લોકસભાની ચૂંટણીમાં ભાંગફોડિયા પ્રવૃત્તિને રોકવા નક્સલીઓની છાવણી પર પોલીસની કાર્યવાહી
ગઢચિરોલી: ગઢચિરોલી-છત્તીસગઢની સીમાએ આગામી લોકસભાની ચૂંટણીમાં સંભવિત ભાંગફોડ કરવાને ઇરાદે તૈયાર કરાયેલી નક્સલવાદીઓની છાવણી પર કાર્યવાહી કરી પોલીસે અમુક વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.
ગઢચિરોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાંગફોડ કરવા માટે સશસ્ત્ર નક્સલવાદીઓએ છત્તીસગઢની સીમા નજીકના છુટિનટોલા ગામ પાસે છાવણી ઊભી કરી હોવાની માહિતી પોલીસને મળી હતી. કાસનસુર છટગાવ દાલમ અને ઔંધી દાલમના નક્સલીઓએ આ છાવણી બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.
આપણ વાંચો: મોટી નુકસાની કરવાના મનસૂબા પર પોલીસે ફેરવ્યું પાણી, નક્સલીઓએ કર્યો હતો બોમ્બ પ્લાન
માહિતી મળતાં જ શુક્રવારની મોડી રાતે પોલીસ અને ગઢચિરોલી પોલીસના સ્પેશિયલ કોમ્બેટ યુનિટ સી-60 ટીમે ઑપરેશન હાથ ધર્યું હતું. શનિવારની સવારે સી-60 ટીમના જવાનો ટેકરી પર 450 મીટરની ઊંચાઈ પર ચઢી નક્સલવાદીઓની છાવણી સુધી પહોંચ્યા હતા.
પોલીસ કાર્યવાહીની માહિતી મળતાં જ નક્સલવાદીઓ ફરાર થઈ ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જોકે સર્ચ દરમિયાન ટેકરી પર નક્સલ કૅમ્પ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી જિલેટિન સ્ટિક્સ, ડિટોનેટર, કોર્ડેક્સ વાયર, બેટરીઓ, વૉકી-ટૉકી ચાર્જર્સ, બૅકપેક્સ અને નક્સલવાદ સંબંધી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસે નક્સલવાદી છાવણીનો નાશ કર્યો હતો.