આ કૉમેડિયનને 10 સમર્થકો નથી મળતા ને મોદી સામે મેદાને પડ્યો છે બોલો
વારાણસીઃ કોમેડિયન શ્યામ રંગીલાએ વારાણસીમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે. શ્યામ રંગીલાએ જણાવ્યું હતું કે તેઓ લોકોને પીએમ મોદીનો વિકલ્પ આપવા માગે છે. તાજેતરમાં જ શ્યામ રંગીલાએ એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેમણે વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે હું પીએમ મોદી સામે વારાણસીથી લોકસભા ચૂંટણી એટલા માટે લડવાનો છુંકે જેથી લોકો પાસે વિકલ્પ હોય. આ દરમિયાન નોમિનેશન ફોર્મ ભરવા વારાણસી પહોંચેલા શ્યામ રંગીલાને 10 સમર્થકો પણ નથી મળી રહ્યા. અહેવાલ મુજબ શ્યામ રંગીલાને નોમિનેશન ફોર્મ આપવામાં આવ્યું નથી કારણ કે તેમની પાસે 10 સમર્થક નથી.
શ્યામ રંગીલાએ હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટકરીને લખ્યું છે કે, વારાણસીમાં ચૂંટણી માટેનોમિનેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા એવી જટિલ બનાવી દેવામાં આવી છે કે ફોર્મ મળવું જ મુશ્કેલ બની ગયું છે. ચૂંટણી કાર્યાલયમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ મને જણાવવામાં આવ્યું કે તમે સૌપ્રથમ તમારા સમર્થનકર્તાઓના આધાર કાર્ડની કોપી (તેમની સહી સાથે) લઇ આવો અને તેમના ફોન નંબર અમને આપો, તો જ ફોર્મ મળશે. ચૂંટણીપંચના નિયમોમાં આવી કોઇ જોગવાઇ જ નથી. હું માનનીય ચૂંટણી પંચને વિનંતી કરું છું કે વારાણસી જિલ્લા વહીવટીતંત્રને યોગ્ય માર્ગદર્શિકા આપીને આ દેશની લોકશાહીમાં આપણો વિશ્વાસ મજબૂત કરે.
જોકે, શ્યામ રંગીલાની આવી પોસ્ટ બાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા કે તેમની પાસે 10 સમર્થકો નથી અને મોદી સામે ઊભા રહેવા માગે છે. જોકે, આમ ટ્રોલ થવા લાગતા શ્યામ રંગીલાએ બીજી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે મારી પાસે 10 સમર્થકો તો છે, પરંતુ તેની માહિતી અને ફોન નંબર ચૂંટણી પંચને ફોર્મ ભર્યા પછી જ આપવાની હોય છે, જ્યારે વારાણસીમાં તેમની પાસે ફોર્મ આપતા પહેલા જ આવી ડિટેલ માગવામાં આવી હતી.