ટીએમસીએ 42 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
સાત સંસદસભ્યોની ટિકીટ કપાઈ, યુસુફ પઠાણને ઉમેદવારી અપાઈ

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો માટે સત્તાધારી તૃણમુલ કૉંગ્રેસ (ટીએમસી) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં સાત સંસદસભ્યોની ટિકીટ કાપી નાખવામાં આવી હતી અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અનેક નવા ચહેરાને તક આપવામાં આવી હતી.
જૂના જોગીઓ અને નવા નેતાઓ વચ્ચેના સંઘર્ષ વચ્ચે પાર્ટીએ લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરતાં અનુભવી અને નવોદિતોનું યોગ્ય સમતોલન કર્યું હતું.
ફિલ્મ અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહા, જેઓ 2022ની પેટા ચૂંટણીમાં આસનસોલની બેઠક પરથી જીતી ગયા હતા તેમને પાર્ટી દ્વારા ફરી ઉમેદવારી આપવામાં આવી છે. ભૂતપૂર્વ સંસદસભ્ય હાજી નુરુલ ઈસ્લામને બાસિરકોટની લોકસભા બેઠક પર નુસરત જહાંને સ્થાને ઉમેદવારી આપવામાં આવી છે. આ એ જ મતદારસંઘ છે, જ્યાં અત્યારે વિવાદમાં રહેલું સંદેશખાલી આવેલું છે.
અત્યારના 23 સંસદસભ્યોમાંથી 16ને જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે સાત સંસદસભ્યોને પડતા મૂકવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે બે વર્ષ પહેલાં ભાજપમાંથી ટીએમસીમાં આવેલા અર્જુન સિંહને બરાકપોરમાંથી ઉમેદવારી આપવામાં આવી નથી.
નવા ચહેરાઓમાં 12 મહિલા ઉમેદવાર છે અને 26 વ્યક્તિ છે, જેમાં અત્યારના સંસદસભ્યો અને ભૂતપૂર્વ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પશ્ર્ચિમ બંગાળ કેબિનેટના બે પ્રધાનો પાર્થા ભૌમિક અને બિપ્લવ મિત્રા સહિત નવ જેટલા વિધાનસભ્યોને લોકસભાની જંગમાં ઉતારવામાં આવ્યા છે.
ટીએમસી સુપ્રીમો અને પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ રપ કહ્યું હતું કે ઉમેદવારો ઉભા રાખતી વખતે જેમને અત્યારે તક આપવામાં આવી નથી તેમનું વિધાનસભાની ચૂંટણી વખતે પુનર્વસન કરવામાં આવશે.
ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બહરામપુર લોકસભા બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે. આ બેઠક રાજ્ય કૉંગ્રેસના વડા અને પાંચ વખત આ બેઠક પરથી ચૂંટાયેલા અધિર રંજન ચૌધરીની છે. અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ બર્ધવાન-દુર્ગાપુર મતદારસંઘમાંથી ઉમેદવારી આપવામાં આવી છે, 2019માં તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા.
સંસદમાં પૈસા લઈને સવાલ પુછવા માટે બરતરફ કરાયેલી મહુઆ મોઈત્રાને પાર્ટી દ્વારા કૃષ્ણાનગર બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે.
લોકસભાના જંગમાં ઉતારવામાં આવેલા વિધાનસભ્યોમાં ભાજપમાંથી ટીએમસીમાં આવેલા બિશ્ર્વજીત દાસ અને મુકુટમણી અધિકારીનો સમાવેશ થાય છે. તેમને બોનગાંવ અને રાણાઘાટથી ઉમેદવારી આપવામાં આવી છે, જ્યાં મટુઆ સમાજનો ગઢ છે અને અહીં 2019માં ભાજપ સામે ટીએમસીનો પરાજય થયો હતો.
ટીએમસીએ જૂના જોગીઓ સુદીપ બંદોપાધ્યાય, સૌગટા રોય, સતાબ્દી રોય, કલ્યાણ બેનરજી અને કાકોલી ઘોષ દસ્તીદારનો સમાવેશ થાય છે.
નવા ચહેરાઓમાં સાયોની ઘોષ, દેબાંગશુ ભટાચાર્ય, ગોપાલ લામા, વિધાનસભ્ય જૂન મલિયા, બાપી હલદાર અને અભિનેત્રી રચના બેનરજીનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાર્ટીના સંસદસભ્યો શિશિર અધિકારી અને દિવ્યેન્દુ અધિકારીના પરિવારના સભ્ય સુવેન્દુ અધિકારી ડિસેમ્બર-2020માં ભાજપમાં જોડાયા ત્યારથી પાર્ટીથી થોડું અંતર જાળવી રહ્યા છે.
ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી પ્રસુન બેનરજીને માલદાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેથી તેઓ ભાજપ પાસેથી આ બેઠક છીનવી શકે. આવી જ રીતે ભાજપના સંસદસભ્ય સૌમિત્ર ખાનની વિષ્ણુપુરની લોકસભા બેઠક છીનવી લેવા માટે તેમની ભૂતપૂર્વ પત્ની સુજાતા મોંડલ ખાનને મેદાનમાં ઉતારવામાં આવી છે. (પીટીઆઈ)