રુપાલા વિવાદઃ ચૂંટણીમાં સંભવિત નુકસાનને રોકવા માટે હજુ પણ ભાજપના દિગ્ગજ નેતાઓનો બેઠકોનો દૌર ચાલુ
રાજકોટમાં ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ઉઠેલા વિરોધ વંટોળને ખાળવા ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જઇ સ્થાનિક ક્ષત્રિય નેતાઓ અને આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં ભાજપ સરકારના પૂર્વ મંત્રીનો વિરોધ થયો, વડોદરામાં મુખ્યમંત્રીની સભામાં હોબાળો મચાવતા ક્ષત્રિય યુવાઓની અટક કરવામાં આવી અને ભાવનગરમાં લોકસભા ઉમેદવાર નિમૂબહેન બાંભણીયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધથી રાજ્ય સરકારમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ, ભાવનગર, કચ્છમાં બેઠક બાદ હવે આણંદ અને સાબરકાંઠાના અગ્રણીઓ સાથે બેઠક થવાની સંભાવના છે
ક્ષત્રિય સમુદાયના રૂપાલા સામેના આંદોલનથી એક દહેશત પ્રમાણે,ગુજરાતની 25 લોકસભા બેઠકમાંથી ભાજપને 8 બેઠક પર નુકસાનની સંભાવનાઓ રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે. રત્નાકરજી અને હર્ષ સંઘવી હવે એ ફોર્મુલા પર કામ કરે છે,જેનાથી નુકસાન થતું અટકે.
આપણ વાંચો: રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે
રાજ્યના અલગ -અલગ વિસ્તારોમાથી આવતા દૃશ્યો અને તસ્વીરોએ ભાજપની ચિંતામાં વધારો કરાવ્યો છે. તો ક્ષત્રાણીઑના ગુજરાતમાં મતદાન સુધી ચાલનારા પ્રતિક ઉપવાસના કારણે આંદોલનની આગમાં ઘી પૂરવાનું કામ થઈ રહ્યું હોવાનો જનમત છે.
ભાજપે નવી રણનીતિ બનાવતા, ક્ષત્રિય આંદોલનને અસર કરતી લોકસભા બેઠકોની એક અલગ યાદી બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં બેઠક અને ઉમેદવાર સાથે જાતિગત સમીકરણ ઉપરાંત વિરુદ્ધમાં થનારા સંભવિત મતદાનને કેવી રીતે ખાળી શકાય,તેવી પણ એક ફોર્મુલા રહી શકે છે. આ વચ્ચે,ફરી એક વાર આજે સાંજે ક્ષત્રિય સમાજની બેઠક મળી રહી છે તેમાં આગામી રણનીતિ, ભાજપ માટે એક નવો પડકાર બની રહે તો નવાઈ નહીં