Nilesh Kumbhani: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે નિલેશ કુંભાણી ગાયબ, જાણો શું છે મામલો

સુરત: ગુજરાતમાં લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે મતદાન યોજાય એ પહેલા સુરત લોકસભા બેઠક(Surat Loksabha seat) દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી(Nilesh Kumbhani)નું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સુરત બેઠક પર તમામ હરીફ ઉમેદવારો ચૂંટણીમાંથી ખસી જતા ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં અહેવાલ છે કે નિલેશ કુંભાણી હાલ લાપતા છે. ગઈ કાલથી એવી અટકળો ચાલી રહી છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે.
અહેવાલો મુજબ નિલેશ કુંભાણી ઘર પર નથી, ફોન પર પણ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે એવી અટકળો વચ્ચે, કોંગ્રેસના કાર્યકરોએ તેમના બંધ ઘરની બહાર પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ કર્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે, “જનતાનો ગદ્દાર”.
આપણ વાંચો: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું સુરત સીટથી ફોર્મ રદ્દ, શક્તિસિંહે કર્યા મોટા ખુલાસા
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગઈ કાલે સોમવારે જણાવ્યું હતું કે સુરતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “પ્રથમ કમળ” સોંપ્યું છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, “હું અમારા ઉમેદવાર મુકેશ દલાલને સુરત લોકસભા સીટ પરથી બિનહરીફ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવું છું.”
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ ચૂંટણીને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે અને ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ કરી છે. પાર્ટીના પ્રવક્તા અભિષેક સિંઘવીએ સોમવારે ચૂંટણી કમિશનરોને મળ્યા બાદ પત્રકારો સાથે કરતા જણાવ્યું હતું કે, “અમે ચૂંટણી પંચને સુરતમાં ચૂંટણી સ્થગિત કરવા અને ફરીથી ચૂંટણી કરાવવાની વિનંતી કરી છે જેથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવે કે ચૂંટણીને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાના કૃત્યને ચલાવી લેવામાં આવશે નહીં.”
અભિષેક સિંઘવીએ દાવો કર્યો કે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનના ચાર ટેકેદારોએ અચાનક સહીઓ આપવાનો ઇનકાર કર્યો. આ કોઈ યોગાનુયોગ નથી કે અન્ય ઉમેદવારે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી અને ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ 22 એપ્રિલ હતી. સુરત લોકસભા બેઠક માટે કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે એક ઉમેદવારનું ફોર્મ પત્ર નામંજૂર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આઠ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજય થયો હતો.