લોકો પાર્ટીને સમર્થન આપશે અને સત્યનો થશે વિજયઃ પ્રિયંકાએ હિમાચલમાં વ્યક્ત કર્યો વિશ્વાસ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં એકસાથે યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યના લોકો તેમની પાર્ટીને સમર્થન આપશે અને સત્યનો વિજય થશે.
પ્રિયંકાએ લખ્યું હતું કે એક તરફ સત્તા માટે પૈસા અને એજન્સીના માધ્યમથી લોકશાહીનો નાશ કરનારી ભાજપની રાજનીતિ છે, તો બીજી બાજુ સત્ય, હિંમત અને ધીરજ સાથે લોકો માટે અથાક પરિશ્રમ કરવાનો કોંગ્રેસનો સંકલ્પ છે.
પ્રિયંકાએ એક્સ પર લખ્યું હતું કે, હું હિમાલચ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓને મળી. મને તેમની એકતા, સખત મહેનત અને તાકાતથી ચૂંટણી લડવાનો તેમનો જુસ્સો અને લોકો પ્રત્યેના તેમના સમર્પણ પર ગર્વ છે. કોંગ્રેસના મહામંત્રીએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે જનતા અમને સાથ આપશે અને સત્યની જીત થશે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ વરુણ ગાંધી અન્ય પાર્ટીમાં જોડાવવા અંગે મેનકા ગાંધીએ આપ્યું આ નિવેદન
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં ૧ જૂને લોકસભા ચૂંટણીની સાથે છ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ હિમાચલ પ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણી યોજવી જરૂરી બની ગઇ છે. હિમાચલ પ્રદેશમાં ચાર લોકસભા બેઠકો- હમીરપુર, મંડી, શિમલા અને કાંગડા છે.
૨૦૧૯માં ભાજપે ચારેય બેઠકો જીતી લીધી હતી. બાદમાં પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે વર્તમાન સાંસદ રામ સ્વરૂપ શર્માના અવસાન બાદ ૨૦૨૧માં જરૂરી પેટાચૂંટણીમાં ભાજપ પાસેથી મંડી છીનવી લીધી હતી. પ્રિયંકા ગાંધી ૨૦૨૨માં હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનો ચહેરો હતા.