તો આ કારણે ભોજપુરી કલાકાર પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો?

ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહે Pavan sinh આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોનું કહેવું છે કે BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ પવન સિંહને વાતચીત માટે દિલ્હી બોલાવ્યા છે. પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપે પવન સિંહને મેદાનમાં ઉતાર્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના શત્રુઘ્ન સિંહા હાલમાં આસનસોલથી સાંસદ છે. આવી સ્થિતિમાં બે કલાકારો વચ્ચે સ્પર્ધા થશે તેમ માનવામાં આવતું હતું.
પ્લેબેક સિંગર બાબુલ સુપ્રિયો 2019માં ભાજપની ટિકિટ પર આસનસોલ બેઠક પરથી જીત્યો હતા. જો કે, બાદમાં તેઓ ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારબાદ શત્રુઘ્ન સિન્હાએ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પેટાચૂંટણીમાં આ બેઠક જીતી હતી.
હવે પવન સિંહે ના કેમ પાડી તે અંગે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે. એક કારણ એ છે કે પવન સિંહના ગીતોમાં મહિલાઓને યોગ્ય રીતે દર્શાવવામાં ન આવતી હોવાથી તેમનાથી સૌ કોઈ નારાજ છે. પવન સિંહે બંગાલ કી બેટી નામે આલ્બમમાં ગીત ગાયા હતા અને તેમાં મહિલાઓને અશ્લીલતાપૂર્વક દર્શાવી હોવાનું અને બંગાળની સંસ્કૃતિનું અપમાન કર્યુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તે સમયે ભાજપના નેતાઓએ પણ તેમની ટીકા કરી હતી.
આ સાથે બીજું કારણ એ પણ માનવામાં આવે છે કે ભાજપે તેમને દિવસમાં ચારથી પાંચ રેલીમાં બાગ લેવા કહ્યું છે, જે પવન સિંહને માફક આવતું નથી. કારણ જે હોય તે પક્ષે તેને દિલ્હી બોલાવ્યો છે ત્યારે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું.