મોદી સરકાર સંસદમાં બહુમતીનો લાભ સીમાચિહ્નરૂપ ચુકાદા લેવામાં કર્યો, બંધારણમાં ક્યારેય ફેરફાર થશે નહીં: અમિત શાહ
અકોલા: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ભારપુર્વક કહ્યું હતું કે ભાજપે સંસદમાં તેમની બહુમતીનો ઉપયોગ કલમ 370ને રદ કરવા, ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવા અને નવો નાગરીક ધારો બનાવવા માટે કર્યો હતો અને ભારપુર્વક ઉમેર્યું હતું કે મોદી સરકાર ક્યારેય બંધારણ બદલશે નહીં.
પૂર્વ મહારાષ્ટ્રમાં આવેલા અકોલામાં ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે કૉંંગ્રેસ પર એવો આક્ષેપ કર્યો હતો કે રામ મંદિરના નિર્માણમાં તેમણે અવરોધ લાવવાના પ્રયાસો કર્યા હતા. ભાજપના સિનિયર નેતાએ નોંધ્યું હતું કે મોદી હતા તો ભગવાન રામને સમર્પિત ભવ્ય મંદિર અયોધ્યામાં બાંધવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે મોદી સરકાર સત્તામાં પુનરાગમન બાદ 70 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને પાંચ લાખ સુધીના આરોગ્ય વીમા માટે પાત્ર બનાવશે. રાંધણગેસ સીધા ગ્રાહકોને પહોંચાડશે.
આપણ વાંચો: અમિત શાહે કલમ 370 પર રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું, કહ્યું- ‘કોઈની હિંમત નથી…
તેમણે ઈન્ડી ગઠબંધનની ટીકા કરતાં કહ્યું હતું કે આ લોકો અયોધ્યામાં રામ મંદિર બંધાય એવું ઈચ્છતા નહોતા. ભાજપના પીઢ નેતાએ કહ્યું હતું કે વિપક્ષ અત્યારે એવું ચિત્ર ઉભું કરી રહ્યું છે કે મોદી સરકાર બંધારણને બદલી નાખશે. મોદી સરકારે સંસદમાં રહેલી પોતાની મજબૂત બહુમતીનો ઉપયોગ કરીને કલમ 370 રદ કરી જેને કારણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો મળ્યો હતો અને અનૌરસ સંતાન જેવી સ્થિતિ થઈ ગઈ હતી, એમ અમિત શાહે કહ્યું હતું.
મોદી સરકાર ક્યારેય બંધારણને બદલશે નહીં કે પછી એસસી/એસટી અને ઓબીસીના આરક્ષણને રદ કરશે નહીં.
તેમણે શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં જણાવ્યું હતું કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને પોતાના પુત્રથી આગળ કશું દેખાતું જ નથી.
તેમણે એનસીપી સુપ્રીમો શરદ પવારને એવો સવાલ કર્યો હતો કે સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહે તેમના 10 વર્ષના કાર્યકાળમાં મહારાષ્ટ્રને શું આપ્યું હતું? ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને છેલ્લા 10 વર્ષમાં રૂ. 7.14 લાખ કરોડ આપ્યા છે. જ્યારે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે મહારાષ્ટ્રને 2004થી 2014ના દસ વર્ષના કાર્યકાળમાં મહારાષ્ટ્રને ફક્ત રૂ. 1.91 લાખ કરોડ જ આપ્યા હતા.