ઇમેજ તેમના હિંદુ તરફી વલણને કારણે હેડલાઇન્સમાં રહે છે. હિંદુ ધર્મ વિશેના તેમના ભાષણો વાયરલ થાય છે.
ટ્રિપલ તલાક નાબુદી માટે સંઘર્ષ
માધવી લતાએ કોટી મહિલા મહાવિદ્યાલયમાંથી પોલિટિકલ સાયન્સમાં MA કર્યું છે. તોઓ એક બિઝનેસ વુમન અને ભરતનાટ્યમ ડાન્સર હોવા ઉપરાંત તે એનસીસી કેડેટ પણ છે. તેમને લગભગ છ મહિના પહેલા જ હૈદરાબાદ લોકસભા સીટ માટે ટિકિટની ખાતરી આપવામાં આવી હતી અને તે છેલ્લા કેટલાક સમયથી હૈદરાબાદના જૂના શહેરમાં પ્રચાર કરી રહી છે. તેમણે ટ્રિપલ તલાક વિરુદ્ધ અભિયાન પણ ચલાવ્યું છે. માધવી લતા ક્યારેય પણ સક્રિય રાજકારણમાં રહી નથી. તેમના પરિવારમાં પણ કોઈને દુર દુર સુધી રાજકારણ સાથે સંબંધ નથી. માધવી લતા ત્રણ તલાક નાબુદી માટે અનેક મુસ્લિમ મહિલાઓના સંગઠનોને મદદ કરી રહી છે. તેમને અવારનવાર જુના હૈદરાબાદના મુસ્લિમ વસ્તી ધરાવતા વિવિધ વિસ્તારોમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
તેલંગાણામાં ભાજપનો જનાધાર વધ્યો
ગત ચૂંટણીમાં ભાજપે ઓવૈસી સામે ભાગવત રાવને ટિકિટ આપી હતી. તેમને 2,35,285 મત મળ્યા હતા. ઓવૈસીને 5,17,471 વોટ મળ્યા હતા. જો કે તેલંગાણામાં ભાજપનો જનાધાર છેલ્લા એક દાયકામાં વધી રહ્યો છે, વર્ષ 2014માં ભાજપને માત્ર 7 ટકા મતો મળ્યા હતા જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તે વધીને 15 ટકા જેટલો થયો હતો. વર્ષ 2023માં યોજાયેલા તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે સૌપ્રથમ વખત 8 સીટો જીતીને મુખ્ય વિપક્ષ તરીકે ઉભર્યો છે. ભાજપે ચારમિનાર, કારવાં, એલ. બી. નગર, રાજેન્દ્રનગર, અંબરપેટ, કુથબુલ્લાપુર અને સનથનગર સીટ જીતી છે.