ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ તોડી નહીં શકે: એકનાથ શિંદે
મુંબઈ મનપામાં 25 વર્ષ સુધી સત્તા ભોગવનારાએ મુંબઈ માટે શું કર્યું એવો સવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણીઓ આવે એટલે રાજ્યમાં કેટલાક લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરી નાખવામાં આવશે એવી બૂમરાણ કરવાનું ચાલુ કરી દેતા હોય છે. મુંબઇગરાના મતો પર નજર રાખીને 25 વર્ષ સુધી મુંબઈમાં સત્તા ભોગવનારાઓએ મુંબઈ માટે શું કર્યું? એવી આકરી ટીકા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી) પર કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે ત્યાં સુધી મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ અલગ કરી શકે એમ નથી.
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવ્યા પછી મુંબઈને માટે અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌથી પહેલો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મુંબઈને ખાડામુક્ત કરવાનું. એમના પછી મુંબઈના સુશોભિકરણનું કામ કરવામાં આવી રહ્યું છે. આપલા દવાખાના ચાલુ કરી દેવામાં આવ્યા છે. મુંબઈને વૈશ્ર્વિક સ્તરનું શહેર બનાવવા માટે મહાયુતિની સરકાર પ્રયત્નશીલ છે. મુંબઈગરા જે શહેરમાંથી બહાર ફેંકાઈ ગયા છે, તેમને ફરી પાછા શહેરમાં લાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આને માટે મોદીને ત્રીજી વખત મતદાન કરવું આવશ્યક છે. મુંબઈની બધી જ બેઠકો પર મોદી ઊભા છે એમ સમજીને મત આપો.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ નાશિકની બેઠક પર શિંદે અને ઠાકરેના ઉમેદવાર પર સૌની નજર
તેમણે એમ પણ કહ્યું હતું કે મહાયુતિના નેતાઓ પોતાના મતદારસંઘમાં વિકાસના કામ માટે સતત પ્રયત્નશીલ હોય છે. શહેરની એસઆરએની જટિલ સમસ્યાના નિરાકરણ માટે સંસદસભ્યો દ્વારા કરવામાં આવતી રજૂઆતોને ધ્યાનમાં રાખીને હું જ્યારે નગરવિકાસ ખાતાનો પ્રધાન હતો ત્યારે નિયમો હળવા કર્યા હતા એમ તેમણે કહ્યું હતું.
એમએમઆરડીએ, મ્હાડા, એમએસઆરડીસી, એમઆઈડીસી જેવી સંસ્થાઓના માધ્યમથી રાજ્યમાં અટકી પડેલા પ્રોજેક્ટ પૂરા કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બેઘર થયેલા મુંબઈગરાને તેમના હક્ક્નું ઘર આપવાનું કામ મહાયુતિની સરકાર કરશે એવું વચન તેમણે આપ્યું હતું.
એકનાથ શિંદેએ મુંબઈગરાને એવી હાકલ કરી હતી કે 20 તારીખે ધનુષ્ય-બાણ પર મતોનો એવો વરસાદ કરો કે મશાલ (શિવસેના-યુબીટીનું ચિહ્ન) બુઝાઈ જવી જોઈએ. શહેરમાં મહાયુતિના બધા જ ઉમેદવારો જ્વલંત સરસાઈ સાથે વિજયી થશે એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : કૉંગ્રેસ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે: મોદી
છેલ્લા 50-60 વર્ષ કૉંગ્રેસે દેશને પાછળ લઈ જવાનું કામ કર્યું છે, દેશની અધોગતિ કરી છે. 2014 પહેલા દેશમાં બોમ્બ સ્ફોટ થતા હતા, પરંતુ ત્યારબાદ એકેય બોમ્બ સ્ફોટ થયો નથી કેમ કે દેશને નરેન્દ્ર મોદીનું સક્ષમ નેતૃત્વ મળ્યું છે. આજે ભારત બોલે છે, ત્યારે આખી દુનિયા ધ્યાન દઈને સાંભળે છે. ભારત આજે મજબૂર નહીં, મજબૂત દેશ બન્યો છે. વારાણસીમાં વિકાસની ગંગા વહી રહી છે. કાશી વિશ્ર્વેશ્ર્વરમાં વિકાસ જોેવા મળી રહ્યો છે.
કૉંગ્રેસ હવે એવું કહી રહી છે કે મહિલાઓને એક લાખ રૂપિયા આપવામાં આવશે, પરંતુ મહાયુતિ સરકારે તો આ યોજના પહેલા જ ચાલુ કરી દીધી છે. લેક લાડકી લખપતી યોજના, લખપતી દીદી યોજના, મહિલા બચત જૂથોને લોનની યોજના, મહિલાઓને એસટીમાં ક્ધસેશન. આમ રાજ્યમાં મહાયુતિ સરકાર દ્વારા મહિલા સક્ષમીકરણ માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાને આરક્ષણ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે એમ પણ એકનાથ શિંદેએ કહ્યું હતું.