પીએમ મોદીએ મતદારોને કરી મોટી અપીલ…જો જો તમારો મત બરબાદ થાય નહીં
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાયુતિના ઉમેદવારોના પ્રચાર માટે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રચાર સભાઓમાં હાજર થઇ વિરોધીઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે ત્યારે આજે તેમને મતદારોને વિપક્ષો મત આપીને તમારો મત બરબાદ થાય નહીં. એની સાથે તેમણે નામ લીધા વગર એનસીપી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર પર નિશાન સાધતા તેમને ‘ભટકતી આત્મા’ કહ્યા હતા.
જોકે, તેના એક જ દિવસ બાદ મોદીએ ફરીથી શરદ પવાર પર હુમલો કરતા જણાવ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રના એક નેતા કેન્દ્રીય કૃષિ પ્રધાન હતા ત્યારે તેમણે ખેડૂતો માટે કંઇ કર્યું નહોતું. પોતાની મહેનતની કમાણી લેવા માટે તેમણે સરકારના સુગરકેન કમિશન (શેરડી ખાતાનું પંચ)ના આંટાફેરા મારવા પડતા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મોદીએ પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક ભટકતી આત્મા છે જેમને કામમાં સફળતા ન મળે તો તે બીજાના સારા કામ ખરાબ કરે છે અને મહારાષ્ટ્ર તેનો શિકાર બન્યું છે.
આપણ વાંચો: લો બોલો, પાકિસ્તાની મૌલવીએ લગ્ન તોડવા માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા!
સોલાપુરના માલશિરસમાં પ્રચાર સભાને સંબોધતી વખતે મોદીએ કહ્યું હતું કે આ રમત 45 વર્ષ પહેલા આ જ નેતાએ શરૂ કરી હતી અને તેમની મહત્ત્વકાંક્ષાઓના કારણે મહારાષ્ટ્ર હંમેશાથી અસ્થિર રાજ્ય રહ્યું છે. તેમના જ કારણે અનેક મુખ્ય પ્રધાનો પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા.
આ સિવાય મોદીએ લોકોને વિપક્ષને મત આપીને પોતાનો મત બરબાદ ન કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકો પૂર્ણ બહુમત માટે જરૂરી એવી ઓછામાં ઓછી બેઠક પર પણ નથી લડી રહ્યા તેમને મત આપીને તમારો મત વ્યર્થ જવા ન દેતા.
વિદર્ભ અને મરાઠવાડાની પાણીની સમસ્યા વિશે વાત કહેતા તેમણે જણાવ્યું હતું કે 2014માં જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે 100થી વધુ સિંચાઇ યોજના એવી હતી જે દાયકાઓથી રખડી પડેલી હતી. તેમાંથી 26 યોજનાઓ મહારાષ્ટ્રની હતી. વિચારો કેટલો મોટો વિશ્ર્વાસઘાત કૉંગ્રેસે મહારાષ્ટ્ર સાથે કર્યો છે. અમે સત્તામાં આવ્યા બાદ 100માંતી 63 યોજનાઓ પૂરી કરી. મરાઠવાડાના અને વિદર્ભના લોકોને એક એક ટીપા પાણી માટે તરસ્યા રાખવાનો પાપ એ લોકોને લાગશે.