બેગ ચેકિંગ મુદ્દે રાજકારણ ગરમાયુંઃ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના સામાનની કરી તપાસ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ નેતાઓ જોરદાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વખતે પ્રોટોકોલ પ્રમાણે થતી તપાસનો મુદ્દો ચર્ચામાં છે, જ્યારે બેગ ચેકિંગનો મુદ્દો પ્રતિષ્ઠાનો બની રહ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેથી લઈને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની બેગની તપાસ ફરી ચર્ચામાં આવી છે.
તાજેતરમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસ કરી હતી. નાશિકમાં હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જ ખડગેની બેગની તપાસ કરવામાં આવ્યા પછી એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
આ પણ વાંચો: બટેંગે તો કટંગે પર વિભાજિત થઇ ગઇ મહારાષ્ટ્ર ભાજપ, પંકજા મુંડેએ….
આ અગાઉ ચૂંટણી પંચના અધિકારીઓએ અહમદનગરમાં શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસ કરી હતી. એકનાથ શિંદે જ્યારે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પાલઘર પહોંચ્યા ત્યારે ચૂંટણી કર્મચારીઓએ પાલઘર પોલીસ ગ્રાઉન્ડ હેલિપેડ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની બેગ અને હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
ચૂંટણી કર્મચારીઓએ બુધવારે કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ કરી હતી જેનો વીડિયો ભાજપે જાહેર કર્યો છે. જેમાં ચૂંટણી કાર્યકરો બેગ ચેક કરતા જોવા મળ્યા હતા. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ કહ્યું હતું કે માત્ર દેખાડો કરવા માટે બંધારણનો સહારો લેવો પૂરતો નથી, દરેકે બંધારણીય પ્રણાલીનું પણ પાલન કરવું જોઈએ. કેટલાક નેતાઓને ડ્રામા કરવાની આદત છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરમાં સવાર હતા ત્યારે ચૂંટણી કર્મચારીઓએ બુધવારે તેમની બેગની તપાસ કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી)ના નેતા પવારે કહ્યું હતું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે આવા પગલાં જરૂરી છે.
આ પણ વાંચો: Assembly Election: ઉદ્ધવ ઠાકરેના કાફલાને અટકાવાયો, ક્યાં અને કોણે રોક્યો?
અગાઉ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે તેઓ ચૂંટણી પ્રચાર માટે લાતુર અને યવતમાળ જિલ્લામાં પહોંચ્યા બાદ ચૂંટણી અધિકારીઓએ તેમની ‘બેગ’ તપાસી હતી. નારાજ ઠાકરેએ પૂછ્યું હતું કે શું તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાસક ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓ પર પણ સમાન નિયમ લાદવામાં આવશે?
જ્યારે ઉદ્ધવ ઠાકરેએ બેગ અને હેલિકોપ્ટરના ચેકિંગ પર સવાલ ઉઠાવ્યા ત્યારે ચૂંટણી પંચે તેનો યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું કે, તમામ નેતાઓની તપાસ એસઓપી હેઠળ કરવામાં આવે છે. આ અંતર્ગત જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેગ અને હેલિકોપ્ટરની પણ તપાસ કરવામાં આવી છે.