લોકસભા ચૂંટણી 2024: તો હું 2017માં કેન્દ્રીય પ્રધાન બની જાત: સુપ્રિયા સુળે
હવે સુલેહ શક્ય નહીં: સુપ્રિયા સુળેની સ્પષ્ટ વાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાની બેઠક બારામતીના ઉમેદવાર અને વર્તમાન સંસદસભ્ય સુપ્રિયા સુળેએ નવો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમના કઝીન અજિત પવારની પહેલાં તેમની પાસે ભાજપ સાથે જોડાવાનો વિકલ્પ ખુલ્લો હતો અને જો તેઓ ચાહત તો 2017માં જ કેન્દ્રીય પ્રધાન બની ગયા હોત.
મુંબઈના એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે અત્યારે અજિત પવાર પાસે પોતાનો પક્ષ છે અને અમારી પાસે અમારો પક્ષ છે, પરંતુ તેનો અત્યારે કોઈ હરખ-શોક નથી. આ નીતિ-મુલ્યોની લડાઈ છે અને તેથી હું ક્યારેય ભાજપની સાથે જઈ શકું નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે એવું ન હોત તો 2019માં જ્યારે અજિત પવારે વહેલી સવારે શપથ ગ્રહણ કર્યા પછી તેમને પક્ષમાં પાછા લેવામાં આવ્યા ન હોત. અજિત પવારને પરિવારમાં બધા જ ચાહે છે. અત્યારે હવે સ્થિતિ બદલાઈ છે અને હવે સુલેહ શક્ય નથી.
2017માં મને કેન્દ્રીય પ્રધાન બનાવવાની ઓફર કરવામાં આવી હતી અને ફક્ત વિચારધારા અને નીતિ-મુલ્યોને કારણે એ સમયે એ ઓફરને ઠુકરવી દેવામાં આવી હતી, એમ પણ સુપ્રિયા સુળેએ કહ્યું હતું.