આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન ઓછું થવા માટે લોકોની નારાજગી જવાબદાર રાજકીય પક્ષોમાં પડતા ભંગાણને કારણે મતદારો ઉદાસીન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની 10 સહિત રાજ્યની 13 બેઠકો પર મતદાન થયું હતું અને આ તબક્કામાં અત્યારસુધીનું સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. આને માટે રાજ્યમાં ઉનાળાની કારમી ગરમીને જવાબદાર ઠેરવવામાં આવતું હોવા છતાં એક વાત એ પણ છે કે રાજ્યની રાજકીય સ્થિતિને કારણે લોકો નારાજ હતા અને તેનું પરિણામ મતદાન પર જોવા મળ્યું છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય પટલ પર થયેલી ઉથલપાથલને કારણે લોકોમાં નારાજગી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ખાસ કરીને ભાજપ દ્વારા સત્તા હાંસલ કરવા માટે રાજ્યમાં બે પક્ષોમાં જે રીતે ભંગાણ પાડવામાં આવ્યું તેનાથી લોકો નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે.

રાજ્યના રાજકારણમાં એનસીપી વિરુદ્ધ એનસીપી (એસપી), શિવસેના વિરુદ્ધ શિવસેના (યુબીટી) જંગ લડી રહી હતી અને આ લડાઈ શહેરી વિસ્તારના નાગરિકોને અયોગ્ય જણાઈ હતી.

રાજ્યના કેટલાક રાજકીય નીરિક્ષકોના જણાવ્યા મુજબ મુંબઈમાં મતદાનનું ઓછું પ્રમાણ મુખ્યત્વે શહેરી મધ્યમ વર્ગના મતદારોની ઉદાસીનતાને કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે. મતદાનના સમયે ભારે ગરમીના મોજાની પણ કેટલીક અસર મતદાનની ટકાવારી પર પડેલી હોઈ શકે છે.

એક રાજકીય નીરિક્ષકે કહ્યું હતું કે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા જે રીતે વારંવાર પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે તેને કારણે શહેરી મતદાર ખાસ્સો નારાજ છે. આ મતદાર મતદાન કરવા માટે બહાર આવ્યો નથી.

બીજા રાજકીય નીરિક્ષકે કહ્યું હતું કે આ ઓછા મતદાનનો ફટકો સૌથી વધુ ભાજપને પડવાની શક્યતા છે. 2014 અને 2019માં ભાજપને મતદાન કરવા માટે મોટી સંખ્યામાં બહાર આવેલા મતદારો આ વખતે મતદાન પ્રત્યે ઉદાસીન દેખાયા હતા. કેટલાક લોકો શનિ-રવિ-સોમની ત્રણ દિવસની રજાઓ માણવા માટે બહાર જતા રહ્યા હતા, જેમાં ગુજરાતી-મારવાડી વધુ છે અને આ લોકો સામાન્ય રીતે ભાજપને મતદાન કરે છે. જ્યારે અનેક લોકો વેકેશનની મજા માણવા માટે ગામ જતા રહ્યા છે. આવી રીતે ગામ જનારાઓમાં ઉત્તર ભારતીયો મોટા પ્રમાણમાં છે અને આ લોકો ભાજપને જ મતદાન કરતા હોય છે.

ભાજપના ટેકેદારોને શિવસેના તોડીને રાજ્યમાં સરકાર બનાવવામાં આવી ત્યારે ખાસ કશો વાંધો નહોતો. લોકો આ બાબતને તેમની સાથે થયેલા છેહનો બદલો માનીને મન મનાવી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ જે રીતે એનસીપીમાં ભંગાણ પડાવવામાં આવ્યું તેનાથી આ લોકો પણ નારાજ થયા છે. સત્તાના મદમાં જે રીતે ભાજપ વર્તી રહ્યું છે તેનાથી શહેરી મતદારોમાં નારાજી જોવા મળી રહી છે. રાજકારણીઓ સામેની આ નારાજી મતદારોએ મતદાન કરવા ન આવીને વ્યક્ત કરી હોવાનું તેમનું માનવું છે.

વાસ્તવમાં મુંબઈમાં અનેક સ્થળે મતદાનની ગતિ અત્યંત ધીમી હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું. આવી જ રીતે ઉત્તર મુંબઈના મતદાનમથકની બહાર લાગેલી લાંબી કતારના દૃષ્ય સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા અને આની અસર આખા મુંબઈના મતદારો પર થઈ હોવાની શક્યતા નકારી શકાતી નથી એમ પણ એક રાજકીય વિશ્ર્લેષકે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button