મહારાષ્ટ્રની જનતા પર વચનોનો વરસાદ
ભાજપ અને મહાવિકાસ આઘાડીએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો: ભાજપના સંકલ્પપત્રમાં પચીસ વચનો જ્યારે એમવીએના મહારાષ્ટ્રનામામાં મહિલાઓને છ સિલિન્ડર રૂ. 500માં આપવાનું વચન, લાડકી બહેન જેવી યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં પ્રચાર ઝુંબેશ ચરમસીમા પર છે ત્યારે રવિવારે ભાજપ દ્વારા તેમ જ મહાવિકાસ આઘાડી દ્વારા ચૂંટણી ઢંઢેરોે જાહેર કરવામાં આવ્યો હતો. અપેક્ષા મુજબ જ બંને પક્ષોએ મહારાષ્ટ્રના મતદારો પર વચનોનો વરસાદ કર્યો હતો. અમિત શાહે લોકપ્રિય લાડકી બહેન યોજના, મહિલાઓની પોલીસ દળમાં ભરતી, ખેડૂતોને લોનમાફી, વૃદ્ધોને પેન્શન, વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ જેવી એકનાથ શિંદેની યોજનાઓ ચાલુ રાખવાનું વચન આપ્યું હતું અને જીવનાવશ્યક વસ્તુઓના ભાવ સ્થિર રાખવાનું, મહારાષ્ટ્રને ફિનટેક અને આઈટી હબ બનાવવું, રાજ્યને વન ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવું, અક્ષય અન્ન યોજના હેઠળ ગરીબોને નિ:શુલ્ક અનાજ વિતરણ, સરકારી સ્કૂલોમાં રોબોટિક્સ અને એઆઈ શીખવાની તક આપવાની, ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા જેવા કુલ પચીસ વચનો આપ્યાં હતા.
બીજી તરફ એમવીએએ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમને મહાલક્ષ્મી યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. મહાવિકાસ આઘાડીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો, આરોગ્ય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, સુશાસન અને શહેરી વિકાસના મુદ્દાઓ પર કામ કરવાનું વચન આપ્યું છે. મહિલાઓ માટે શક્તિ કાયદો લાગુ કરવા ઉપરાંત મહિલાઓ પર વિશેષ ભાર મૂક્યો છે. મહિલાઓ માટે મફત બસ મુસાફરીની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ સિવાય તેમને એક વર્ષમાં છ ગેસ સિલિન્ડર રૂ. 500 રૂપિયામાં આપવાનું, 9 થી 16 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી વિનામૂલ્યે આપવી, માસિક ધર્મના દિવસોમાં બે દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવી, આત્મહત્યા રોકવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જેવાં વચનો આપ્યા છે.
રોજગાર અને સ્વાસ્થ્ય સંબંધિત વચનયુવા સ્નાતક અને અનુસ્નાતક શિક્ષિત બેરોજગારોને દર મહિને 4,000 રૂપિયા સુધીનું ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે. નવી ઔદ્યોગિક નીતિ બનાવીને મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવાનું, રાજ્યમાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે અલગ મંત્રાલય બનાવવાનું વચન અપાયું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનું પણ વચન આપ્યું છે.