આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મુંબઈમાં મતગણતરી કેન્દ્રો પોલીસ છાવણીમાં ફેરવાયાં

વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ ખડે પગે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડ્યા પછી મંગળવારે મતગણતરીને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સંવેદનશીલ સ્થળોએ સતત પેટ્રોલિંગ કરશે તો મતગણતરી કેન્દ્રો નજીકના માર્ગો પર વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ ખડે પગે રહેશે. મતગણતરી કેન્દ્રોના 300 મીટરના પરિસરમાં નાગરિકોને પ્રવેશવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

મંગળવારની સવારથી મતગણતરી શરૂ થવાની હોવાથી ગોરેગામમાં વનરાઈ સ્થિત નેસ્કો, વિક્રોલીની સ્કૂલ અને શિવડીનાં મતગણતરી કેન્દ્રોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રો બહાર રાજકીય પક્ષોના કાર્યકરોની મોટી સંખ્યામાં ભીડ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વધારના પોલીસ દળને પણ બોલાવવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મતગણતરી કેન્દ્રોમાં અને કેન્દ્રો બહાર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા હોવાથી સતત તેનું નિરીક્ષણ કરવામાં આવશે. સુરક્ષાવ્યવસ્થા માટે સોમવારથી જ પોલીસ સાથે સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સ અને સ્ટેટ સિક્યોરિટી ફોર્સના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: લોકસભાની મતગણતરી: બે સેના, બે એનસીપી, ભાજપ અને કૉંગ્રેસનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ

મતગણતરી કેન્દ્રથી 300 મીટરના પરિસરમાં બુધવારની રાતે 12 વાગ્યા સુધી માત્ર ચૂંટણીના કામકાજ સંબંધી અધિકારીઓ અને કર્મચારીઓને જ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી છે. એ સિવાય કોઈ પણ વ્યક્તિ 300 મીટરના પરિસરમાં આવી શકશે નહીં. આ પરિસરમાં સભા કરવી કે જૂથમાં એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
દરમિયાન મતગણતરી કેન્દ્રો બહારની ભીડને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વાહનવ્યવહારના માર્ગોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જોગેશ્વરીમાં જયકોચ જંક્શનથી નેસ્કો ગૅપ જંક્શન સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને સમાંતર આવેલા સર્વિસ રોડને સવારે પાંચ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પરિસરમાં વાહનવ્યવહાર અન્ય માર્ગે વાળવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button