અમને મોડું થાત તો અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી દીધો હોત: ઉદ્ધવ ઠાકરે
અમાસની પૂજા કરવા ગામમાં જતા રહ્યા કહીને શિંદેને લક્ષ્ય બનાવ્યા
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિના વિજય બાદ અત્યાર સુધી મુખ્ય પ્રધાનપદને લઇને કોઇ નિર્ણય લેવાયો નથી તથા નવી સરકારની રચના પણ કરાઇ નથી. આ અંગે ચર્ચા કરતા શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે લોકોએ જો આ રીતે મોડું કર્યું હોત તો અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી દીધો હોત.
ચૂંટણી પ્રક્રિયામાં કરાયેલી કથિત ગેરરીતીના વિરુદ્ધમાં સમાજસેવક બાબા આઢાવ છેલ્લા ત્રણ દિવસથી અનશન પર બેઠા છે. શનિવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાપે તેમની મુલાકાત લીધી હતી અને તેમને અનશન પૂર્ણ કરવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી-એસપીના નેતા જયંત પાટીલે પણ બાબા આઢાવની મુલાકાત લીધી હતી. બાબા આઢાવે અનશન છોડ્યા પણ આંદોલન ચાલુ રાખવાનું કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નહીં બને તો શું થાય?? ઉદ્ધવ ઠાકરે મજબૂત, પાલિકામાં નુકસાન, મરાઠા નારાજ
પુણેમાં ફુલે વાડામાં ચાલી રહેલા આઢાવના અનશન વખતે ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીના પરિણામ અને મોદી સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ઇવીએમ ગોટાળા અને લોકશાહીને બચાવવા માટે મોટું આંદોલન કરવામાં આવશે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું નામ લીધા વગર તેમની ટીકા કરી હતી.
આજનો દિવસ સૌને યાદ રહેશે. બાબા આઢાવ પ્રેરણા આપનારા છે. ચૂંટણીમાં જિતેલા અને હારેલાઓને પણ પરિણામો પર વિશ્વાસ નથી. યોજનાઓ દ્વારા સત્તાધારીઓએ મહારાષ્ટ્રને વેચાતું લીધું છે. આ કૌભાંડમાં ઇવીએમનો સમાવેશ કરાયો છે. મારો મત ક્યાં જઇ રહ્યો છે તે સમજવા જેવું છે. છેલ્લા એક કલાકમાં ૭૬ લાખ મત કેવી રીતે વધી શકે?, એવો સવાલ ઉદ્ધવે કર્યો હતો.
બહુમતિ મળી હોવા થતાં લોકો રાજભવનમાં જતા નથી. અમાસની પૂજા કરવા માટે ગામમાં જાય છે. તે પરથી તેમની માનસિકતા જાણી શકાય છે, એમ કહીને ઉદ્ધવે એકનાથ શિંદેને લક્ષ્ય બનાવ્યા હતા.